છેલ્લા 5 દિવસથી ચાલતા માનવ ઉત્કર્ષ મહોત્સવનું સમાપન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા છેલ્લા 5 દિવસથી ચાલતા માનવ ઉત્કર્ષ મહોત્સવ ના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત તમામ શ્રોતાજનોને ‘માનવીને સાચી મોજનો રાજમાર્ગ’ દર્શાવ્યો હતો. આ પ્રસંગે ઇઅઙજ સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત અને સારંગપુર સંત તાલીમ કેન્દ્રના મુખ્ય સંચાલક સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામીની પાવન ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન, પ્રાર્થના, વૈદિક પારાયણ, પૂજન વિધિ અને આરતી સાથે થયો હતો.
આજે મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ મોજમાં રહે તે માનવ વિષય પર હૃદયસ્પર્શી અને ચિંતનપ્રેરક પ્રવચન આપ્યું. પ્રવચનમાં તેઓએ સમજાવ્યું કે આજના ભૌતિકવાદી યુગમાં માણસે મોજનો અર્થ ખોટી રીતે વૈભવ, દેખાવ, સુખ-સગવડો અને સામાજિક સરખામણી સાથે જોડી દીધો છે, જ્યારે સાચી મોજ આંતરિક શાંતિ, મનનો સંતોષ, સ્નેહસભર સંબંધો, કૃતજ્ઞતા અને પરમાત્માના સ્મરણમાં વસે છે. તેઓએ પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે પૈસા, પ્રસિદ્ધિ અને ભૌતિક સુખ હોવા છતાં મનુષ્યને શાંતિ મળે જ એવું જરૂરી નથી. બીજી તરફ, સાદગી, સેવાભાવ, આધ્યાત્મિકતા અને સ્વીકાર સાથે જીવતા લોકો પરિસ્થિતિઓ વચ્ચે પણ સાચું સુખ અનુભવી શકે છે. તેમણે ખાસ ભાર મુક્યો કે તુલના, ઈર્ષ્યા, ઓવરથિંકિંગ, સોશિયલ મીડિયાની ચકાચૌંધ અને અતિશય અપેક્ષાઓ માનવીની મોજ છીનવી લે છે.
પ્રવચન દરમિયાન તેમણે જીવનમાં નાની ખુશીઓનું મહત્વ, સંબંધોમાં સ્નેહ અને સમયનું મૂલ્ય, કૃતજ્ઞતા રાખવાની ભાવના, તથા સંજોગો ગમે તેવા હોય છતાં મનને મજબૂત અને પ્રસન્ન રાખવાની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાચી મોજ કોઈ મોંઘા સાધનોમાં નહીં, પરંતુ જે મળ્યું છે તેમાં રાજી રહેવામાં અને ભગવાનના ભજન-સ્મરણ સાથે જીવવામાં સમાયેલી છે. પારાયણના અંતે સ્વામીએ સૌને સંદેશ આપ્યો કે, જીવનમાં સરખામણી છોડીને સ્વીકાર અપનાવો, ચિંતાને બદલે પ્રાર્થના અને ફરિયાદને બદલે આભારની ભાવના વિકસાવો, પરિવાર સાથેનો સમય સાચવો અને પરમાત્મા પ્રત્યે વિશ્વાસ રાખો. તેમણે જણાવ્યું કે, જે મનુષ્ય સંતોષ, સદ્વિચાર, પ્રેમ અને પ્રસન્નતાથી જીવે છે, તે જ સાચા અર્થમાં મોજમાં રહી શકે છે.
આજે તા. 17 એપ્રિલ, શુક્રવારે સાંજે 6 થી 9 દરમિયાન ‘લક્ષ્મણ રેખા’ થીમ હેઠળ મહિલા પાંખ દ્વારા વિશાળ મહિલા સંમેલન ઉજવાશે.
રાજકોટના ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’માં નારીશક્તિનો જયઘોષ: 4 વર્ષની બાળાથી લઈને 80 વર્ષના માજી સેવામાં વ્યસ્ત
250 બહેનો રસોડે અને 100 પૂજન વિભાગમાં સક્રિય: અભ્યાસની સાથે દીકરીઓએ ભક્તિ અને સેવાના સંસ્કાર દીપાવ્યા
- Advertisement -
રેસકોર્સના મેદાનમાં ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ આજે તેની ભવ્યતા અને વ્યવસ્થાને કારણે ચર્ચામાં છે, પરંતુ આ ભવ્યતા પાછળ હજારો મહિલા સ્વયંસેવકોનું અદૃશ્ય સમર્પણ રહેલું છે. મહોત્સવના છઠ્ઠા દિવસે નારીશક્તિના અનોખા દર્શન થયા હતા, જ્યાં 4 વર્ષની નાની બાળકીઓથી લઈને 80 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ વિવિધ વિભાગોમાં ખડેપગે સેવા આપી રહી છે. મહોત્સવમાં સેવા આપતી યુવતીઓમાં અનેક એવી દીકરીઓ છે જેમની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દીકરીઓ સેવાની સાથે પોતાના પુસ્તકો પણ લાવે છે અને નવરાશના સમયે મેદાન પર જ અભ્યાસ કરીને શિક્ષણ અને સંસ્કારનો સુંદર સમન્વય રજૂ કરી રહી છે. નાની ઉંમરના બાળકોને સાથે રાખીને સેવા કરતી માતાઓ માતૃત્વ અને ભક્તિનો જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે. પૂજન વિભાગમાં 100 જેટલી બહેનો વહેલી સવારે 4:30 વાગ્યે હાજર થઈ પૂજનની થાળીઓ તૈયાર કરવાની જવાબદારી નિભાવે છે. તો બીજી તરફ, રસોડા અને પ્રસાદ વિભાગમાં 250 થી વધુ બહેનો શાક સુધારવાથી લઈને હજારો ભક્તો માટે પ્રસાદી બેગ તૈયાર કરવાનું કાર્ય કરી રહી છે. ખાસ કરીને ‘પ્રેમવતી’ કાઉન્ટર પર 95 બહેનો કલાકો સુધી ઉભા રહીને સ્મિત સાથે સેવા આપે છે. પાણી વિભાગમાં 40 બહેનો રાત્રે 1 વાગ્યા સુધી શુદ્ધ અને ઠંડુ પાણી પહોંચાડવાનું કઠિન કાર્ય હસતા મુખે કરી રહી છે. માત્ર શારીરિક સેવા જ નહીં, પરંતુ પ્રેસ અને પી.આર. વિભાગમાં 20 થી વધુ પ્રોફેશનલ યુવતીઓ વિડિયો એડિટિંગ અને ડિજિટલ માધ્યમથી આ મહોત્સવને વૈશ્વિક સ્તરે પહોંચાડી રહી છે. મેડિકલ વિભાગમાં 120 થી વધુ બહેનોએ રક્તદાન કર્યું છે અને 70 થી વધુ મહિલાઓએ અંગદાનના સંકલ્પ લીધા છે. મહોત્સવમાં સૌથી પ્રેરણાદાયી દ્રશ્ય એ છે કે અત્યંત સંપન્ન પરિવારોની મહિલાઓ પણ કોઈ પણ પ્રકારના અહંકાર વગર વાસણ સાફ કરવા જેવી પાયાની સેવામાં આનંદથી જોડાયેલી જોવા મળે છે.



