રાજ્યમાં 6 કલાકમાં 209 તાલુકામાં વરસાદ
અમદાવાદીઓ બપોરે 6 વાગ્યા સુધી બહાર ન નીકળતા : ભારે વરસાદની આગાહી : દોશીવાળા પોળમાં એક મકાન ધરાશાયી
- Advertisement -
સાત દિવસમાં ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. આજે 18 સપ્ટેમ્બરે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના મેઘરજ
અને અમદાવાદ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 51 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આજે અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા
મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો
હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે. હવામાન વિભાગે બપોરે ૬ વાગ્યા સુધી માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર,
ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ,
નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના
જિલ્લાઓમાં યેલો એલર્ટને લઈ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુંબઈથી રાજકોટ આવતી 2 ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ અને કોલકત્તાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ઇન્દોર ડાઇવર્ટ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે આજે સવારે મુંબઈથી આવતી બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. જેને કારણે આ બંને ફ્લાઈટમાં બેસેલા 200થી વધુ હવાઈ મુસાફરોને કલાકો સુધી
પરેશાની ભોગવવી પડી હતી. હિરાસર પાસે વરસાદને કારણે એર ક્રાફટનું ઉતરાણ મુશ્કેલીભર્યું છે. જેના કારણે હાલ 2 જ ફ્લાઈટ ડાયવર્ટ થઈ છે, પરંતુ વધુ ફ્લાઈટ ડાયવર્ટ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ભારે વરસાદને
કારણે કોલકત્તાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ઇન્દોર ડાઇવર્ટ કરવામાં આવી હતી.




