મચ્છરજન્ય રોગચાળાને ડામવા મહાનગરપાલિકા એક્શન મોડમાં: એક જ સપ્તાહમાં 470થી વધુ આસામીઓને નોટિસ
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કમર કસવામાં આવી છે. મનપાના આરોગ્ય તંત્ર દ્વારા ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ થી તા. ૧૪/૦૬/૨૦૨૬ દરમિયાન સઘન ચેકિંગ અને અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા ૪૭૦થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ શહેરમાં અન્ય અને પાણીજન્ય રોગચાળામાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા સાત દિવસમાં જ સામાન્ય તાવના ૫૩૯ કેસ, શરદી-ઉધરસના ૪૪૨ કેસ અને ઝાડા-ઉલ્ટીના ૨૧૩ કેસ નોંધાયા છે. આ સાથે જ વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં શરદી-ઉધરસના કુલ ૧૭,૮૬૭ અને સામાન્ય તાવના ૧૬,૪૫૧ કેસ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ સપ્તાહમાં કમળાનો ૧ નવો કેસ નોંધાયો છે, જ્યારે ટાઈફોઈડ, મરડો કે કોલેરાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે મનપાની ટીમ દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યાએથી કુલ ૨,૦૫૬ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.ડેન્ગ્યૂ ફેલાવતો એડીસ મચ્છર દિવસના સમયે કરડતો હોવાથી અને તેનો ફેલાવો ઝડપી હોવાથી મનપા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં સખત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ૨૩,૦૭૮ ઘરોમાં પોરાનાશક (એન્ટી-લાર્વા) કામગીરી કરવામાં આવી છે અને ૧૩૯ ઘરોમાં ફિલ્ડવર્કરો દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જાહેર રસ્તાઓ, સંવેદનશીલ સોસાયટીઓ અને ભીડવાળા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા ધુમાડો કરવાની કામગીરી કરાઈ છે. મનપા દ્વારા રહેણાંક સિવાયની અન્ય ૫૮૮ પ્રીમાઇસીસ જેવી કે બાંધકામ સાઇટ્સ, સ્કૂલો, હોસ્પિટલો, હોટેલ્સ, ઇન્ડસ્ટ્રીઝ, ભંગારના ડેલા અને સરકારી કચેરીઓમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં લાપરવાહી દાખવનારા ૧૦૭ રહેણાંક આસામીઓ અને ૩૭૧ કોમર્શિયલ આસામીઓને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી કરાઈ છે.




