પોરબંદર આઈ.ટી.આઈનું વિસ્તરણ થશે: કેન્દ્રીય મંત્રીએ 3.72 કરોડના આઈ.ટી.આઈના કામનું ખાતમુહૂર્ત કર્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્ય સરકાર દ્વારા ઉજવાય રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત આજે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ રોજગાર તથા ખેલ મંત્રાલય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે રું.20.38 કરોડના 200 કામોનું ઇ લોકાર્પણ- ખાતમુર્હૂત કરવામા આવ્યુ હતુ. રૂ.20 કરોડના કામોમાં 3.72 કરોડના ખર્ચે પોરબંદર આઇ ટી આઇનું વિસ્તરણનું ખાત મુહુર્ત, રાણા કંડોરણામાં આરોગ્ય કેન્દ્રના મકાનનું અને રાણાવાવમાં પીજીવીસીએલ સબ કચેરીનું લોકાર્પણ સહિત 15 કરોડના કામોનું ઇ લોકાર્પણ અને 5 કરોડના કામોનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આમ 20.38 કરોડના કામોની પોરબંદરને ભેટ મળી હતી.
- Advertisement -
નરેન્દ્રભાઈ મોદી 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં વિકાસ સપ્તાહની 7 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી ઊજવણી થઈ રહી છે. આ પ્રસંગે પોરબંદર ખાતે વિકાસ સપ્તાહના જિલ્લા કક્ષાનાં કાર્યક્ર્મમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા એ સગૌરવ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સામાજીક ન્યાય સાથે વિકાસની રાજનીતિ શરુ કરી છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા 23 વર્ષ પહેલા શરુ થઇ હતી. પોરબંદરના તાજાવાલા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું ઘણા વર્ષો પછી લગભગ પ્રથમ વખત આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી તરીકે મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને તેના ફળ છેવાડાના ગામો સુધી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.



