તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર સરાઝા હોટલમાં ચાલતી પાર્ટી અંગે સ્થાનિક પોલીસ અજાણ કે આંખ આડા કાન?
ડેકોરા ગ્રુપના MD નિખિલ પટેલ સહિત 38 પીધેલા ઝડપાયા
- Advertisement -
પાર્ટીમાંથી કબ્જે કરવામાં આવેલો દારૂ પરમિટનો હોવાનો ઘટસ્ફોટ
દારૂ કોની પરમિટનો અને કોના કહેવાથી લવાયો-પીરસાયો એ સો મણનો સવાલ
રાજકોટમાં ગત શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ની જન્મજયંતિ નિમિતે રન ફોર યુનિટી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા અને બીજી તરફ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના બિલ્ડરો દ્વારા એડવાન્સ બર્થડે પાર્ટીનું એટલે કે દારૂની મહેફિલનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી ૧૨ તારીખે જન્મદિવસ હોય પોતે એડવાન્સ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જોગાનુજોગ આ પાર્ટીની જાણ પોલીસને થઇ જતા એલસીબી ત્રાટકી હતી અને ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ, એમડી નિખિલ પટેલ સહીત ૩૮ નામચીન બનીરાઓને ડમડમ હાલતમાં ઝડપી લીધા હતા. અહીં મહત્વની વાત એ છે કે તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટર દૂર આવેલી સરાઝા હોટલમાં આ શાનદાર મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી અંગે સ્થાનિક પોલીસ અજાણ હતી કે જાણી જોઈને આંખ આડા કાન કર્યા હતા? આ મહેફિલમાં પોલીસે કબ્જે કરેલો દારૂ પરમિટનો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જો કે દારૂ કોની પરમિટમાંથી ઈસ્યુ થયો તે સો મણનો સવાલ ઉભો થયો છે.
રાજકોટની બિલ્ડર લોબીમાં અગ્રગણ્ય નામના ધરાવતા એવો ડેકોરા ગ્રુપના માલિકે ડેકોરા ગ્રુપ જમન પટેલનું નામ બદનામ કરતું કાર્ય કર્યું છે. પૈસાના પાવરમાં પેધી ગયેલા આ ડેકોરા ગૃપના ફાટીને ધુમાડે ગયેલા નબીરાઓએ ફાઈવ સ્ટાર હોટલમાં શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અનેક માલેતુજાર પરિવારની યુવતીઓ પણ સામેલ હતી. સાંજ પડતાની સાથે જ આ મહેફિલમાં જામથી જામ ટકરાવવા લાગ્યા હતા. ડેકોરા ગ્રુપની આ પાર્ટીમાં ચિરાગ પટેલ, એમડી નિખિલ પટેલ, હોટલનો મેનેજર તથા આમંત્રિત મહેમાનો સહીત કુલ ૩૮ લોકો પીધેલી હાલતમાં પકડાતા આ તમામ દારૂડિયાઓ સામે તાલુકા પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
- Advertisement -
સરાઝાને સીલ કેમ નહીં? : કાંઠલા R મીડિયાકર્મીના પકડતી પોલીસના હાથ સરાઝાના માલિકો-પાર્ટનરો સામે કાર્યવાહી કરતાં કેમ ધ્રૂજે છે?
ગેરકાયદે દારૂની મહેફિલ માટે જગ્યા ભાડે આપનાર કે વ્યવસ્થા કરી આપનાર હોટલ માલિક અને સંચાલકો સામે પણ ફોજદારી ગુનો નોંધાઈ શકે છે અને આવી હોટલને તાત્કાલિક સીલ મારી શકાય છે. સરાઝા હોટલમાં માત્ર મેનેજર-કર્મચારીઓ સામે કાર્યવાહી કરી અસલ માલિકોને ક્લીન ચીટ આપી દેવાઈ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ હોટલના માલિક પૈકીના એક પાર્ટનર કુશલ અનડકટ તેમજ રાજકોટની એક કોમ્પ્યુટર કંપનીના માલિકની સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે. માત્ર સામાન્ય કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી મોટા માથાઓને કેમ બક્ષી દેવાયા? શું રાજકોટ પોલીસ આ હોટલના માલિકો અને પાર્ટનરો સામે ગુનો નોંધી સરાઝા હોટલને સીલ મારવાની હિંમત દાખવશે ખરી?
સરાઝામાં નિયમિત મહેફિલો? : હોટલ મેનેજરની કડક પૂછપરછ અને CCTVથી મોટા રહસ્યો ખુલી શકે
ડેકોરા ગ્રુપના નબીરાઓની આ મહેફિલ માત્ર એક જ વારનો બનાવ છે કે પછી સરાઝા હોટલ અગાઉથી જ માલેતુજારો માટે દારૂના અડ્ડા જેવી બની ગઈ છે? ચર્ચાતી વિગતો અનુસાર, અહીં આવી હાઈપ્રોફાઈલ પાર્ટીઓ નિયમિત ધોરણે યોજાતી હોવાની આશંકા છે. કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલ માલેતુજારો માટે ગેરકાયદેસર મહેફિલોનું કાયમી સેફ હેવન બની ગઈ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ ખરેખર નિષ્પક્ષ તપાસ કરવા માંગતી હોય તો હોટલના છેલ્લા કેટલાક મહિનાઓના તમામ સીસીટીવી ફૂટેજની તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી છે. હોટલ મેનેજર અને સંચાલકોની કડકાઈથી પૂછપરછ કરવામાં આવે તો ભૂતકાળમાં અહીં યોજાયેલી આવી અનેક નશાખોરીની પાર્ટીઓની પોલ ખુલી જાય તેમ છે એવું કહેવાય રહ્યું છે.
વાહવાહી કરાવવા પ્રેસ બોલાવતી પોલીસ મીડિયા કામગીરી સામે કેમ લાલઘૂમ?
સામાન્ય કે નાની કામગીરીમાં પણ પોતાની પીઠ થાબડવા અને વાહવાહી મેળવવા માટે પત્રકારોને અતિ ઉત્સાહથી પ્રેસ કોન્ફરન્સનું આમંત્રણ આપતી પોલીસનો આ કિસ્સામાં અસલ ચહેરો સામે આવ્યો છે. મીડિયા હંમેશા પોલીસની નાની-મોટી સારી કામગીરીને બિરદાવતું આવ્યું છે પરંતુ જ્યારે ડેકોરા ગ્રુપના નબીરાઓની મહેફિલ ખુલ્લી પડી ત્યારે પોલીસે શરમજનક વર્તન દાખવ્યું હતું. મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાને બદલે પોલીસે પીધેલા નબીરાઓના કાટલા પકડીને ખાખીનું સન્માન જાળવ્યું હોત તો કાયદાનો ખરો ખોફ જોવા મળ્યો હોત. મીડિયા સામે જોહુકમી અને દારૂડિયાઓ સામે નમ્રતા ક્યાં સુધી રાખવામાં આવશે? સામાન્ય લોકો દારૂ પી પકડાય તો તેમની પરેડ નીકળે અને પૈસાદાર પીધેલા પકડાય તો તેમને છાવરવા મીડિયા સાથે ગેરવર્તન કરવું કેટલી વાજબી છે?
દારૂ પાર્ટીમાં રેડ પાડવાની હિંમત દાખવનાર પોલીસ જ દારૂડિયાઓને બચાવવા ઢાલ બની
અમદાવાદ, સુરત કે વડોદરા જેવા મહાનગરોમાં ભૂતકાળમાં જ્યારે પણ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલો પકડાઈ ત્યારે બાહોશ આઈપીએસ અધિકારીઓએ પૈસાદાર નબીરાઓને કાયદાનો પાઠ ભણાવી ખાખીનો અસલ ખૌફ બતાવ્યો હતો. બીજી તરફ, રાજકોટમાં પોલીસે પહેલાં તો હિંમત દાખવીને ફાઈવ સ્ટાર હોટલમાં દરોડો પાડયો, પરંતુ પછી અંદર પકડાયેલા માલેતુજારોને બચાવવા માટે જાણે પોલીસ જ ઢાલ બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. આખીય કાર્યવાહી જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે રેડ પાડયા પછી પોલીસથી જાણે મોટું ‘કાચું કપાઈ ગયું’ હોય અને હવે બિલ્ડર લોબી અને રાજકીય પ્રેસરના કારણે સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પોલીસે માત્ર 17500નો જ મુદામાલ કબ્જે કર્યો!
પોલીસે સરાઝા હોટેલમાં થયેલી દારૂ પાર્ટી સ્થળની તલાશી લેતા ટેબલ અને કાઉન્ટર પરથી પેટ્રન સિલ્વર ટેક્વિલા, ગ્લેનલિવેટ અને જોની વોકર ગોલ્ડ લેબલ જેવી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ભરેલી તથા ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ૪૦ જેટલા કાચ અને પ્લાસ્ટિકના ગ્લાસો, કોલ્ડ ડ્રિંકસની ખાલી બોટલો તેમજ પાંચ હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ૧૭૫૦૦નો પ્રોહીબીશન મુદામાલ કબજે કર્યો છે. જોકે આરોપીના મોબાઈલ ફોન અને વાહનો જપ્ત કરી કેમ કાર્યવાહી કરવામાં ન આવી એ અંગે સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત દારૂ કોણ અને ક્યાંથી લાવ્યું તેમજ કોના કહેવાથી પૂરો પડાયો અને પીરસાયો એ અંગે પણ કોઈ તપાસ થશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યા છે.




