પૂર્વ ટેસ્ટ પ્લેયર કરસનભાઈ ઘાવરી અને અગ્રણી ઉદ્યોગપતિ અમુભાઈ ભારદિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે
રેસકોર્સના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં 8 વાગ્યે અમદાવાદની બ્રધર્સ ઈલેવન અને પોરબંદરની વિશ્ર્વકર્મા ઈલેવન વચ્ચે જામશે ફાઈનલનો ખરાખરીનો જંગ
- Advertisement -
ટુર્નામેન્ટના રજત જયંતિ વર્ષ નિમિત્તે સંસ્થા દ્વારા સહયોગી રહેલા રેસકોર્સ ક્લબના મિત્રો અને શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન કરાશે
સાંજે 5 થી 7 બાળકો માટેના મેચ
રાત્રે 8 વાગ્યે: ધમાકેદાર ફાઈનલ મેચ
- Advertisement -
રાત્રે 10 થી 12 ભવ્ય ઇનામ વિતરણ અને સન્માન સમારોહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટની ખ્યાતનામ સંસ્થા ‘ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ’ દ્વારા સુથાર સમાજ માટે આયોજિત 25મી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી છે. રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે સાંજે આ ટુર્નામેન્ટનો ધમાકેદાર ફાઈનલ મેચ રમાશે. આ પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી કરસનભાઈ ઘાવરી અને અગ્રણી ઉદ્યોગપતિ દાનવીર અમુભાઈ ભારદિયા ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારશે.
ગઈકાલે રમાયેલ રોમાંચક સેમિફાઇનલ મેચોના પરિણામે ફાઈનલની લાઈન-અપ જાહેર થઈ છે. પ્રથમ સેમિફાઇનલમાં અમદાવાદની બ્રધર્સ ઇલેવન ટીમે કચ્છની એમ.જી. ઇન્ટિરિયરને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બીજી સેમિફાઇનલમાં પોરબંદરની વિશ્વકર્મા ઇલેવન ટીમે કચ્છની બોનીટેક ઇલેવન સામે વિજય મેળવી ફાઈનલની ટિકિટ મેળવી છે. આજે રાત્રે 8:00 કલાકે આ બંને દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
રાજકોટમાં સતત 25 વર્ષથી રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરતી આ એકમાત્ર સંસ્થા છે. પ્રખ્યાત આયોજક સ્વ. હર્ષદભાઈ ખંભાયતાની સ્મૃતિમાં આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. વર્તમાન પ્રમુખ યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ ગજ્જરની આગેવાનીમાં આ રજત જયંતિ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા કારોબારી સમિતિ ભારે જહેમત ઉઠાવી રહી છે.
રજત જયંતિ વર્ષ નિમિત્તે સંસ્થા દ્વારા સતત 25 વર્ષથી સહયોગ આપનાર રેસકોર્સ ક્લબના મિત્રો પરેશભાઈ ચગ, વિનુભાઈ પરમાર, દીપકભાઈ સાપરિયા સહિતના શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ ફાઈનલ મેચમાં સુથાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, રાજકીય મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ વતી સર્વે ખેલપ્રેમી જનતાને આ ભવ્ય ફાઈનલ નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



