કાચા માલ અને ખર્ચમાં વધારો થતા સ્માર્ટફોન, ટીવી અને રોજબરોજની વસ્તુઓ મોંઘી થવાની તૈયારી
સામાન્ય માનવીના ખિસ્સા પર મોંઘવારીનો બેવડો માર પડી રહ્યો છે. એક વર્ષમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓના દામ વધ્યા છે અને ગ્રાહકોને અગાઉની તુલનામાં ઓછી વસ્તુ મળી રહી છે. એટલે કે પેકેટનું વજન ઘટયું છે અને સામે પૈસા પણ વધુ ખર્ચાઈ રહ્યા છે. અનેક કંપનીઓએ કિંમતોને એક જ સ્તર પર જાળવી રાખવા માટે ઉત્પાદનોના પેકેટનું વજન અને માત્રા બંને ઘટાડી દીધા છે. ગત એક વર્ષમાં કંપનીઓએ નાના પેકેટોમાં બે થી સાત ટકા વજન ઘટાડયું છે, જ્યારે એક કિલો કે તેથી મોટા પેકેટોની કિંમતમાં પાંચથી છ ટકાનો વધારો કર્યો છે. ઉદાહરણ તરીકે, અનેક કંપનીઓએ નૂડલ્સના પેકેટનું વજન ઘટાડી દીધું છે. સાત રૂપિયાવાળા પેકેટનું વજન ૩૫ ગ્રામથી ઘટાડીને ૩૨ ગ્રામ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૦ રૂપિયાવાળું પેકેટ પણ ઘટીને ૪૮ ગ્રામ થઈ ગયું છે. કંપનીઓનું કહેવું છે કે ખર્ચમાં મોંઘવારી આઠથી નૌ ટકા રહી છે, જેના કારણે મોટાભાગની કંપનીઓ વજનમાં ફેરફાર સહિત છ ટકા કિંમત વધારી ચૂકી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોંઘવારીથી પરેશાન લોકોને આવનારા દિવસોમાં હજુ એક મોટો ઝટકો લાગી શકે છે. સ્માર્ટફોન, ટીવી, ફ્રિજ અને રોજબરોજના ઉપયોગની વસ્તુઓ બનાવનારી કંપનીઓ કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે. કાચો માલ અને ખર્ચમાં સતત વધારાને કારણે કંપનીઓના નફા પર દબાણ વધ્યું છે, જેનો સામનો કરવા માટે કંપનીઓ પ્રોડટની કિંમત વધારી રહી છે અને વજન ઘટાડી રહી છે. બ્રિટાનીયાના સીઈઓ અનુસાર કંપનીએ છેલ્લી ત્રિમાસિકમાં કિંમતો ૩.૫ ટકા વધારી હતી અને આગળ પણ વધારવાની પૂરી તૈયારી છે. ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓનું કહેવું છે કે નવા વધારા બાદ આ વર્ષે સ્માર્ટફોનની કિંમતો ૪૦ ટકાથી વધુ, ટીવીની કિંમત ૨૦ ટકાથી વધુ અને ઘરેલુ ઉપકરણોની કિંમતો ૧૫ થી ૨૦ ટકા સુધી વધી શકે છે. આ ઉપરાંત સેમસંગ અને શાઓમીએ ગત સપ્તાહે સ્માર્ટફોન અને ટેબલેટની કિંમતોમાં ૧૮ ટકા સુધીનો વધારો કર્યો છે. શાઓમીએ સોમવારે ટીવીના ભાવમાં ૭ ટકાના વધારાની જાહેરાત કરી છે, જ્યારે હાયર અને ગોદરેજે તેમના બધા જ ઉત્પાદનોની કિંમતોમાં ૭ ટકાનો વધારો કરી દીધો છે.



