જન્મના પહેલા જ દિવસે જમણા પગનું હાડકું ભાંગી જતાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા મદનિયાને 2,500 કિમીનું અંતર કાપી અત્યાધુનિક સારવાર અપાશે
આસામના પોહુમારા ખાતે જન્મના પહેલા જ દિવસથી જીવન માટે સંઘર્ષ કરી રહેલા ‘રાજા’ નામના સાત સપ્તાહના એશિયન હાથીના બચ્ચાને કટોકટીભરી તબીબી સારવાર માટે ગુજરાતના જામનગર સ્થિત ‘વનતારા’ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા સાત સપ્તાહથી વનતારાની પશુચિકિત્સકોની ટીમ આસામમાં તેના માલિકના ઘરે જ તેની સારવાર કરી રહી હતી, પરંતુ તેની હાલત અત્યંત નાજુક બનતા તેને સઘન હોસ્પિટલ સારવારની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આટલા નાના અને નબળા બચ્ચા માટે ૨,૫૦૦ કિલોમીટરથી વધુની રોડ મુસાફરી જોખમી હોવાથી, વનતારાના સ્થાપક અનંત અંબાણીના સહયોગથી ભારતમાં આ પ્રકારનું ત્રીજું વિશેષ એરલિફ્ટ શક્ય બન્યું છે. આ મદનિયાના સંઘર્ષની શરૂઆત ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આસામના ગોગામુખ ખાતે તેના જન્મ સાથે જ થઈ હતી. તેની માતા માત્ર ૧૧ વર્ષની અને બિનઅનુભવી હોવાથી પ્રસૂતિ બાદ ગભરાટમાં તેણે નવજાત બચ્ચાને લાત મારી દીધી હતી, જેના કારણે જન્મના પહેલા જ દિવસે રાજાના પાછળના જમણા પગના સાથળનું મોટું હાડકું સંપૂર્ણપણે ભાંગી ગયું હતું. પરિણામે, તે ઊભો થઈ શકતો ન હતો કે માતાનું અમૃત સમાન પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) પણ પી શક્યો ન હતો.
રાજાના માલિકની વિનંતી પર ૮ ઓક્ટોબરના રોજ વનતારાની રેપિડ રિસ્પોન્સ ટીમ ત્યાં પહોંચી હતી. એક્સ-રેમાં હાડકું ખસી ગયું હોવાનું જણાતા ટીમે પ્લાસ્ટર અને લિંગની મદદથી તેને ટેકો આપ્યો હતો અને ખાસ તૈયાર કરાયેલું દૂધ આપવાનું શરૂ કર્યું હતું. ૧૦ ઓક્ટોબરે તેને પોહુમારા ખસેડાયું હતું, જ્યાં તેના પગ પર વજન આવ્યા વિના કસરત થઈ શકે તે માટે ખાસ હાઇડ્રોથેરાપી તળાવ પણ બનાવાયું હતું. જોકે, માતાના દૂધના અભાવે અને સતત સૂઈ રહેવાને કારણે તેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, લો બ્લડ સુગર, લિવર પર દબાણ અને માથા પર ચાંદા જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હતી. ગુવાહાટીથી જામનગરની ચાર કલાકની હવાઈ મુસાફરી માટે રાજાના શરીરના માપ મુજબનું ગાદીવાળું ખાસ ક્રેટ તૈયાર કરાયું હતું. મુસાફરી દરમિયાન પશુચિકિત્સકોની ટીમ તેના હૃદયના ધબકારા, શ્વાસ અને ગ્લુકોઝનું સતત નિરીક્ષણ કરી રહી છે. જામનગર પહોંચ્યા બાદ તેને વનતારાની એલિફન્ટ હોસ્પિટલમાં દાખલ કરી આજીવન સારવાર અને પુનર્વસન પૂરું પાડવામાં આવશે. વનતારાના સીઈઓ વિવાન કરાણીએ જણાવ્યું હતું કે અનંત અંબાણીની કરણા અને સહયોગથી દિવસોની મુસાફરી ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ છે અને હવે રાજા પોતાના પગ પર ઊભો થઈ દોડી શકે તે માટે તમામ પ્રયાસો કરાશે.



