પરેશ રાજગોર
‘સ્ટડી ઈન સ્કારલેટ’ બાદ આર્થર કોનન ડોયલે લખી બીજી રોમાંચક નવલકથા
- Advertisement -
પ્રાઈવેટ ડિટેકટીવ તરીકે નાણાં કે પ્રસિદ્ધિ નહીં પરંતુ મગજ કસવાનો અને કેસ ઉકેલવાનો આનંદ જ હોમ્સ માટે સર્વોપરી હતો….
હપ્તામાં આપણે વાત કરી હતી કે કેવી રીતે આર્થર કોનન ડોયલે ડોક્ટરી ગયા પ્રેક્ટીસ ન ચાલતી હોવાથી લેખન ક્ષેત્રે હાથ અજમાવ્યો અને તેમની પ્રથમ નવલકથા સ્ટડી ઇન સ્કારલેટ લખી. તેમાં જ શેરલોક હોમ્સ અને ડો. વોટસનની મુલાકાત થાય છે અને બંને ભાડુઆત તરીકે સાથે રહેવા તૈયાર થાય છે. સ્ટડી ઇન સ્કારલેટ નવલકથા બાદ તુરંત જ આર્થર કોનન ડોયલે બીજી નવલકથા સાઇન ઓફ ફોર લખી હતી. આ નવલકથા ૧૮૯૯૦માં પ્રકાશિત થઈ હતી. આજે આપણે વાત કરીશું એ બીજી નવલકથાની.
શેરલોક હોમ્સ પાસે હમણાં કોઈ કેસ આવતા નથી અને તે નવરો હોય છે. આ સ્થિતિમાં તે રોજ કોઈ ખાસ પ્રકારના ઇંજેક્શન લેતો હોય છે. મિત્ર તરીકે ડો. વોટસન દરરોજ તેને જુએ છે પણ કંઈ કહી શકતો નથી. આખરે એક વખત તે હોમ્સને આ બાબતે પૂછી જ લે છે. હોમ્સ જણાવે છે કે એ કોકેઈનના ઇંજેક્શન છે. હોમ્સ કહે છે હમણાં કોઇ કેસ આવતા ન હોવાથી તેને મગજ કસવા મળતું નથી. તેથી તે કંટાળ્યો છે. પ્રાઈવેટ ડિટેક્ટીવ તરીકે કામ કરવાનો તેનો મૂળ ઉદ્દેશ નાણાં કે પ્રસિધ્ધી નથી. મોટે ભાગે કેસ ઉકેલ્યા બાદ તેને કોઈ ખાસ શ્રેય મળતો નથી. અખબારોમાં મોટે ભાગે સ્કોટલેડ યાર્ડના પોલીસ અધિકારીને જ કેસ ઉકેલવા માટે શ્રેય આપવામાં આવે છે. છતાં તેમાં તેને કોઈ અફસોસ નથી. તેનો હેતુ આવા કેસ પર કામ કરી આત્મ સંતોષ મેળવવાનો વધુ છે.
શેરલોક હોમ્સને સાંકળીને ઘણી ટૂંકી વાર્તાઓ આર્થર કોનન ડોયલે આ નવલકથા બાદ લખી હતી, પણ હોમ્સની કાર્ય શૈલીનો ખરો ચિતાર તેની આ પહેલી બે નવલકથાઓમાંથી જ મળે છે. સાઇન ઓફ ફોર નવલકથાની શરૂઆતમાં ડો. વોટસને અગાઉના કેસ સ્ટડી ઇન સ્કારલેટ પર પુસ્તક લખીને પણ પ્રકાશિત કર્યું હોય છે. પણ હોમ્સને એ પસંદ પડતું નથી અને તેની તે ટીકા પણ કરે છે.
સાઇન ઓફ ફોર નવલકથાની શરૂઆતમાં ડો. વોટસન અને હોમ્સ વચ્ચેની વિસ્તૃત ચર્ચા તેમના પાત્રોને સમજવા સારી મદદ કરે છે. કથાની શરૂઆતમાં એક યુવતીને કેટલાક કિંમતી મોતી ભેટ મળે છે અને કેસની શરૂઆત થાય છે. આ ભેટની વાત લઈ યુવતી શેરલોક હોમ્સ પાસે આવે છે અને હોમ્સ અને ડો. વોટસન આ કેસના ઉકેલ માટે સાથે જ કામ કરે છે. હોમ્સની અન્ય કથાઓની જેમ આ પણ ડો. વોટસનના સ્વમુખે જ કહેવાયેલી છે. આખા કેસમાં વાચક ડો. વોટસન બનીને જ કેસના ઉકેલ માટે તારવણી અને અનુમાનો કરતો રહે છે. આ કથા મને ખાસ લાગી છે કારણકે કથાના મૂળિયા ભારત સાથે જોડાયેલા છે. સાઇન ઓફ ફોર શું છે અને એને ભારત સાથે શું લેવા-દેવા છે, એ માટે તો વાચકે કથા જ વાંચવી રહી. વધુ માહિતી અહીં કથાનો રસભંગ કરશે. જોકે એક બાબત અહીં ખાસ નોંધવી રહી કે ભારત સાથે જોડાયેલી આ કથામાં કેટલાક શિખ પાત્રોના નામ અકબર, અબ્દુલ્લા ખાન અને મોહમ્મદ સિંઘ જેવા મુસ્લીમ વ્યક્તિઓ જેવા છે. જે આર્થર કોનન ડોયલનું ભારત અંગેનું સિમિત જ્ઞાન દર્શાવે છે. એક સ્થાને હિંદુ વિરોધી સંવાદો પણ કથામાં છે. આવી કેટલીક બાબતોને બાદ કરતાં સિવાય આખી કથા ખૂબ જ રસપ્રદ છે. ૧૪૦ વર્ષ પહેલાના સમયમાં ભારતની ભૂમિ પર પગ પણ મૂક્યાં વિના લખવું એટલું સરળ પણ નહીં રહ્યું હોય.
શેરલોક હોમ્સની ચારે નવલકથાઓમાં એક ખાસિયત રહી છે, કે કેસ ઉકેલાઈ જાય અને ખૂની પકડાઈ જાય ત્યાર બાદ તે ખૂન કરવા પાછળના ઉદ્દેશને જાણવા આર્થર કોનન ડોયલ ગુનેગારના મુખે ખૂબ મોટી સમજૂતી રજૂ કરે છે. તેની બે નવલકથા સ્ટડી ઈન સ્કારલેટ અને વેલી ઓફ ફિયરમાં તો આખી કથાની પૃષ્ઠભૂમિમાં બીજી કથાઓ લખી છે. બન્ને પુસ્તકમાં ગુનેગારના ભૂતકાળ વિશે આખો બીજો ભાગ લખ્યો છે. આમ, ગુનેગારનો ઇતિહાસ અને હત્યાના કારણ જાણ્યા પછી વાચકને તે ખરેખર વિલન કે ગુનેગાર લાગતો નથી, પણ તેના પ્રત્યે સહાનુભૂતિ ચોક્કસ જન્મે છે. આમ ડોયલના મતે કોઈ પણ ગુનેગારના ગુના પાછળ ચોકાસ કારણો જવાબદાર હોય છે અને તેને પ્રદર્શિત કરવા જ તેણે ગુનેગારના ખુલાસા પાછળ આટલી વિસ્તૃત માહિતી આપી હશે એવું અનુમાન કરી શકાય. શેરલોક હોમ્સના પાત્રની ખ્યાતિ એટલી બધી વધી ગઈ હતી કે આર્થર કોનન ડોયલને પણ કદાચ તેની ઇર્ષ્યા આવતી હતી. તેમના નામ કરતા શેરલોક હોમ્સનું નામ વધુ જાણીતું બની ગયું હતું. લોકો તેને સાચુકલો જાસુસ માનતા અને તેને બેકર સ્ટ્રીટના એડ્રેસ પર પત્રો લખતા કે તેને રૂબરુ મળવા જતા. છેવટે આર્થર કોનન ડોયલે કંટાળીને શેરલોક હોમ્સના પાત્રનો અંત લાવવાનું નક્કી કર્યું. તેણે તેની એક ટૂંકી વાર્તા ‘ ધ ફાઇનલ પ્રોબ્લેમમાં’ તેનું મૃત્યુ થઈ જતું દર્શાવ્યું. પણ હોમ્સની લોક ચાહના એટલી હતી કે લોકોએ આર્થર કોનન ડોયલને અઢળક પત્રો લખી હોમ્સની કથાઓ આગળ ચલાવવા આગ્રહ કર્યો. છેવટે લોકલાગણીની સામે ડોયલને ઝૂકવું જ પડયું અને હોમ્સને ફરી સજીવન કરવો પડ્યો. આમ, શેરલોક હોમ્સની અન્ય ટૂંકીકથાઓ વાચતા પહેલા આ નવલકથાઓ ખાસ વાંચવી રહી.




