ડૉ. દેવજી સાંખટ (એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર
૩ લાખથી વધુના વ્યાપારી વિવાદો માટે વિશેષ અદાલતોઃ ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને મળ્યો વેગ
- Advertisement -
દાવો દાખલ કરતા પહેલાં ફરજિયાત ‘પ્રિ-ઈન્સ્ટિટ્યુશન મિડિએશન’ની જોગવાઈ
ભારતીય ન્યાયતંત્રમાં વર્ષોથી પડતર કેસોની સમસ્યાએ દેશના આર્થિક વિકાસ અને વિદેશી રોકાણ પર નકારાત્મક અસર કરી હતી. આજના વૈશ્વિકરણના યુગમાં, જ્યાં સમય એ કોર્પોરેટ જગતની સૌથી મોટી મૂડી છે, ત્યાં વ્યાપારી વિવાદો વર્ષો સુધી કોર્ટમાં ખેંચાય તે કોઈપણ વ્યવસાય માટે નુકસાનકારક છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’માં ભારતનું સ્થાન સુધારવાના હેતુથી સરકારે “ધ કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ, ૨૦૧૫” અમલમાં મૂક્યો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ કોર્પોરેટ અને વ્યાપારી વિવાદોનો નિશ્ચિત સમયમર્યાદામાં, ઝડપી અને અસરકારક નિકાલ કરવાનો છે. કલમ ૧ હેઠળ સમગ્ર ભારતમાં આ વિશેષ અદાલતોની સ્થાપના થઈ છે, જ્યારે કલમ ૨૧ મુજબ અન્ય કોઈ કાયદામાં વિરોધાભાસી જોગવાઈ હોય તો પણ આ કાયદાની જોગવાઈઓ જ સર્વોપરી ગણાય છે. આ કાયદાએ સિવિલ પ્રોસિજર કોડ (CPC)માં પણ વ્યાપક સુધારા કર્યા છે, જેથી બિનજરૂરી વિલંબ દૂર થાય અને વેપારીઓનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ મજબૂત બને.
વ્યાપારી વિવાદનો અર્થ : કોમર્શિયલ કોર્ટમાં કયા પ્રકારના દાવા દાખલ કરી શકાય તે સમજવું જરૂરી છે. કલમ ૨(૧)(સી)માં “કોમર્શિયલ ડિસ્પ્યુટ”ની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે, જે લગભગ ૨૨ પ્રકારના વ્યાપારી વ્યવહારોને આવરી લે છે. તેમાં મર્કેન્ટાઈલ દસ્તાવેજો, નિકાસ-આયાતના વ્યવહારો, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, જોઈન્ટ વેન્ચર, ભાગીદારી ખત, શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ, ફ્રેન્ચાઇઝી કરાર, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કરાર, બૌદ્ધિક સંપદા અધિકારો (ટ્રેડમાર્ક, કોપીરાઈટ, પેટન્ટ), વીમાના દાવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ સંબંધિત વિવાદોનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા આંતરરાષ્ટ્રીય વ્યાપારી કરારોને પણ આવરી લે છે, જેથી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં પોતાના હિતો સુરક્ષિત અનુભવે અને વિવાદ સમયે યોગ્ય કાનૂની મંચ પર રજૂઆત કરી શકે.
દાવાનું નિર્ધારિત મૂલ્ય : કોમર્શિયલ કોર્ટમાં દાવો દાખલ કરવા માટે દાવાની રકમ નક્કી કરવી ફરજિયાત છે. કલમ ૨(૧)(આઈ) અને કલમ ૧૨ હેઠળ મૂલ્યાંકનની પ્રક્રિયા સમજાવાઈ છે. ૨૦૧૫માં ન્યૂનતમ રકમ રૂ. ૧ કરોડ હતી, પરંતુ MSMEsને પણ લાભ મળે તે હેતુથી ૨૦૧૮ના સુધારા દ્વારા “સ્પેસિફાઈડ વેલ્યુ” ઘટાડીને રૂ. ૩ લાખ કરવામાં આવી. કલમ ૧૨ મુજબ નાણાં વસૂલાતના દાવામાં દાખલ કરવાની તારીખ સુધીનું વ્યાજ ઉમેરીને મૂલ્ય નક્કી થાય છે; જંગમ કે સ્થાવર મિલકતના કિસ્સામાં બજાર કિંમત ગણાય છે; જ્યારે બૌદ્ધિક સંપદાના વિવાદોમાં વાદીએ અંદાજિત મૂલ્ય દર્શાવવાનું હોય છે. આ જોગવાઈથી નાના વેપારીઓથી લઈને મોટી કંપનીઓ સુધી, રૂ. ૩ લાખથી વધુના વિવાદ ધરાવતા તમામ એકમો સામાન્ય સિવિલ કોર્ટની ધીમી પ્રક્રિયાને બદલે કોમર્શિયલ કોર્ટની ઝડપી ન્યાયપ્રણાલીનો લાભ લઈ શકે છે.
કોમર્શિયલ અદાલતો : કલમ ૩ થી ૫ હેઠળ કોમર્શિયલ અદાલતોનું માળખું ઊભું કરાયું છે. રાજ્ય સરકાર સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી જિલ્લા સ્તરે આ અદાલતો સ્થાપે છે. તેમાં વ્યાપારી કાયદા અને કોર્પોરેટ વિવાદોનો ઊંડો અનુભવ ધરાવતા ન્યાયાધીશોની જ નિમણૂક થાય છે. કલમ ૫ હેઠળ હાઈકોર્ટમાં ‘કોમર્શિયલ એપેલેટ ડિવિઝન’ની રચના થાય છે, જેથી અપીલની સુનાવણી પણ વિશેષ બેન્ચ કરે. ન્યાયાધીશોની નિપુણતાને કારણે કોર્પોરેટ કાયદા, એકાઉન્ટિંગ સિદ્ધાંતો અને કરારોના અર્થઘટનમાં સમય બચે છે અને ગુણવત્તાસભર ચુકાદા ઝડપથી મળે છે.
પ્રિ-ઇન્સ્ટિટ્યુશન મિડિએશન : ૨૦૧૮ના સુધારાથી ઉમેરાયેલી કલમ ૧૨-એ આ કાયદાની સૌથી ક્રાંતિકારી જોગવાઈ છે. તે મુજબ દાવો દાખલ કરતા પહેલાં ફરજિયાત મધ્યસ્થી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જે સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા માન્ય સંસ્થાઓ હાથ ધરે છે. આ માટે ૩ મહિનાની સમયમર્યાદા છે, જેને પક્ષકારોની સંમતિથી વધુમાં વધુ ૨ મહિના લંબાવી શકાય. સમાધાન થાય તો તેને ‘આર્બિટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટ, ૧૯૯૬’ હેઠળ આર્બિટ્રલ એવોર્ડ સમાન દરજ્જો મળે છે. તેનાથી અનેક વિવાદો કોર્ટ સુધી પહોંચતા પહેલાં જ ઉકેલાય છે, વ્યાપારી સંબંધો જળવાય છે, કાનૂની ખર્ચ બચે છે અને કોર્ટ પરનું ભારણ ઘટે છે. સુપ્રીમ કોર્ટે પણ તાજેતરના ચુકાદાઓમાં કલમ ૧૨-એનું પાલન ફરજિયાત ઠરાવ્યું છે.
લેખિત જવાબ : કલમ ૧૬ દ્વારા CPCના ઓર્ડર ૮ રૂલ ૧માં ધરમૂળથી ફેરફાર કરાયો છે. સામાન્ય દીવાની કેસોમાં સમય લંબાવી આપવાની ઉદારતાને કારણે કેસો વર્ષો ચાલતા હતા. કોમર્શિયલ કોર્ટમાં સમન્સ મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં લેખિત જવાબ આપવો ફરજિયાત છે. યોગ્ય કારણસર કોર્ટ વધુમાં વધુ ૯૦ દિવસનો વધારાનો સમય આપી શકે છે, એટલે કુલ મહત્તમ મર્યાદા ૧૨૦ દિવસની છે.
સ્ટેટમેન્ટ ઓફ ટ્રુથ : ખોટા કે ભ્રામક દાવા રોકવા માટે કલમ ૧૬ દ્વારા CPCમાં ઓર્ડર ૬ રૂલ ૧૫-એ ઉમેરાયો છે. તે મુજબ દરેક પ્લીડિંગ (દાવો, લેખિત જવાબ, વળતો દાવો વગેરે) સાથે પક્ષકાર કે તેના અધિકૃત કોર્પોરેટ અધિકારીએ નિયત નમૂનામાં સોગંદનામું (Statement of Truth) રજૂ કરવું પડે છે, જેમાં જણાવવાનું હોય છે કે તમામ હકીકતો સાચી છે અને દસ્તાવેજો પ્રમાણિક છે. આવું ન કરાય તો કોર્ટ દાવો કે જવાબ ફગાવી શકે છે. પરિણામે કંપનીઓ અને ડિરેક્ટર્સ બેદરકારીભરી કે જૂઠી રજૂઆત કરતા અચકાય છે અને ટ્રાયલની ગુણવત્તા સુધરે છે.
દસ્તાવેજોની પારદર્શક રજૂઆત : વ્યાપારી વિવાદો મુખ્યત્વે દસ્તાવેજી પુરાવા પર આધારિત હોવાથી CPCનો ઓર્ડર ૧૧ કોમર્શિયલ કેસો માટે નવેસરથી સ્થાપિત કરાયો છે. વાદી અને પ્રતિવાદીએ પોતાની પાસેના તમામ દસ્તાવેજો, પોતાની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં, પહેલી જ તકે જાહેર કરવા પડે છે. આથી અંતિમ ક્ષણે નવા દસ્તાવેજ રજૂ કરીને કેસ લંબાવવાની ‘સરપ્રાઈઝ લિટિગેશન’ની પ્રથા બંધ થઈ છે; શરૂઆતમાં રજૂ ન થયેલ દસ્તાવેજ કોર્ટની પરવાનગી વિના પાછળથી પુરાવા તરીકે સ્વીકારાતો નથી. ઈમેલ, ડિજિટલ કરાર અને વોટ્સએપ ચેટ જેવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ ૬૫બીના સર્ટિફિકેટની આવશ્યકતા પણ સમાવાઈ છે, જેથી ચકાસણી ઝડપી અને પારદર્શક બને છે.
સમરી જજમેન્ટ : કલમ ૧૬ દ્વારા ઉમેરાયેલા ઓર્ડર ૧૩-એ હેઠળ, જો કોઈ પક્ષ સાબિત કરે કે સામા પક્ષને કેસ જીતવાની “વાસ્તવિક સંભાવના” નથી અને મૌખિક પુરાવાની જરૂર નથી, તો કોર્ટ પૂરી ટ્રાયલ વિના અંતિમ ચુકાદો આપી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપનીએ માલ ખરીદ્યા પછી ઈમેલમાં ચૂકવણીની લેખિત ખાતરી આપી હોય છતાં પેમેન્ટ ન કરે, તો વાદી સીધી સમરી જજમેન્ટ માટે અરજી કરી શકે છે. આથી સાક્ષીઓની લાંબી ઊલટતપાસથી મુક્તિ મળે છે અને ફસાયેલા નાણાં ઝડપથી પાછા મેળવી શકાય છે.
પુરાવા નોંધવાની આધુનિક પદ્ધતિ : CPCના ઓર્ડર ૧૮માં કરાયેલા સુધારા મુજબ કેસ મેનેજમેન્ટ હિયરિંગમાં સાક્ષીઓની તપાસનો સમય નક્કી થયા પછી, તે સમયમર્યાદામાં જ એફિડેવિટ દ્વારા મુખ્ય પુરાવો રજૂ કરવાનો હોય છે. કલમ ૧૯ હેઠળ કોર્ટને મળેલી સત્તા મુજબ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરાવા નોંધવાને પ્રોત્સાહન અપાય છે, જેથી વિદેશમાં રહેતા ડિરેક્ટર્સ કે ઉચ્ચ અધિકારીઓનો સમય બચે. સાક્ષીઓની ઊલટતપાસ લોકલ કમિશનરની રૂબરૂમાં નોંધવાની સત્તાનો પણ ઉપયોગ થાય છે, અને પુરાવાની પ્રક્રિયા રોજબરોજ સતત ચલાવવાની કડક સૂચના છે. આ ડિજિટલ અને સુવ્યવસ્થિત પદ્ધતિ કોર્પોરેટ અધિકારીઓ માટે અનુકૂળ છે અને કેસને મહિનાઓ કે વર્ષો સુધી લંબાતો અટકાવે છે.
કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.



