અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે 5,000 લોકોની ક્ષમતા ધરાવતી અનોખી આજીવન રહેણાંક ટાઉનશિપ
વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ, પુનર્વસન કેન્દ્ર અને કૌટુંબિક માહોલ સાથે ગરિમાપૂર્ણ જીવન પૂરું પાડવાનો મહત્વપૂર્ણ અભિગમ
- Advertisement -
રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી દ્વારા મુંબઈ નજીક આવેલા કરજતમાં અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે એક અનોખી પહેલરૂપ “નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ગઈકાલે પ્રસ્તાવિત સ્થળે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આશરે ૧૦૦ એકર જેટલી વિશાળ જમીનમાં ફેલાયેલી આ ટાઉનશિપ એક કાયમી અને બિન-નફાકારક (નોટ-ફોર-પ્રોફિટ) સંસ્થા તરીકે પરિકલ્પિત છે, જે તબક્કાવાર રીતે તૈયાર થશે.
નીતા અંબાણીએ આ પહેલ વિશે જણાવ્યું હતું કે, આ પ્રોજેફટ દિવ્યાંગ વ્યક્તિઓ, જરૂરિયાતમંદ બાળકો અને સ્નેહાળ સંભાળ ઝંખતા વરિષ્ઠો માટે એક મમતાભર્યું ઘર બનાવવા તરફનું ડગલું છે. ખાસ કરીને જે માતા-પિતા આખી જિંદગી એ ચિંતામાં વિતાવતા હોય કે ‘અમારા પછી અમારા બાળકોનું કોણ?’, તેઓ એ જાણીને મનની શાંતિ મેળવી શકે કે તેમના બાળક પાસે હંમેશા પોતાનું એક ઘર અને પરિવાર રહેશે.
આ ટાઉનશિપમાં ૫,૦૦૦ થી વધુ નિવાસીઓને આજીવન ઘર પૂરું પાડવામાં આવશે, જ્યારે કેરગીવર્સ, તબીબી નિષ્ણાતો અને સહાયક કર્મચારીઓ સહિત આશરે ૧૫,૦૦૦ લોકોનો સમુદાય અહીં વસવાટ કરશે. આ સંસ્થા કોઈ સામાન્ય આશ્રયસ્થાન નહીં પરંતુ એક જીવંત સમુદાય બનશે, જ્યાં નિવાસીઓ દર્દી તરીકે નહીં પરંતુ પાડોશી તરીકે પરિવારની હુંફ અને સુરક્ષા સાથે રહેશે. અહીં રહેવા માટે કૌટુંબિક શૈલીના નાના ઘરો બનાવવામાં આવશે, જ્યાં ‘હાઉસ પેરેટ્સ’ અને કેરટેકર્સ ઉપસ્થિત રહેશે. દરેક નિવાસી માટે આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય અને રોજગારને આવરી લેતી વ્યક્તિગત સંભાળ અને વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે. આ પ્રસ્તાવિત ટાઉનશિપમાં પવિત્ર નદીઓના નામ પરથી આઠ રહેણાંક ગામો બનાવવામાં આવશે. આ ઉપરાંત, અહીં વિશિષ્ટ સુવિધાયુક્ત હોસ્પિટલ, ડેવલપમેન્ટલ મેડિસિન, પેલિયેટિવ કેર, આધુનિક રિહેબિલિટેશન (પુનર્વસન) કેન્દ્ર, હાઈડ્રોથેરાપી, સમાવેશી શૈક્ષણિક વ્યવસ્થા અને વનતારાના સહયોગથી એનિમલ કમ્પેનિયનશિપ ફાર્મ વિકસાવવામાં આવશે. નિવાસીઓ માટે બેકરી, કાફે અને ક્રાફટ સ્ટુડિયો જેવા માધ્યમોથી વ્યવસાયિક તાલીમ અને રોજગારની તકો પણ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ શ્રમની ગરિમાનો અનુભવ કરી શકે. આ સંસ્થા આસપાસના ગ્રામીણ સમુદાય માટે પણ આશીર્વાદરૂપ બનશે, જેનાથી આ પ્રદેશના આશરે ૧,૦૦૦ લોકોને રોજગાર અને થેરાપીની તકો મળશે તેમજ હજારો અન્ય લોકોને મોબાઈલ મેડિકલ ક્લિનિક્સ અને સામુદાયિક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ પ્રાપ્ત થશે. ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એવા લોકો માટે આશા, સ્નેહ અને ગરિમાનું કેન્દ્ર બનશે જેઓ એકલા છે અથવા જેને આજીવન સંભાળની જરૂર છે.
દિવ્યાંગો માટેનું અદ્યતન સંકલિત સંભાળ કેન્દ્ર
દિવ્યાંગ બાળકો અને વિશેષ જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓ માટે કૌટુંબિક શૈલીના રહેણાંક ઘરોથી લઈને અદ્યતન હોસ્પિટલ, રિહેબિલિટેશન કેન્દ્ર અને વ્યવસાયિક તાલીમ જેવી તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક વ્યાપક સંકુલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને માત્ર સારવાર જ નહીં, પરંતુ સ્વાવલંબન, સન્માન અને ઉત્તમ જીવનધોરણ પૂરું પાડવાનો છે. આ સંકુલમાં કૌટુંબિક માહોલ પૂરું પાડતા ‘હાઉસ પેરેન્ટ્સ’ અને કેરટેકર્સ સાથેના રહેણાંક ઘરો વિકસાવવામાં આવ્યા છે. સાથે જ ડેવલપમેન્ટલ મેડિસિન, વાઇ/આંચકી કેર અને પેલિયેટિવ કેર જેવી સુવિધાઓ યુક્ત વિશિષ્ટ હોસ્પિટલ તથા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ અને હાઇડ્રોથેરાપી ધરાવતું આધુનિક રિહેબિલિટેશન કેન્દ્ર કાર્યરત રહેશે. આ ઉપરાંત, દિવ્યાંગોના કૌશલ્ય વર્ધન માટે બેકરી, કાફે અને ક્રાફ્ટ સ્ટુડિયો દ્વારા વ્યવસાયિક તાલીમ અને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ શ્રમની ગરિમાનો અનુભવ કરી શકે.



