સૌરાષ્ટ્ર સહિતના પ્રવાસ કરી રહેલા ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સોમવારે રાજકોટમાં: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આવે તેવી ચર્ચા: હર્ષ સંઘવી મોરબી-સુરેન્દ્રનગર પછી હવે બીજો રાઉન્ડ મારશે
કાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા રાજકોટમાં બે સભા ગજવશે
- Advertisement -
કોંગ્રેસ પાર્ટીના ‘સ્ટાર’ પ્રચારકો પણ આગામી સપ્તાહે સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ઉનાળાની એપ્રિલમાં જ શરુ થયેલી કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રારંભીક તબકકે ઉમેદવારોએ જૂથ બેઠકો લોકસંપર્ક અને બુથ બેઠકોનો દૌર ચલાવ્યા બાદ હવે આગામી સપ્તાહમાં તા.24ના સાંજે જાહેર પ્રચારના પડધમ શાંત થાય તે પુર્વે પ્રચાર વેગવંતો બનશે.
તમામ પક્ષોમાં અસંતોષ, પક્ષાંતર અને વિવાદ હવે શાંત થવા લાગ્યા છે અને રાજયમાં કુલ 10005 બેઠકોની 707 બિનહરીફ થયા બાદ હવે 9297 બેઠકો પર તા.26ના મતદાન થશે. કુલ 25579 ઉમેદવારો મેદાનમાં છે. 15 મહાપાલિકા, 34 જીલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીમાં આગામી સપ્તાહથી સૌરાષ્ટ્રમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે. પક્ષના મહામંત્રી અનિરુદ્ધ દવે હાલ પ્રવાસમાં છે તેઓ કાલે રાજકોટ આવીને આખરી સપ્તાહના પ્રચારનો ‘ટોન’ નિશ્ર્ચિત કરશે અને સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્ર્વકર્મા ફરી એક વખત રાજકોટ આવી રહ્યા છે તો આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રચારમાં જોડાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાલે મોરબી અને સુરેન્દ્રનગર પ્રચારમાં હતા તેઓ પણ ફરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવશે.
બીજી તરફ કોંગ્રેસ 40 સ્ટાર પ્રચારકો જારી કર્યા છે તેમાં હવે કોણ કયાં આવે છે તેના પર નજર છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ જે રીતે તાકાત લગાવી છે તે ચૂંટણીને રસપ્રદ બનાવી રહી છે. ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સુરતથી સૌરાષ્ટ્ર સંભાળ્યુ છે. પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી પણ પ્રચારમાં જોડાયા છે. દિલ્હીથી પણ થોડો સપોર્ટ છે.
રાજકોટમાં કાલે ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાની બે સભાનું આયોજન છે અને તા.21ના રોજ ઈશુદાનભાઈ ગઢવી આવી રહ્યા છે. આમ વાતાવરણ બનવા લાગ્યુ છે. ભારે તડકો, વેકેશન જેવી સ્થિતિ અને લોકોનો ઓછો રસ એ ઉમેદવારો માટે કોયડો સર્જી ગયો છે.



