આપના બે સ્થાનિક અને દિલ્હીના આગેવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા: 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
- Advertisement -
મોરબી-હળવદ હાઈવે રોડ પર શિરોઈ ગામ નજીક એક કારમાંથી આમ આદમી પાર્ટીના બે સ્થાનિક અને દિલ્હીના આગેવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે કારમાંથી દારૂની બે બોટલ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં બંને આગેવાનો સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન હળવદ પોલીસની ટીમ મોરબી-હળવદ હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે શિરોઈ ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીના પુલ પાસે એક કારમાં દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા (રહે. રુદ્ર પાર્ક-1, હળવદ, આમ આદમી પાર્ટીના ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના પ્રભારી) અને વિકાસકુમાર વિજયકુમાર (રહે. દિલ્હી, દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર આમ આદમી પાર્ટીના પ્રભારી) બંનેને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેમની ગાડીમાંથી 2000 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો, 20,000 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને 3 લાખ રૂપિયાની કિંમતની કાર નંબર ૠઉં 13 અઇં 2321 મળીને કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આગેવાનોને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



