જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવકથી ભાવમાં ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી છે. તાજેતરમાં યાર્ડમાં એકસાથે 11,000 બોક્સની મબલખ આવક નોંધાતા કેરીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે જ્યારે બજારમાં કેરીની આવક ધીમી હતી, ત્યારે જે કેરીના બોક્સ 1500 થી 2000 રૂપિયામાં વેચાતા હતા, તે હવે ઘટીને 800 થી 1200 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. યાર્ડના હોલસેલ વેપારી અદ્રેમાન પંજાના જણાવ્યા અનુસાર, માર્કેટમાં કેરીની આવક સતત વધી રહી છે અને આગામી દિવસોમાં આ જથ્થો હજુ વધવાની પ્રબળ શક્યતા છે. જેના કારણે ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. જોકે આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે કેરીના પાકને અંદાજે 30 ટકા જેટલું નુકસાન થયું છે, તેમ છતાં બજારમાં કેરીની આવક અત્યાર સુધી સારી રીતે જળવાઈ રહી છે. બીજી તરફ, કેસર કેરીનું મુખ્ય કેન્દ્ર ગણાતા તાલાલા માર્કેટ યાર્ડમાં પણ સ્થિતિ સારી છે. અહીં 5000 બોક્સની આવક સામે ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવ 1100 અને સરેરાશ 700 થી 900 રૂપિયા પ્રતિ બોક્સ રહ્યો છે. આમ, કમોસમી વરસાદની આગાહીઓ વચ્ચે પણ કેસર કેરીના શોખીનો માટે ભાવમાં થયેલો આ ઘટાડો ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે.



