ટેક્નોલોજી આધારિત અને વધુ વિકાસની સભાવના ધરાવતા ક્ષેત્ર પર ફોકસ કરાશે
રોકાણ માટે દેશમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની તૈયારી
ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને એક નવી અને આધુનિક દિશા આપવા માટે બહુપ્રતિક્ષિત ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરવા જઈ રહી છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંયુક્ત રીતે રાજ્યના આ નવા ઔદ્યોગિક રોડમેપનું સત્તાવાર લોકાર્પણ કરશે. લોન્ચ થનારી આ નીતિમાં વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો, MSME ક્ષેત્ર અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપતા અનેક નવા પ્રાવધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને વધુ સરળ બનાવવા, વધુ વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા, 10થી વધુ એકમોના સ્થળાંતરણ માટે નિયમો ઘડવા અને પર્યાવરણ મંજૂરી સહિત વિવિધ બાબતોમાં 50 ટકા સુધીના પ્રોત્સાહનો આપવાની જોગવાઈઓ પણ નીતિમાં સામેલ છે. રાજ્ય સરકાર દ્વારા દેશના અન્ય અગ્રણી રાજ્યોની ઔદ્યોગિક નીતિઓનો અભ્યાસ કરીને ગુજરાતને વધુ સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બનાવે તેવી સર્વોત્તમ ઔદ્યોગિક નીતિ ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અંદાજે છ મહિના પહેલાં જાહેર થઈ રહેલી આ નીતિને રાજ્યના આગામી દાયકાના ઔદ્યોગિક વિકાસ માટેના મહત્વના રોડમેપ તરીકે જોવામાં આવી રહી છે.
- Advertisement -
ગુજરાતને મળશે વૈશ્વિક ઔદ્યોગિક દિશા
ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી નીતિ દેશ અને દુનિયાના રોકાણકારો માટે રાજ્યને વધુ આકર્ષક બનાવશે. નવીનતા આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ ગંતવ્ય તરીકે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો સરકારનો સંકલ્પ છે. નવી ઔદ્યોગિક નીતિમાં વેપાર-ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા એટલે કે ‘Ease of Doing Business’ને વધુ સરળ અને પારદર્શક બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નીતિના મુખ્ય પાસાઓ નીચે મુજબ રહેવાની સંભાવના છે. ગુજરાત પોતાની વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી, ઉદ્યોગ-સાહસિક શાસન અને કુશળ માનવબળના કારણે વર્ષોથી સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે પહેલી પસંદ રહ્યું છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, આ ‘ઔદ્યોગિક નીતિ-2026’ રાજ્યની હાલની ક્ષમતાઓને વધુ બળ આપશે અને ગુજરાતના આર્થિક વિકાસ તેમજ વૈશ્વિક ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને એક નવી ઊંચાઈએ પહોંચાડશે. આ અનાવરણ પર દેશભરના ઉદ્યોગપતિઓની નજર મંડાયેલી છે.
રોકાણ, રોજગારી અને MSME પર વિશેષ ફોકસ
અદ્યતન ઉત્પાદન ક્ષમતા : રાજ્યમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે વિશેષ પ્રોત્સાહનો.
MSME ક્ષેત્રને મજબૂતી : ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવા માટે નવી યોજનાઓ.
ટેક્નોલોજી અને ઉભરતા ક્ષેત્રો : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને હાઇ-ટેક ઉદ્યોગો જેવા ઉચ્ચ વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ માહોલનું નિર્માણ.




