આજથી ચારધામ યાત્રા શરૂ
કાલે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે: કેદારનાથના 22મીએ અને બદ્રીનાથના 23 એપ્રિલે કપાટ ખુલશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તરાખંડમાં દર વર્ષે યોજાતી અને દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાંની એક ગણાતી ચારધામ યાત્રાનો આજથી વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હિમાલયની પવિત્ર ગોદમાં સ્થિત યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામ તરફ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા ઉમટી રહી છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે ઋષિકેશ ખાતે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા 10 બસોને ધ્વજવિદાય આપવામાં આવી હતી, જે યાત્રાળુઓને યમુનોત્રી અને ગંગોત્રી ધામ તરફ લઈ જશે. આ પ્રારંભિક તબક્કામાં રવાના થયેલા યાત્રાળુઓ 19 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલવાના પવિત્ર ક્ષણના સાક્ષી બનશે. દર વર્ષે આ દિવસને વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે, જ્યાં પૂજા-અર્ચના અને વિધિવત કાર્યક્રમો સાથે ધામના દ્વાર ખોલવામાં આવે છે. આ વર્ષે ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 17.87 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે ધાર્મિક શ્રદ્ધાનો મજબૂત દાખલો છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડો થોડો ઓછો હોવા છતાં, યાત્રાની શરૂઆત સાથે તેમાં નોંધપાત્ર વધારો થવાની પણ સંભાવના છે. ચારધામ યાત્રાના આગામી તબક્કામાં કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલવાના છે. હાલ કેદારનાથ તરફ જતાં માર્ગમાં લિંચોલીથી ઉપરના વિસ્તારોમાં હજુ પણ બરફ જોવા મળી રહ્યો છે, જેના કારણે યાત્રાળુઓ માટે માર્ગ થોડો પડકારજનક બની શકે છે.
યાત્રા માટે સેવા અને સુરક્ષા
- Advertisement -
15 જૂન સુધી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા
32 હજાર લોકોએ હેલિકોપ્ટરની ટિકિટ બુક કરાવી
1,350 ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ યાત્રા માર્ગો, ટ્રાંઝિટ કેમ્પો અને ધામો પર 24 કલાક તહેનાત રહેશે.
1,200 સીસીટીવી કેમેરાની સાથે યાત્રા માર્ગ પર એસડીઆરએફની 37 પોસ્ટ અલગથી બનાવાઈ છે.
ચારધામ યાત્રા માટે પાંચ નિયમ
1 બદ્રીનાથ-કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર રોક રહેશે. હિન્દુ, બૌદ્ધ, શિખ, જૈન ધર્મના લોકો દર્શન કરી શકશે. જો કે અન્ય ધર્મના લોકોને કઈ રીતે રોકવામાં આવશે. તેને લઇને મંદિર સમિતિએ સ્પષ્ટ નિર્દેશ જારી કર્યા નથી. જ્યારે ગંગોત્રી-યમુનોત્રીમાં પ્રવેશ કરવા દરમિયાન શ્રદ્ધાળુઓને પંચગવ્યનું આચમન કરાવાશે.
2 કેદારનાથના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુ ગંગાજળ, ફૂલ નહીં ચઢાવી શકે. મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ કહ્યું કે વિશેષ પૂજા રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી કરાશે.
3 યાત્રા માર્ગ પર વાહન સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. યાત્રા માર્ગને 16 સુપર ઝોનમાં વહેંચીને 54 હજાર કાર માટે 118 પાર્કિંગ બનાવાયા છે.
4 48 હોલ્ડિંગ પોઇન્ટ બનાવાયા. પ્રાકૃતિક આફતોની સ્થિતિમાં અહીં 1.18 લાખ લોકો રોકાઈ શકે છે. ભૂસ્ખલનની આશંકા વાળા 80 પોઇન્ટ ચિહ્નિત. અહીં ઈમરજન્સી ટીમ છે.
5 ચાર ધામોમાં ભીડના દિવસોમાં મોબાઈલ પર વીડિયો અથવા રીલ બનાવનારને રોકાશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં રીલ બનાવવા, વીડિયોગ્રાફતી કરવા પર અને મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરવાનો દાવો કર્યો છે.



