કોવિડ રસીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે – મનસુખભાઈ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રામાં માહિતી આપી હતી કે દેશમાં કોવિડ રસીકરણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને અમને આશા છે કે આગામી કેટલાક મહિનાઓમાં અમે સંપૂર્ણ રસીકરણનું લક્ષ્ય હાંસલ કરીશું. માંડવિયાએ એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં દેશમાં કોવિડ રસીનું ઉત્પાદન અને સંખ્યા બંને વધશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ના સાંજે ૫ વાગ્યા સુધી, દેશભરમાં ૫૬.૩૬ કરોડ લોકોને કોવિડ સામે રસી આપવામાં આવી છે અને ખૂબ જ જલદી અમે ૬૦ કરોડ રસીઓના આંકડાને સ્પર્શવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશભરમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા અને રસીકરણની ગતિને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે.
- Advertisement -
માંડવિયાએ કહ્યું કે ૧૬ ઓગસ્ટના રોજ દેશભરમાં 88 લાખથી વધુ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતા. આ પોતે એક વર્લ્ડ રેકોર્ડ છે. કોઈ પણ દેશે એક દિવસમાં આટલી બધી રસીના ડોઝ લગાવ્યા નથી. એ જ રીતે, ૨૧ જૂને, એક નવો રેકોર્ડ સ્થાપિત થયો જ્યારે તે દિવસે ૮૧ લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા. COVID-19 રસીઓની સાર્વત્રિક ઉપલબ્ધતાનો નવો રાઉન્ડ ૨૧ જૂન, ૨૦૨૧ થી શરૂ કરવામાં આવ્યો છે. આ દિવસથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રસી દેશના લોકો માટે સંપૂર્ણપણે મફત આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનની પહેલ પર જ ‘બધા માટે રસી, મફત રસી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશમાં રસીકરણની ગતિ વધી છે.
માંડવિયાએ કહ્યું કે જ્યારે ભારતમાં કોવિડ રોગચાળાની પ્રથમ લહેર આવી ત્યારે તે સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી બનાવવાની પહેલ શરૂ કરી. તેમના આહ્વાન પર ભારત કોવિસિનના સ્વરૂપે સ્વદેશી કોવિડ રસી વિકસાવવામાં સફળ થયું. વડાપ્રધાને જાતે રસી બનાવતી કંપનીઓની મુલાકાત લીધી અને તમામ હિતધારકો સાથે વાતચીત કરીને એ સુનિશ્ચિત કર્યું કે દેશમાં માત્ર રસી યોગ્ય રીતે ઉત્પન્ન થતી નથી પણ સારી રીતે વિતરિત થાય છે અને લોકોને યોગ્ય રીતે ડોઝ પણ મળે છે. તેમણે કહ્યું કે એપ્રિલ ૨૦૨૦ માં જ વૈજ્ઞાનિકોએ રસી પર કામ શરૂ કર્યું. સરકારે રસી ઉત્પાદકોને મદદ કરી. તેમણે કહ્યું કે વિશ્વની રસી મોંઘી છે, આપણી સસ્તી છે.
માંડવિયાએ માહિતી આપી કે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે વધુને વધુ રસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને દેશમાં રસીનું ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દેશમાં રસીનું ઉત્પાદન વધારવા માટે મોદી સરકાર સંબંધિત કંપનીઓ સાથે સતત વાત કરી રહી છે અને તેમને દરેક સંભવિત રીતે મદદ કરી રહી છે. તેમણે એ પણ જણાવ્યુ કે કયા દિવસે, કયા રાજ્યમાં કેટલા રસી ડોઝ પુરા પાડવામાં આવશે, તેની માહિતી રાજ્યોને અગાઉથી આપવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે તેઓ જિલ્લા કક્ષાએ તેમની વ્યૂહરચના બનાવી શકે અને વધુ સારા આયોજન સાથે રસીકરણ કરાવી શકે. ૧૮ ઓગસ્ટ સુધી સ્થિતિ એ હતી કે ૯૪ લાખ રસી ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ હતા.
- Advertisement -
મંત્રી માંડવિયાએ કોવિડના પ્રોટોકોલને અનુસરીને ગુજરાતના લોકોએ કરેલા ભવ્ય સ્વાગત માટે દરેકનો આભાર માન્યો અને મંત્રીએ સુંદર કાર્યક્રમોના આયોજન માટે તમામ ભાજપના કાર્યકરોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો.


