પરિવારના સભ્યોને જાણ કરવાની ધમકી આપી પૈસા પડાવતા : વિરોધ કરે તો કેસ કરી જેલમાં ધકેલવાની ધમકી દેતા
એક જ ગામમાં, એક જ મોડ્સ ઓપરેન્ડીથી પાંચ મહિનાથી ચાલતું હતું કૌભાંડ : 5 લાખના મુદામાલ સાથે 10 પકડાયા, 5 ફરાર
- Advertisement -
રાજકોટ જિલ્લાના ભાયાવદર ખાતેથી સેક્સ સ્ટેમિના વધારવાની દવા વેચવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા ત્રણ ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત આપી લોકોનો સંપર્ક કરી સેક્સ સ્ટેમિના વધારવાની દવા આપવાના બહાને પૈસા પડાવતી ત્રણ ટોળકીનો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો ફરિયાદ નોંધાવી આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી નાણાં પડાવતા હોય ભાયાવદર પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી 5.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર, ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા ગેરકાયદે પ્રવૃતિઓ ડામી દેવા આપેલી સૂચના અન્વયે ભાયાવદર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ડી એચ રાખોલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને હકીકત મળી હતી કે, અલગ અલગ ત્રણ સ્થળે સેક્સ્યુઅલ પાવર વધારવાની દવાનું ઓનલાઈન વેચાણ કરતા ત્રણ ગેરકાયદે કોલ સેન્ટર ધમધમી રહ્યા છે જેથી તાત્કાલિક પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરીમાં દરોડા પાડી ખોડીદાસ હીરા માકડીયા, કૌશિક અશોક વાળા, મીત હરસુખ બેડવા, ચેતન હેમંત રાઠોડ, અહેમદરજા અશરફ મુલતાની, રાજેશ નાથા પરમાર, મનવીર રાણા ખાંભલા, અહેમદરજા ઉર્ફે બાપુ અનવર કાદરી, નાસીર દોસમામદ લાખા અને જીલ દિનેશ ખાણીયાની ધરપકડ કરી 18 લેપટોપ, 33 કીબોર્ડ અને માઉસ, 23 મોબાઈલ, ત્રણ બ્રોડબેન્ડ મળી કુલ 5,16,700નો મુદ્દામાલ કબજે કર્યો હે જ્યારે હાર્દિક ભરત ખાંભલા, જયદીપ સુરેશ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત ઉર્ફે નીલ સુભાષ ભટ્ટ અને રાહુલની શોધખોળ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં ખોડીદાસ માકડીયા નામનો શખ્સ કોઈપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વિના કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ સાથે ઉમિયાનગરમાં આવેલ મકાને ઓફિસ ખોલી તેમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ તથા ઇન્ટરનેટના સાધનો પુરા પાડી સેક્સ સ્ટેમીના વધારવા માટેની તથા બી-12 ની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવા માટે ડોક્ટરની ખોટી ઓળખ આપી વેબસાઈટ મારફતે અલગ અલગ લોકોને પોર્ન સાહિત્ય મોકલી પોતાની પ્રોડક્ટ ખરીદવા ઉત્તેજિત કરતા હતા બાદ ભોગ બનનારના પરિવારના સભ્યોને સમગ્ર બાબતે જાણ કરી દેવાની ધમકી આપી પ્રોડક્ટ આપ્યા વિના પૈસા પડાવી લેતા હતા. તેમજ ફરિયાદ નોંધાવી આજીવન જેલમાં ધકેલી દેશું તેવી ધમકીઓ આપતા હતા.
અહેમદરજા મુલતાનીએ રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદ રજા ઉર્ફે બાપુ કાદરી, નાસીર લાખા અને જીલ ખાણીયા સાથે મળી સિનેમા રોડ પર ઓફિસ શરૂ કરી તેમાં કોમ્પ્યુટરથી માંડી ઇન્ટરનેટના સાધનો પુરા પાડી અલગ અલગ લોકોને સેક્સ સ્ટેમીના વધારવા માટેની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવા અર્થે ખોટા તબીબની ઓળખ આપી સેક્સ સ્ટેમીના વધારવા માટેની દવાઓના નામે છેતરપિંડી આચરતા હતા જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો વોટ્સઅપ મારફતે ધમકીઓ આપી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેતા હતા. જ્યારે હાર્દિક ખાંભલાએ પોતાના ફાયદા અર્થે જયદીપ ગોહિલ, રાહુલ તથા ફૈઝલ, નિશાંત ઉર્ફે નીલ ભટ્ટ સાથે મળી અલગ અલગ લોકોને સેક્સ સ્ટેમીના વધારવા માટેની ન્યુરોશક્તિ પ્લસ આયુર્વેદિક પ્રોડક્ટ વેચવાના બહાને છેતરપિંડી આચરતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું ઝડપાયેલા શખ્સો છેલ્લા પાંચ મહિનાથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. હાલ સુધીમાં હજારો લોકો સાથે આ પ્રમાણે છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય કોલ સેન્ટર ચલાવતી ટોળકીની મોડસ ઓપરેન્ડી એક સરખી હોવાનું સામે આવ્યું છે. ટોળકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત આપી લોકોને ફસાવતી હતી. એકવાર કોઈ વ્યક્તિ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરે ત્યારબાદ આરોપીઓ તે વ્યક્તિનો સંપર્ક કરી યેનકેન પ્રકારે છેતરપિંડી આચરતી હતી. જો ભોગ બનનાર વિરોધ કરે તો તેને અલગ અલગ પ્રકારની ધમકીઓ આપી બળજબરીપૂર્વક પૈસા પડાવતી હતી.




