હાઈકોર્ટના આદેશ છતાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારનો યુ-ટર્ન
પશુપાલકો સાથે બેઠક બાદ ઢોર નિયંત્રણ કાનૂન મુલત્વી રાખવા સરકારે ખાતરી આપી
- Advertisement -
પશુપાલકોની નારાજગી ખાળવા માટે ઢોર નિયંત્રણ કાયદાના અમલમાં પાછીપાની
શા માટે સરકારે કરી પીછેહઠ?
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસથી વાહનચાલકો અને સામાન્ય જનતાને રાહત મળે માટે નક્કર કાનૂની પગલાં ભરવા ગુજરાત હાઇકોર્ટના આકરા ફટકાર પછી વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો 2022 પસાર કરાયો હતો. જોકે, આ કાયદાની જોગવાઇઓ સામે શરૂઆતથી જ માલધારી અને પશુપાલક સમાજે બ્હાંયો ચઢાવી વિરોધનો સૂર આલાપ્યો હતો. તેમાં સાધુ સંતોએ પણ સરકારના પગલાં સામે નારાજગી વ્યક્ત કરી કાયદો પાછો ખેંચવા અથવા એમાં સુધારા કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઇ પાટીલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવા કાયદા અંગે પુન:વિચાર કરવા સૂચન કર્યું હતું. ગુજરાતમાં હાલમાં જ વિધાનસભામાં મંજૂર કરાયેલ ઢોર નિયંત્રણ કાનૂનનો અમલ હવે અચોક્કસ મુદત માટે મુલત્વી રાખવામાં આવ્યો છે. રખડતા ઢોર નિયંત્રણ કાનૂન રદ્દ કરવા પાછળ આગામી વિધાનસભા ચૂંટણી જવાબદાર છે.
રાજ્યમાં ધારાસભા ચૂંટણીના સમયે જ આ પ્રકારના કાનૂનથી પશુપાલકોમાં જે વ્યાપક રોષ સર્જાયો હતો તે ભારતીય જનતા પક્ષ માટે મુશ્કેલી ઉભી કરે તેવી શક્યતા જણાતા ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ જ આ કાનૂન લાગુ નહીં થાય તેવો સંકેત આપી દીધો હતો અને પશુપાલકોને મુખ્યમંત્રી સાથે બેઠકનું આયોજન પણ કરી દેવામાં આવ્યું હતું તેમજ ત્યારથી જ સરકાર આ કાનૂનમાં પીછેહઠ કરશે તે નિશ્ચિત કરી દેવામાં આવ્યું અને હવે તે સત્તાવાર થઈ ગયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આગામી ડીસેમ્બર બાદ જ ઢોર નિયંત્રણ કાનૂનના મુદ્દે સરકાર વિચારણા કરશે. જો કે અગાઉ હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે સરકારને અનેક વખત ફટકાર કરી છે. પરંતુ હાઈકોર્ટનો આદેશ છતાં પણ સરકારે હાલ આ કાનૂન મુલત્વી રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના પશુપાલકોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને મળીને ઢોર નિયંત્રણ કાયદાનો અમલ ન કરવા અંગે રજૂઆત કરી હતી. પશુપાલકોની માંગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે, હાલ આ કાયદો મહાનગરપાલિકા પૂરતો છે. આ સાથે તેમણે બાહેંધરી આપતા કહ્યું હતું કે, મુખ્યપ્રધાનને વિધેયકમાં ફેર વિચારણા કરવા અંગે રજૂઆત કરી છે. થોડા મહિના અગાઉ રખડતાં ઢોર નિયંત્રણ મુદ્દે પાટીલે મેયરથી લઈ ઉચ્ચકક્ષાના અધિકારીઓને ટકોર કરી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરને નિયંત્રણ કરવાની ટકોર કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આ અંગે વિધેયક પણ રજૂ થયું હતું પરંતુ પાછળથી પશુલપાલકોએ ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરતા સરકાર દ્વારા આ કાયદો હાલ પૂરતો મુલત્વી રાખવામાં આવ્યો છે ત્યારે સવાલ એ છે કે શું પશુપાલકોની વોટબેંક માટે સરકાર આમ આદમીનો જીવ જોખમમાં મૂકશે? પશુપાલકોના મત માટે સામાન્ય માણસોના જીવ જશે તે માટે કોણ જવાબદાર ગણાશે?
સરકાર સરવે કરશે?
રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાનૂન મોકૂફ રાખવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ મોટા શહેરોમાં પશુપાલકોના પરિવારનો એક સરવે કરશે. ત્યારબાદ શહેરની બહાર પશુપાલકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા થયા બાદ જ આ કાનૂનનો ગુજરાતમાં અમલ થશે. તેવી વાત પણ ચર્ચાઈ રહી છે.
પશુપાલકોની મુખ્યમંત્રી સાથે થઇ હતી મિટિંગ
પશુપાલકો દ્વારા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદા રદ કરવા માટે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ પશુપાલક અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ કાયદો હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. પશુપાલકો દ્વારા કાયદો બન્યા બાદ રાજ્યભરમાં વિરોધ કરી રાજયભરમાં આવેદન પત્ર આપવામાં આવ્યા હતાં. આ કાયદો પાછો ન ખેંચાય તો મહાપંચાયત બોલાવાની જાહેરાત કરી હતી.



