હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે ભાદરવી પૂનમે હિન્દુ-મુસ્લિમ એકતાનો મેળો યોજાયો
ઓખામંડળ, બારાડી અને બરડા પંથકના દાવપેચ જોવા હજારો કુસ્તીબાજોના દર્શકો ઉમટ્યા
- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમના પવિત્ર પર્વે સદીઓ જૂની મલ કુસ્તીની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે જીવંત જોવા મળી હતી. શિવરાજપુર સ્થિત હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે યોજાતા આ અનોખા મલ કુસ્તી મેળાનો ઈતિહાસ ૪૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું આયોજકો જણાવે છે. હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડ ભાઈચારાના પ્રતીક સમાન આ મેળામાં ઓખામંડળ, બારાડી તેમજ બરડા પંથકમાંથી ૩૦૦થી વધુ કુસ્તીબાજોએ અખાડામાં ઉતરી પોતાના શૌર્ય અને કૌશલ્યનું અદભુત પ્રદર્શન કર્યું હતું. રામાયણ કાળથી ચાલી આવતી મલ કુસ્તીના રોમાંચક દાવપેચ નિહાળવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દૂર-દૂરથી હજારો ખેલપ્રેમીઓ શિવરાજપુર ખાતે ઉમટી પડયા હતા. આધુનિક યુગમાં મોબાઇલ અને ઓનલાઈન ગેમ્સમાં વ્યસ્ત રહેતી યુવા પેઢી મેદાન સાથે જોડાય, શારીરિક કસરત કરે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તેવો પ્રેરણાદાયી સંદેશ આ આયોજન દ્વારા આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં યોજાતા આવા મેળાઓમાંથી રાજા-મહારાજાઓ બાહોશ યુવાનોની ક્ષમતા અને શૌર્ય પરખીને સૈન્યમાં પસંદગી કરતા હતા, જે ઐતિહાસિક વારસાને આજે પણ અહીં લોકોએ ધબકતો રાખ્યો છે.




