ગુવાર ન હોય તો આપણા વાહનોની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ ના હોય
જીવનના અનેક ક્ષેત્રોમાં પ્રાણ પૂરે છે ગુવાર
- Advertisement -
ડૉ.મનીષ આચાર્ય : નેચરોપેથ
શાકભાજીમાં ગુવાર વિશેષ લોકપ્રિય તો નથી પણ તેના આસમાને આંબતા ભાવ કેટલાક લોકોના મનમાં તેના વીશે ઉત્કંઠા પેદા કરે છે. આખરે એવું તો શું છે ગુવારમાં કે તેનો ભાવ બારે માસ ઊંચો રહે છે. સ્વાદની દૃષ્ટિએ તે એટલો લોકપ્રિય પણ નથી છતાં આવું કેમ? આનો જવાબ એ છે કે ગુવારના આસમાન છુતા ભાવનું કારણ છે તેમાંથી મળી આવતો “ગુવાર ગમ” આ ગુવાર ગમ એટલે ગુવારના બીજમાંથી મળી આવતું અત્યંત ચીકણું ઘટ્ટ અને રેશમી દ્રવ્ય!
તેની શોધની વાત એકદમ ફિલ્મી રોમાંચ જેવી છે.
ગુવારનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba છે.
તેના મૂળ ક્યાં છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ મળ્યો નથી, પરંતુ એવ માનવામાં આવે છે કે એ આફ્રિકી વનસ્પતિ Cyamopsis senegalensis માંથી ઉત્ક્રાંતિ પામ્યો છે. આફ્રિકાથી આરબ વેપારીઓ તેને પોતાના ઘોડાઓના ચારા તરીકે ભારત-પાકિસ્તાન સુધી લઈ આવ્યા હોવાની કેટલાક આધારભૂત દસ્તાવેજોમાં નોંધ છે. ભારતમાં તો સદીઓથી ગુવારનું શાક ખવાય છે, પશુઓને ખવડાવાય છે, અને જમીનને ફળદ્રુપ કરવા માટે પણ તે વાવવામાં આવે છે. આ”ગુવાર” શબ્દ જ હિન્દી ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે – “ગાયનું ખાણું”
આ સીધા સાદા, અમુક અંશે અળખામણા શાક અને શાક કરતા પણ વિશેષ તો પશુ આહાર જેવા ગુવારમાંથી ગુવાર ગમ મેળવાની વાતો પણ ઘણી રસપ્રદ છે.
- Advertisement -
આ વાતો બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી છે. એ વખતે દુનિયામાં કાપડ અને કાગળની ફેક્ટરીઓમાં Locust Bean Gum વપરાતો હતો. એ ગમ ભૂમધ્ય સમુદ્રના દેશોમાં થતા કેરોબના બીજમાંથી બનતો હતો,
પણ યુદ્ધ શરૂ થતાં જ એ દેશોનો માલ આવતો બંધ થઈ ગયો. અમેરિકા અને ઇંગ્લેન્ડની ફેક્ટરીઓ બંધ પડવાની તૈયારીમાં હતી. એમને એવા ગમની જરૂર હતી જે પોતાના દેશમાં જ ઊગે.
ત્યારે વૈજ્ઞાનિકોના ધ્યાનમાં ગુવાર આવ્યો. તેઓએ તેના બીજ પર પરિક્ષણો કર્યા. એ પ્રયોગો દરમિયાન સમજાયું કે ગુવારના બીજમાં એન્ડોસ્પર્મ નામનો જે સફેદ ભાગ છે તેમાં એક વિશિષ્ટ ગમ છે જે Locust Bean Gum કરતાં પણ 5 થી 8 ગણો વધુ ચીકણો છે. પાણીમાં નાખતાં જ તે જેલમાં પલટાઈ જાય છે.
1943માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ એરિઝોના માં તેના પર વ્યવસાયિક ધોરણે કામ શરૂ થયું.
ગુવારને અમેરિકા તો ભારતે જ 1903માં મોકલ્યો હતો, પણ એનો અસલી ઉપયોગનો અંદાઝ તો વિશ્વયુદ્ધના કારણે સમજાયો.
કેવી રીતે બને છે ગુવાર ગમ?
ગુવારના બીજમાં ત્રણ ભાગ હોય છે:
– છોતરું (14-17%)
– ગર્ભ / જર્મ (43-47%) – એમાંથી પશુઓનો ખોળ બને
– એન્ડોસ્પર્મ (35-42%) – આ જ અસલી ખજાનો છે
આ એન્ડોસ્પર્મને છૂટું પાડીને દળવામાં આવતા જે સફેદ પાવડર બને એ જ ગુવાર ગમ છે. આખા બીજના વજનમાંથી લગભગ 28% જ ગમ નીકળે છે.
ગુવાર ગમના ક્ષેત્રે ભારત કેવી રીતે રાજા બન્યું
ગુવારમાંથી આ ગુંદર જેવા દ્રવ્ય ગુવાર ગમની શોધ પછી શરૂઆતમાં તો તેનું ઉત્પાદન અમેરિકામાં જ થતું હતું, પરંતુ 1950-60માં અમેરિકાની બે મોટી કંપનીઓ General Mills અને Stein Hall એ આ ટેકનોલોજી ભારતને આપી.
અને ભારતમાં જોધપુર, રાજસ્થાનમાં પહેલી ગુવાર ગમ ફેક્ટરીઓ શરૂ થઈ. આજે તો દુનિયાના 80% ગુવાર ગમનું ઉત્પાદન એકલા ભારતમાં થાય છે. એમાં પણ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ જેવા રાજ્યો સૌથી આગળ છે.
ગુવાર ગમ ક્યાં ક્યાં વપરાય છે?
તેના ઉપયોગ વીશે સાચી વાત કહું તો આ ગમ વગર પૂરી દુનિયા થંભી જાય!
– આઈસક્રીમ, સોસ, દહીં – ઘાટું કરવા માટે
– તેલના કૂવામાં (Fracking) – પથ્થર તોડવા માટે પાણીને ઘાટું કરવા
– કાપડ, કાગળ, દવા, કોસ્મેટિક્સ
– બાળકોની સ્લાઈમ પણ આનાથી જ બને છે!
જે ગુવારને આપણે ફક્ત શાક સમજતા હતા, એ આજે “લીલું સોનું – Green Gold” કહેવાય છે!
આ જે ગુવાર ગમ છે તે ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે ખનિજ તેલ મેળવવાની પ્રક્રિયાનો એક મૂળભૂત આધાર છે. ગુવાર ગમ એટલે કે ગુવાર વગર મારા તમારા આપણા વાહનોની ફ્યુઅલ ટેન્કમાં ઇંધણ હોવું અસંભવ બની જાય.
ઓઈલ ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ તબક્કે થાય છે.
1. ફ્રેકિંગ (Fracking)
જમીનના ઊંડાણમાંથી તેલ-ગેસ કાઢવા માટે પાણીને ખૂબ પ્રેશરથી અંદર નાખવામા આવે છે, પણ પાણી પાતળું હોવાથી પાછું નીકળી જાય. એટલે તેમાં ગુવાર ગમ નાખવામા આવે છે. ગુવાર પાણીને ઘટ્ટ, ચીકણું બનાવી દે છે, જેથી તે રેતીને સાથે લઈ જઈને તિરાડો ખુલ્લી રાખે અને તેલ બહાર આવે.
2. ડ્રિલિંગ મડ (Drilling Mud)
ડ્રિલિંગ કરતી વખતે ડ્રિલ ગરમ થઈ જતી હોય છે અને આમ કચરો ભરાઈ જાય છે. ગુવાર ગમ વાળું પાણી એકદમ લુબ્રિકન્ટ જેવું કામ કરે છે, તે ડ્રિલને ઠંડી પાડે છે અને કચરો બહાર કાઢે છે.
3. પાણીને કાબૂમાં રાખવા
તેલના કુવામાં ક્યારેક પાણી વધારે આવી જાય. ગુવાર ગમ પાણીને જેલી જેવું બનાવી દે, એટલે પાણી આગળ ન વધે અને તેલ જ નીકળે.
એટલે જ એક શાક તરીકે ગુવાર ખરીદવા આપણે ઊંચા ભાવ ચૂકવવા પડે છે. અમેરિકા અને ગલ્ફની ઓઈલ કંપનીઓ ડાયરેક્ટ ભારતથી જ ગુવાર ગમની ખરીદી કરે છે.
ટૂંકમાં કહીએ તો ગુવાર વગર તેલ ન નીકળે!
ઓઈલ ઇન્ડસ્ટ્રી ઉપરાંત કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં પણ ગુવાર ગમ એક જાદુગર જેવું કામ કરે છે!
તેનું કામ છે બધું ઘટ્ટ, મુલાયમ અને એકસાથે બાંધી રાખવાનું. એટલે લગભગ દરેક ક્રીમ-શેમ્પૂમાં તે હોય જ.
તેના મુખ્ય ઉપયોગ જોઈએ તો, સહુ પ્રથમ એક કુદરતી કન્ડિશનર તરીકે તે શેમ્પૂ અને કન્ડિશનરમાં ગુવાર ગમ વાળને રેશમ જેવા મુલાયમ કરે છે. તે વાળને ગૂંચવાતા અટકાવે છે અને તેને ચમક આપે છે. આથી જ તેને Guar Hydroxypropyltrimonium Chloride કહેવામા આવે છે.
વળી તે ક્રીમ અને લોશનને ઘટ્ટ કરે છે.
ફેસ ક્રીમ, બોડી લોશન પાતળું ન થઈ જાય એટલે તેમાં ગુવાર ગમ નાખવામાં આવે છે. તેનાથી ક્રીમ ત્વચા પર સારી રીતે ફેલાઈ શકે છે અને લાંબો સમય ટકી રહે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ટુથપેસ્ટ અને માસ્કમાં પણ થાય છે.
ટુથપેસ્ટને બાંધી રાખવા અને ફેસ માસ્ક, હેર માસ્કને જેલી જેવું ઘટ્ટ બનાવવા માટે ગુવાર શ્રેષ્ઠ છે.
પર્સનલ કેર ક્ષેત્રે તેની સહુથી મોટી વિશેષતા એ છે કે તે 100% કુદરતી અને સલામત છે.
આ કેમિકલ નથી, વનસ્પતિમાંથી આવે છે. એટલે ત્વચાને નુકસાન ન કરે, એલર્જી ન થાય. એટલે જ અને ઓર્ગેનિક બ્રાન્ડવાળા તો ગુવાર ગમ ને જ પહેલા પસંદ કરે છે.
માટે જ સવારે આપણે જે શેમ્પૂ અને ક્રીમ લગાવી છીએ, એમાં ક્યાંક ને ક્યાંક આપણા ખેતરનો ગુવાર જ રાજા હોય છે!
વાળથી લઈને ગાલ સુધી, ગુવાર બધે કામનો!



