મંદિર નિર્માણ અને સ્ટડી સેન્ટરના કાર્યની સમીક્ષા બેઠકમાં સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા
માં ભવાની અને છત્રપતિ શિવાજી મહારાજને આદર્શ ગણીને સૌ કાર્યરત રહો.”. વજુભાઈ વાળા
- Advertisement -
સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક કાર્ય થકી એકતાનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌ તન મન ધનથી કાર્યરત થાય તેવી અપીલ કરું છું : માવજીભાઈ ડોડીયા.
51 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગમાંથી જળ, માટી અને ધજા લાવી મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અર્પણ કરાશે
ભવાની ધામ ખાતે ધાર્મિક એકતા, સામાજિક ઉત્થાન, મંદિર નિર્માણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમસ્ત રાજપૂત સમાજના વિવિધ જિલ્લાના આગેવાનો, સામાજિક કાર્યકરો અને આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી ભવાની ધામના ચાલી રહેલા નિર્માણકાર્યોની સમીક્ષા કરી હતી. સાથે જ ભવિષ્યમાં યોજાનારા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો, નવનિર્મિત ભવનના લોકાર્પણ તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ભવાની ધામને માત્ર ધાર્મિક સ્થળ પૂરતું સીમિત ન રાખી સમગ્ર રાજપૂત સમાજની એકતા, આસ્થા, શિક્ષણ અને સામાજિક વિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં નવનિર્મિત ભવનના લોકાર્પણ માટે વિવિધ કાર્યક્રમો યોજવા અંગે પણ ચર્ચા થઈ હતી. પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માં ભવાની અને છત્રપતિ શિવાજી મહારાજને આદર્શ માનીને સૌએ સમાજના હિતમાં કાર્યરત રહેવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં કોઈના દુશ્મન બનવાની જરૂર નથી, પરંતુ સામાજિક કાર્યોમાં સૌએ એકબીજાના પૂરક બનીને આગળ વધવું જોઈએ. જે જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેને ભવાની ધામ તરફથી હંમેશા સહયોગ મળશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. સમાજમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. કોઈ જગ્યાએ શિક્ષણનું કાર્ય ચાલતું હોય કે વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલનું નિર્માણ થતું હોય તો તેને પ્રથમ અગ્રતા આપીને પૂર્ણ કરાવવું જોઈએ. ત્યારબાદ ભવાની ધામ સહિતનાં અન્ય કાર્યો હાથ ધરવા જોઈએ. સામાજિક કાર્યમાં નીકળનાર વ્યક્તિએ નિરાશ થયા વગર સમાજના સૌ લોકોને સાથે રાખીને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે, મારે સદી પૂરી કરવી નથી, પરંતુ મંદિરનું કાર્ય પૂર્ણ થાય અને તેના પર ધજા ફરકે ત્યાં સુધી કાર્યરત રહેવાની શક્તિ માં ભવાની આપે તેવી પ્રાર્થના છે.
- Advertisement -
આ તકે સમાજના મોભી માવજીભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, કદાચ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક કાર્યના માધ્યમથી આટલી મોટી સામાજિક એકતાનું નિર્માણ થઈ રહ્યું છે. આ કાર્યમાં સૌએ તન, મન અને ધનથી જોડાવું જોઈએ. આ પ્રસંગે તેમણે સ્વ. નારસીભાઈ પઢિયારના યોગદાનને યાદ કરી તેમની સેવાઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં વિવિધ આગેવાનો દ્વારા ભવાની ધામના નિર્માણકાર્ય માટે લાખોની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક સહયોગની જાહેરાતો સાથે સમાજના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક કાર્યોને પણ પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભવાની ધામના પ્રમુખ કિશોરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 51 શક્તિપીઠ અને 12 જ્યોતિર્લિંગમાંથી જળ, માટી અને ધજા લાવી મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અર્પણ કરવામાં આવશે. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને સહયોગ આપવા પણ સમાજના આગેવાનોને અપીલ કરી હતી.
ડો. પ્રતાપસિંહ ચૌહાણે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, પરંતુ તેના માધ્યમથી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય શિક્ષિત લોકોએ ન કરવું જોઈએ. સમાજમાં ગેરસમજણ મોટાભાગે શૈક્ષણિક અભાવને કારણે ઊભી થાય છે. બુદ્ધિજીવી સમાજમાં મતમતાંતર હોવા સ્વાભાવિક છે, પરંતુ તેને સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવાથી સામાજિક એકતાને નુકસાન પહોંચે છે. સમાજની એકતા મજબૂત બનાવવી હોય તો સૌએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. દિવાળી બાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે નવીનતમ કોર્સ, કારકિર્દી માર્ગદર્શન તેમજ UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કઈ રીતે વ્યવસ્થિત આયોજન કરી શકાય તે અંગે ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને વાઇસ ચાન્સેલર કે.એન. ખેરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભવાની ધામ ખાતે નિર્માણ પામી રહેલું સ્ટડી સેન્ટર વિદ્યાર્થીઓને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી બની રહે તે દિશામાં પણ ચર્ચા થઈ હતી.
નારણસિંહ મોરી ભાવનગરએ જણાવ્યું હતું કે, ભવાની ધામ સમગ્ર સમાજને જોડતી કડી છે. આ ધામના માધ્યમથી સમાજની એકતાનાં દર્શન થાય તે રીતે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. જેસીંગ ભગત માંગરોળે પણ ભવાની ધામ ખાતે ઝડપથી પૂર્ણ થઈ રહેલા નિર્માણકાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક વ્યાપ વધે તેવા હેતુથી સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે, જે સમાજના ભાવિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
રૈયાભાઈ રાઠોડે ઉપસ્થિત કારોબારી સભ્યોને પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરવા અનુરોધ કર્યો હતો અને ભવાની ધામ સમગ્ર સમાજના આસ્થાના કેન્દ્ર તરીકે વિકસે તેવી માં ભવાનીને પ્રાર્થના કરી હતી. દિપસિંગભાઈ ડોડીયાએ ભવાની ધામને પોતાના જિલ્લાનું ગૌરવ ગણાવી આ કાર્યમાં સતત સહયોગ આપવાની ખાતરી આપી હતી. પૂર્વ મંત્રી લક્ષ્મણસિંહ પરમારે પણ સૌને એકસાથે મળીને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા આહ્વાન કર્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ ભવાની ધામના મંદિર નિર્માણ અને સ્ટડી સેન્ટરના ચાલી રહેલા કાર્યની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી સ્ટડી સેન્ટરનું નિર્માણ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલ હોવાનું સૌએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભવાની ધામની ટીમના વજુભાઈ, ઘનશ્યામસિંહ, અજીતસિંહ, મહેશભાઈ, ગોહિલ સાહેબ સહિતના આગેવાનો સતત કાર્યરત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. અનિરુદ્ધસિંહ પઢિયારે કર્યું હતું. સંસ્થાનો પરિચય અને શાબ્દિક સ્વાગત કિશોરસિંહ ચૌહાણે કર્યું હતું, જ્યારે અંતમાં ભવાની ધામના કન્વીનર તેજસભાઈ ભટ્ટીએ આભારવિધિ કરી હતી.
શિક્ષણના માધ્યમથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય છે : જશાભાઈ બારડ
સમસ્ત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, ભવાની ધામ ખાતે નિર્માણ પામેલું શૈક્ષણિક ભવન 21મી સદીને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણના માધ્યમથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય છે, ત્યારે આ ભવન સમાજના ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે સૌને આ કાર્યમાં તન, મન અને ધનથી સહભાગી થવા અપીલ કરી હતી.
ભવાની ધામ આવનારા સમયમાં સમગ્ર રાજપૂત સમાજ માટે પ્રેરણાનું ધામ બનશે : ગોવિંદભાઈ પરમાર, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન
ગુજકોમાસોલના વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે, સ્વ. નારસીભાઈ પઢિયાર અને વજુભાઈ વાળા જેવા આગેવાનોએ જે કાર્યની વાવણી કરી હતી તેના ફળ આજે સમાજને મળી રહ્યાં છે. ભવાની ધામ આવનારા સમયમાં સમગ્ર રાજપૂત સમાજ માટે પ્રેરણાનું ધામ બનશે. આગામી સામાજિક કાર્યક્રમોમાં યુવાનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં જોડાય તે પ્રકારનું આયોજન કરવા તેમણે સૂચનો આપ્યાં હતાં. આ પ્રસંગે તેમણે ભવાની ધામને રૂ. 51 લાખની સહાય અર્પણ કરવાની જાહેરાત પણ કરી હતી.
સમગ્ર ગુજરાતના રાજપૂતોને એકસાથે જોડવાનું કાર્ય થઇ રહ્યું છે : કાનભા ગોહિલ
સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના રાજપૂતોને એકસાથે જોડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. સમાજને ઓબીસીનો લાભ મળે તે માટે એકતાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેના પરિણામે જરૂરિયાતમંદ લોકોને રોજગારી સહિતના લાભ મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોતે માત્ર વાતો કરવામાં નહીં, પરંતુ કાર્ય કરવામાં વિશ્વાસ રાખે છે.
ભવાની ધામના નિર્માણકાર્ય માટે આગેવાનો દ્વારા સહાયની જાહેરાત
ગોવિંદભાઈ પરમાર (વાઇસ ચેરમેન, ગુજકોમાસોલ) : રૂ. 51 લાખ
જશાભાઈ બારડ (પૂર્વ મંત્રી) : રૂ. 25,55,555
જેસીંગ ભગત (માંગરોળ) : રૂ. 11 લાખ
લક્ષ્મણસિંહ પરમાર (પૂર્વ મંત્રી) : રૂ. 5 લાખ




