ગેરકાયદે ભરતી કરાયેલાં સ્ટાફનું ભાવિ અદ્ધરતાલ
ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘનાં પ્રમુખ દિનેશ સદાદિયાને બધું લોલંલોલ ચાલે તેમાં જ રસ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સડો ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘનો પ્રમુખ દિનેશ સદાદિયા છે જ એ સાથે તેમની સાથે કામકાજ કરતા કેટલાંક અન્ય કર્મચારીઓ પણ સડા સમાન છે. ખાસ-ખબરને જાણવા મળેલી વિગત મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કાર્ય કરતા ક્લાર્ક – વહીવટી કર્મચારીઓની નિમણૂંકમાં ભયંકર ગરબડ-ગોટાળા આચરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિમાં નિવૃત્ત થતા ક્લાર્કના સરકારમાંથી પેંશન અટકવા કે ભરતી કાયદેસર ન ગણાવા કે નવી ભરતી ન થવા ન દેવા વગેરે પાછળ પણ પંડિત, પરમાર અને સદાદિયાનું જ પાપ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 100% આરએમસીના ક્લાર્ક તરીકે 1991માં અમિત શુક્લ, બિમલ ખંભાયતા અને કિશોર મેને લેવામાં આવ્યા હતા. એ જ રીતે 2009માં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 80/20% આધારે વિજય જોશી અને જીજ્ઞેશ ભટ્ટને લેવામાં આવ્યા હતા. જે પૈકી વિજય જોશી અને જીજ્ઞેશ ભટ્ટની ભરતી રહેમરાહ પર રોજમદાર તરીકે કરવામાં આવી હતી. બાકીના ક્લાર્ક અમિત શુક્લ, બિમલ ખંભાયતા અને કિશોર મેની ભરતી હંગામી ધોરણે કરવામાં આવી હતી. તેમની ભરતી બાદ ત્રણ વર્ષમાં સરકાર પાસેથી મંજૂરી મેળવી તેમને કાયમી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની હતી. પરંતુ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે-તે વખતે-વર્ષે આ કશું થયું નહીં. ત્યારબાદ શિક્ષણ સમિતિના તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યા દ્વારા શિક્ષણ સમિતિની આ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમની બદલી થઈ જતા નવા આવેલા ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે જાણીજોઈને આ મામલે ધ્યાન ન દીધું જેના પરિણામસ્વરૂપે શિક્ષણ સમિતિના ક્લાર્ક કિશોર મે એક વર્ષ પહેલાં 30/09/2021ના રોજ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમને પેંશન મળી રહ્યું નથી. આ પાછળ પણ પંડિત, પરમાર અને સદાદિયાની મિલીભગત હોય શિક્ષણ સમિતિના વહીવટી વિભાગમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓ પેંશનથી વંચિત રહે છે.
શિક્ષણ સમિતિ એટલે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, અવ્યવસ્થા અને ગેર-વહિવટનો ઉકરડો
સર લાખાજી ક્રેડિટ સોસાયટીમાં પણ દિનેશ સદાદિયાના કૌભાંડો
શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ હજારો શિક્ષકો પાસેથી શિક્ષક સંઘના નામે પૈસા ઉઘરાવ્યાં છે અને એ બધા જ પૈસાનો તેની પાસે કોઈ જ હિસાબ નથી એ પ્રકારે સર લાખાજીરાજ ક્રેડિટ મંડળીમાં કારોબારી સભ્ય પદે તેણે તેના ઘણા લાગતા-વળગતાને મંડળીમાં ઘુસાડી દીધા છે અને મંડળીના નામે શિક્ષકો પાસેથી ઉઘરાવેલા પૈસાનો પણ તેની પાસે કોઈ હિસાબ મળી રહ્યો નથી. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણની જેમ સર લાખાજી ક્રેડિટ સોસાયટીમાં પણ દિનેશ માત્રને માત્ર કૌભાંડોને જ અંજામ આપી રહ્યો છે.
- Advertisement -
ક્લાર્કથી લઈ પ્રવાસી શિક્ષકોમાં પંડિત, પરમાર, સદાદિયાના જ માણસો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1991 બાદ ક્લાર્કની ભરતી જ નથી થઈ. ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારના શાસનકાળમાં વહીવટી વિભાગમાં ખાલી રહેલી ડઝનેક જેટલી જગ્યાઓ પર ફક્તને ફક્ત એટલા માટે જ ભરતી કરવામાં આવતી નથી કે રોજમદાર તરીકે, હંગામી ધોરણે, કોન્ટ્રાક્ટ પર માત્રને માત્ર પોતાના લાગતા-વળગતા લોકોને નોકરી આપી શકાય. હાલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ક્લાર્કથી લઈ પ્રવાસી શિક્ષકોમાં પંડિત, પરમાર, સદાદિયાના જ માણસો છે જેમાના મોટાભાગના કર્મચારીઓ ગેરકાયદે કામ કરી રહ્યા છે. ક્લાર્ક અને વહીવટી વિભાગમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવી રહી નથી. અતુલ પંડિતે પ્રવાસી શિક્ષકોમાં પણ પોતાના જાણીતા-માનીતાઓને ગેરકાયદે ઘૂસાડી દીધા છે.
શિક્ષણ સમિતિમાં કામ કરતા વહીવટી કર્મચારીઓ આચાર્યો-શિક્ષકોને હેરાન-પરેશાન કરે છે!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા તો આચાર્યો-શિક્ષકોને ડરાવવા કે ધમકાવવા કશું બાકી રાખતા નથી પરંતુ તેમના મળતીયાવ એવા શિક્ષણ સમિતિમાં વહીવટી કામકાજ કરતા અને ગેરકાયદે નોકરી કરતા કેટલાંક કર્મચારીઓ પણ યેનકેન પ્રકારે આચાર્યો-શિક્ષકોને હેરાન-પરેશાન કરે છે. અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા દ્વારા જે આચાર્યો-શિક્ષકો તેમની ઉપરવટ જાય તેને હેરાન-પરેશાન કરવાનો હવાલો વહીવટી કર્મચારીઓને આપી દેવામાં આવે છે!
નિવૃત્ત ક્લાર્ક કિશોર મેનું પેન્શન અટકવવા પાછળ પરમાર અને સદાદિયાનું ષડ્યંત્ર
શિક્ષક સંઘનો પ્રમુખ સદાદિયા સર લાખાજી ક્રેડિટ નામની મંડળી ચલાવે છે. આ મંડળીના કારોબારી સભ્ય દિનેશ સદાદિયા અને શાસનાધિકારી પરમારના ષડયંત્રથી શિક્ષણ સમિતિના ક્લાર્ક કિશોર મે આજથી એક વર્ષ પહેલાં નિવૃત્ત થયા હોવા છતાં તેમને સરકારી પેન્શન મળી રહ્યું નથી. હકીકતમાં નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા સરકારી કે અર્ધસરકારી કોઈ લેણું બાકી નથી તેનું ગઘઈ મેળવવું પડે છે. કિશોર મેએ જે-તે સમયે સર લાખાજી ક્રેડિટ મંડળીમાંથી લોન લીધી હતી અને ભરપાઈ પણ કરી દીધી હતી. હવે શાસનાધિકારી પરમાર નિવૃત્ત ક્લાર્કને કિશોર મેને કોઈ સરકારી-અર્ધ સરકારી લેણું બાકી નથી તેનું એનઓસી કાઢી આપતા નથી જે પાછળ દિનેશ સદાદિયાનો જ દોરી સંચાર હોય કિશોર મે સર લાખાજી ક્રેડિટ મંડળી વિરુદ્ધ કોર્ટમાં ગયા છે અને નિવૃત્તિ બાદ પોતાનું પેંશન મેળવવાની લડાઈ લડી રહ્યા છે.