માલિયાસણ પાસે આવેલી 7250 ચો.મી.જમીનને ખુલ્લી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે માલિયાસણ પાસે સરકારી જમીન પર દબાણ થતા જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશન કરવામાં આવશે. માલિયાસણ ગામ પાસે આવેલી સરકારી જમીન પર ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની જાણ તંત્રને થતા વહીવટી તંત્રએ જમીનને ખાલી કરવા નોટિસ પાઠવી હતી. પરંતુ ભૂમાફિયાઓએ મચક ન આપતા આજે જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી હાથ ધરશે. માલિયાસણ ગામ પાસે સરકારી ખરાબાની 7250 ચો.મી. જમીન જે સરકારી ખરાબો છે ત્યાં દબાણ કરી ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને આજે 40 પોલીસની ટીમ અને સરવેયરને સાથે રાખીને જિલ્લા પુરવઠા તંત્ર જમીનનો કબજો લેશે. અગાઉ પણ કેટલાક ગામોમાં સરકારી જમીનનો કબજો લઈને કારખાનાના શેડ અથવા અન્ય રીતે ભૂમાફિયાઓ દબાણો કરી ચુક્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.


