પ્રશાંત કિશોરે ફ્રી-હેન્ડ માંગ્યો, કોંગ્રેસ પક્ષે હેન્ડ-ફ્રી સિવાય વધુ કંઇ આપવાનો ઇન્કાર કરી દીધો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોંગ્રેસના અને રાષ્ટ્રીય રાજકારણમાં જબરી ચર્ચા વચ્ચે જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફરનો ઇન્કાર કરતા હવે કોંગ્રેસ પક્ષ ફરી એક વખત તેની જૂની સ્ટાઈલમાં ચાલ્યો જશે તેવા સંકેત છે તે વચ્ચે શા માટે પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે જવાનું નકાર્યું તેના અનેક રસપ્રદ કારણો બહાર આવી રહ્યા છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોર સર્વપ્રથમ એ ઇચ્છતા હતા કે, ગાંધી કુટુંબના કોઇપણ વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખપદે ન હોય અને તેમના પક્ષના રિફોર્મમાં પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે અને આ બંને શરતો કોંગ્રેસના મોવડી મંડળ અથવા કહો કે ગાંધી કુટુંબને માન્ય ન હતી. અને વિકલ્પે પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધીને પક્ષના પ્રમુખપદે સ્વીકારવાની તૈયારી બતાવી જ્યારે અન્ય પદો પર નોન-ગાંધી વ્યક્તિઓને મુકવા માટે પ્રશાંત કિશોરે ઓફર કરી હતી.
પરંતુ સોનિયા ગાંધીએ પ્રિયંકા માટે પણ સંમતિ બતાવી નહીં અને તે અથવા તો રાહુલ ગાંધી બેમાંથી એક પક્ષનું સુકાન સંભાળશે તે નિશ્ચિત હોવાનું પ્રશાંત કિશોરને જણાવી દીધું હતું. બીજા મહત્વના સંકેતમાં કોંગ્રેસ મોવડી મંડળ પ્રશાંત કિશોરને ફ્રી હેન્ડ આપવા માગતી ન હતી.ખાસ કરીને કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓનો આ વિરોધ હતો.
ખાસ કરીને આગામી સમયમાં જે-જે રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે ત્યાં તમામમાં કોંગ્રેસ મોટો પડકાર છે અને તે પોતે આ પડકાર ઉપાડવા તૈયાર હતા પરંતુ કોંગ્રેસ પક્ષ કેટલો તૈયાર હતો કે કેમ તે પણ અનિશ્ચિતતા જેવી સ્થિતિ હતી. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કોંંગ્રેસ પક્ષ તેનું સુકાન સીધી બાહરી વ્યક્તિ કે જે ભૂતકાળમાં કદી કોંગ્રેસી રહ્યા નથી તેને સોંપવા સામે સ્પષ્ટ વિરોધ હતો અને એ છાપ ઉભી થવા માગતા ન હતા કે કોંગ્રેસનું સમગ્ર મોવડી મંડળ નિષ્ફળ ગયું છે અને તેથી આ રીતે પ્રશાંત કિશોરને પક્ષ લીઝ પર આવી દેવાયો છે.
- Advertisement -
જો કે પ્રશાંત કિશોરે પોતાની ભૂમિકા નિશ્ચિત કરતાં જણાવ્યું હતું કે તેઓ પક્ષને કોઇ એક વ્યક્તિના નિર્ણય નહીં પરંતુ સામૂહિક નિર્ણય બાજુ લઇ જવા માગે છે અને તેનો જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એમ્પાવર્ડ ગ્રુપની રચના કરી જેમાં 15 સભ્યો હતા અને તેમાં 15મા સભ્ય તરીકે પ્રશાંત કિશોરને સમાવવાની ઓફર કરી પરંતુ પ્રશાંત કિશોર કોંગ્રેસની અનિર્ણાયકતા અને તમામ બાબતો અંતે ગાંધી કુટુંબ પર જ નિર્ણય માટે જશે તે જાણતા હતા અને તેથી ફક્ત નિર્ણયની ઔપચારિકતામાં તેઓ સામેલ થવા માગતા ન હતા.


