દિવાળી પૂર્વે સોનીબજારમાં તેજીનો ચમકારો: પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે મોડી સાંજ સુધી ધરાકીનો ધમધમાટ, વેપારીઓમાં ઉત્સાહ
ચાંદી 2 લાખથી ઘટીને 1.80 લાખ અને સોનું 1.28 લાખે પહોંચ્યું: ખરીદદારોમાં તેજીનો માહોલ
- Advertisement -
દિવાળીના તહેવારોની શરૂઆત વચ્ચે રવિ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે રાજકોટની સોનીબજારમાં ખરીદીનો જોરદાર ધમધમાટ જોવા મળ્યો હતો. સવારથી શરૂ થયેલી ગ્રાહકોની અવરજવર મોડી સાંજ સુધી અવિરત ચાલુ રહી હતી. સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને શુભ મુહૂર્ત હોવાને કારણે શોરૂમો તેમજ નાની-મોટી દુકાનોમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભાવ ઘટતા ગ્રાહકોમાં ભારે ઉત્સાહ બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં તાજેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. થોડા દિવસો પહેલાં ચાંદીનો ભાવ આશરે રૂ. 2,00,000 સુધી પહોંચ્યો હતો, જે ઘટીને હાલ રૂ. 1,80,000 થી રૂ. 1,85,000 આસપાસ થયો છે. તેવી જ રીતે સોનું પણ તેના ઉચ્ચતમ સ્તરથી ઘટીને આશરે રૂ. 1,28,000 ના સ્તરે પહોંચ્યું છે. ભાવ ઘટવાને કારણે લોકોમાં રોકાણ અને ઘરેણાં ખરીદવા પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વેપારીઓમાં ખુશી, ગત વર્ષ કરતાં 30% વધુ વેચાણની આશા રાજકોટના સોની વેપારી રિતેશભાઈ સોનીના જણાવ્યા અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કોઈપણ મુહૂર્ત જોયા વિના આખો દિવસ ખરીદી થઈ શકતી હોવાથી ગ્રાહકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગ્રાહકીમાં આશરે 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે, જેથી સમગ્ર દિવાળી દરમિયાન ઉત્તમ વેપાર થવાની વેપારીઓને પાકી આશા છે. બીજી તરફ એસોસિએશનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, મોટા દાગીના ઉપરાંત નાની ચૂક, વીંટી, પેન્ડન્ટ, લગડી તથા ચાંદીના સિક્કા અને વાસણોની ખરીદીમાં ખાસ ઉછાળો રહ્યો છે.
સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત: ગ્રાહકો ખરીદી કરવા આવેલા ગ્રાહક ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ અને ભાવ ઘટાડાનો લાભ લેવા તેઓ પરિવાર સાથે દાગીના ખરીદવા આવ્યા છે. અન્ય ક્ષેત્રો કરતાં સોનામાં મૂડીરોકાણ હંમેશાં સુરક્ષિત ગણાય છે અને ભવિષ્યમાં સારું વળતર આપે છે.
- Advertisement -
પુષ્ય નક્ષત્રનું ધાર્મિક મહત્ત્વ ધાર્મિક માન્યતા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલી સોના-ચાંદી કે અન્ય કિંમતી વસ્તુઓની ખરીદીથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. લક્ષ્મીજીની કૃપા પ્રાપ્તિ અને ધંધા-રોજગારમાં બરકત રહે તે હેતુથી લોકો આ દિવસે સિક્કા અને શ્રીયંત્ર જેવી ચીજોની વિશેષ ખરીદી કરતા હોય છે. લાંબા સમય બાદ સોનીબજારમાં આવેલી આ ચમકથી વેપારીઓમાં ભારે ઉત્સાહ ફેલાયો છે.




