વિટામિન બી કોમ્પ્લેક્સ નામની દવા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓમાં રોષ
સરકારી હોસ્પિટલમાં દવાનો જથ્થો પૂરતો રાખવામાં આવે તેવી દર્દીઓમાં માંગ
- Advertisement -
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી રોજ હજારો દર્દીઓ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવે છે. જેમાં બુધવારે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સારવાર માટે આવેલા દર્દીઓને દવાના સ્ટોકના અભાવે
મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલમાં દર બુધવારે ઓર્થોપેડિક વિભાગમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. આજે બુધવારે પણ 300થી વધુ દર્દીઓ ઓર્થોપેડિક વિભાગમાં તપાસ અને સારવાર માટે પહોંચ્યા
હતા. દર્દીઓની તપાસ કર્યા બાદ તબીબો દ્વારા જરૂરી દવાઓ લખી આપવામાં આવી હતી. પરંતુ તેમાંની વિટામિન બી કોમ્પ્લેક્સ નામની દવા સિવિલ હોસ્પિટલના દવા વિભાગમાં ઉપલબ્ધ ન હોવાનું સામે આવતા દર્દીઓને
બહારના મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદવાની ફરજ પડી હતી. સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાનો સ્ટોક ઉપલબ્ધ ન હોય અને દર્દીઓને બહારથી દવા ખરીદવી પડે તો તેમના ઉપર વધારાનો આર્થિક બોજ આવે છે. બુધવારે
પણ વિટામિન બી કોમ્પ્લેક્સ દવા ન મળતા દર્દીઓએ બહારના મેડિકલ સ્ટોરનો સહારો લેવો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
દર્દીઓએ આક્ષેપ કર્યો હતો કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ જો સામાન્ય દવાઓ પણ બહારથી ખરીદવી પડે તો દર્દીઓ માટે સારવારનો ખર્ચ વધી જાય છે. હોસ્પિટલમાં આવતી મોટી સંખ્યામાં દર્દીઓને
ધ્યાનમાં રાખીને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે અને દવાનો સ્ટોક ખૂટે નહીં તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દવાનો સ્ટોક ઉપલબ્ધ ન રહેવા
પાછળનું કારણ શું છે અને ફરીથી દવાનો જથ્થો ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી પણ દર્દીઓમાં અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.




