સંતાનોની દીર્ઘાયુ અને સુખાકારી માટે મહિલાઓએ કુલેર-નારિયેળ અર્પણ કરી માતાજીની પૂજા-અર્ચના કરી
રાજકોટ શહેરના સામાકાંઠે બેડીપરા વિસ્તારમાં આવેલું આશરે 150 વર્ષ જૂનું સ્વયંભૂ શીતળા માતાજીનું મંદિર શીતળા સાતમના પવિત્ર પર્વે ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું. વહેલી સવારથી જ મંદિર ખાતે મોટી
સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શીતળા સાતમના પર્વને લઈને ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મહિલાઓ અને બાળકો
સહિતના ભાવિકો શીતળા માતાજીના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. બહેનોએ પોતાના સંતાનોની દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય
અને સુખાકારી માટે શીતળા માતાજીને કુલેર તથા નારિયેળ અર્પણ કર્યા હતા. અનેક મહિલાઓએ માતાજી સમક્ષ માનતા રાખી હતી અને માનતા પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી. મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક
વિધિઓ કરવામાં આવી હતી.




