વોર્ડ નં. 2ના વ્હોટ્સઍપ્પ ગ્રુપમાં જૂના કાર્યકરોએ વ્યક્ત કરેલી નારાજગીની ચેટ વાયરલ.
કામ ગ્રુપમાં એક સિનિયર કાર્યકર લખે છેઃ ‘હું આમાં સહમત છું. 30 વર્ષથી પાર્ટીમાં કરું છું, મેં પણ શિક્ષણ સમિતિમાં ફોર્મ ભર્યું હતું છતાં મારી અવગણના કરાઈ છે.’ અન્ય એક કાર્યકરે કહ્યું કે, “પાર્ટીમાં 25 વર્ષથી કામ કરું છું પણ કિંમત ન કરી’
- Advertisement -
શિક્ષણ સમિતિમાં પસંદ કરાયેલા નામોને લઈને વર્ષોથી પક્ષ માટે લોહી-પાણી એક કરનારા પાયાના કાર્યકરોએ ખુલ્લેઆમ પોતાનો આક્રોશ ઠાલવ્યો
કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નં. 2ના સંગઠનને સાવ કોરાણે મૂકી દેવામાં આવ્યું છે અને શિક્ષણ સમિતિમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યોના નામ જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ગઈકાલે કોંગ્રેસમાં આંતરિક વિરોધ સામે આવ્યો હતો, જ્યાં વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવારે પક્ષના ઉમેદવાર હાજીભાઈ ઓડિયા સામે વાંધો ઉઠાવતા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં હવે શાસક પક્ષ ભાજપમાં પણ મોટો ભડકો સામે આવ્યો છે. શહેર ભાજપના ‘વોર્ડ નંબર ૨ (જનરલ)’ નામના વ્હોટ્સએપ ગ્રૂપની અંદર થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.
વાયરલ ચેટમાં પાયાના કાર્યકરો ખુલ્લેઆમ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળે છે. જેમાં ૨૫થી ૩૦ વર્ષથી પક્ષ માટે સમર્પિત જૂના કાર્યકર્તાઓએ પોતાની અવગણના થઈ રહી હોવાની ગંભીર લાગણી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ગ્રૂપમાં “જો આપણે જે પાર્ટીમાં હોઈએ તેમાં આપણને અન્યાય થતો હોય તો પાર્ટી બદલવાનું પણ વિચારી શકાય” તેવા મેસેજ પણ ફરતા થયા છે, જ્યારે અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને સીધા હોદ્દા અપાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. શિક્ષણ સમિતિની સદસ્ય નિમણૂક હવે ભારે વિવાદિત બની ચૂકી છે, ત્યારે કોંગ્રેસની જેમ શું શહેર ભાજપ પણ આવા બાગી અને નારાજ કાર્યકરો સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરશે કે પછી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરશે તે જોવું રહ્યું. ”




