રેડબુલ એનર્જી ડ્રિંકમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખાંડ હોવાનું સામે આવ્યું
FSSAIએ કંપનીને સાત દિવસની અંદર આ પીણાને એનર્જી ડ્રિંક તરીકે ઓળખાવવાના આધાર અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી
- Advertisement -
નવી દિલ્હી: ભારતમાં લોકપ્રિય એનર્જી ડ્રિંક બ્રાન્ડ રેડબુલ (Red Bull) ફરી એકવાર વિવાદમાં આવી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI) દ્વારા રેડબુલના પીણાને ‘એનર્જી ડ્રિંક’ તરીકે વર્ગીકૃત કરવા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પીણામાં ઉમેરવામાં આવતી ખાંડનું પ્રમાણ વધુ હોવા છતાં તેને એનર્જી ડ્રિંક તરીકે રજૂ કરવામાં આવે છે, જેનાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને વધુ પડતા સેવનને પ્રોત્સાહન મળી શકે છે તેવી ચિંતા નિયમનકારી સંસ્થાએ વ્યક્ત કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, FSSAIએ કંપનીને સાત દિવસની અંદર આ પીણાને એનર્જી ડ્રિંક તરીકે ઓળખાવવાના આધાર અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે. જો કંપની સંતોષકારક ખુલાસો કરવામાં નિષ્ફળ રહેશે તો આ વર્ગીકરણ પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી થઈ શકે છે.
FSSAIએ રેડબુલના પોષક તત્ત્વોની રચનાને લઈને ખાસ ચિંતા વ્યક્ત કરી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, રેડબુલના દર 100 મિલીલીટર પીણામાં 11 ગ્રામ ખાંડ હોય છે. આ ગણતરી પ્રમાણે જો કોઈ વ્યક્તિ 500 મિલીલીટર રેડબુલ પીવે તો તેના શરીરમાં અંદાજે 55 ગ્રામ ખાંડ જાય છે. FSSAIના જણાવ્યા અનુસાર, ખાંડનું આ પ્રમાણ સામાન્ય રીતે ભલામણ કરવામાં આવતી દૈનિક 50 ગ્રામની મર્યાદા કરતાં પણ વધારે છે. આથી પીણાને એનર્જી ડ્રિંક તરીકે ઓળખાવવાના દાવા પાછળ કેટલો વૈજ્ઞાનિક આધાર છે તે અંગે નિયમનકારી સંસ્થાએ સવાલો ઉઠાવ્યા છે.
રેડબુલના પેકિંગ પર ગ્રાહકોને દિવસ દરમિયાન 500 મિલીલીટરથી વધુ પીણું ન પીવાની સલાહ આપવામાં આવે છે. જોકે, FSSAIનું માનવું છે કે આવી સલાહથી ગ્રાહકોમાં એવી ગેરસમજ ઊભી થઈ શકે છે કે દિવસમાં 500 મિલીલીટર પીણું પીવું સુરક્ષિત છે. હકીકતમાં આટલા પ્રમાણમાં પીણું પીવાથી 55 ગ્રામ ખાંડનું સેવન થાય છે, જે ભલામણ કરાયેલી દૈનિક મર્યાદા કરતાં વધારે છે. નિયમનકારી સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે પીણાને એનર્જી ડ્રિંક તરીકે રજૂ કરવા પાછળનો આધાર અને તેની પ્રકૃતિ વૈજ્ઞાનિક તથા નિયમનકારી ધોરણો દ્વારા સાબિત થવી જરૂરી છે.
- Advertisement -
જૂન મહિનાથી શરૂ થયો છે વિવાદ
રેડબુલ સામેની આ કાર્યવાહી જૂન મહિનાથી ચાલી રહેલા વિવાદનો નવો તબક્કો છે. અગાઉ FSSAIએ એનર્જી ડ્રિંક તરીકે ઓળખ આપવાના ઉપયોગ સામે પગલાં લીધાં હતાં. આ નિર્ણયને પગલે રેડબુલ ઉપરાંત પેપ્સિકો, મોન્સ્ટર બેવરેજ અને રિલાયન્સ કન્ઝ્યુમર જેવી કંપનીઓએ પણ નિયમનકારી સંસ્થાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપનીઓની દલીલ હતી કે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરતાં પહેલાં તેમને કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી નહોતી. આ મામલે રેડબુલને દિલ્હી હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી હતી, જેના આધારે કંપનીને તેના પીણાં પર ‘એનર્જી ડ્રિંક’ લેબલનો ઉપયોગ ચાલુ રાખવાની મંજૂરી મળી હતી. જોકે, અન્ય સ્પર્ધક કંપનીઓને તેમનો હાલનો સ્ટોક પૂરો થયા બાદ આ લેબલનો ઉપયોગ બંધ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
હવે કંપનીના જવાબ પર નજર
FSSAI દ્વારા સાત દિવસની સમયમર્યાદા આપવામાં આવ્યા બાદ હવે રેડબુલ કંપની શું સ્પષ્ટતા રજૂ કરે છે તેના પર સૌની નજર છે. કંપની વૈજ્ઞાનિક પુરાવા અને પોષક તત્ત્વોની વિગતોના આધારે પોતાનો પક્ષ રજૂ કરશે. જો નિયમનકારી સંસ્થા કંપનીના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો પીણાને ‘એનર્જી ડ્રિંક’ તરીકે ઓળખાવવાના વર્ગીકરણ સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.



