એક તરફ અસહ્ય લૂ અને ભીષણ ગરમી, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો
ગીરગઢડા પંથકમાં મિની વાવાઝોડા સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો
- Advertisement -
કેસર કેરીની સીઝન પૂરબહારમાં અને ઉનાળું પાક તૈયાર, નુકસાનની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
સોરઠ અને સમગ્ર ગીર-સૌરાષ્ટ્ર પંથકમાં કુદરત જાણે ખેડૂતોની કસોટી કરી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે અને ભીષણ ગરમી સાથે કાળઝાળ લૂ ફેંકાઈ રહી છે, ત્યારે બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી સિસ્ટમ (માવઠું) સક્રિય થઈ છે. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવા જોરદાર પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં ખેડૂતો ભારે આઘાતમાં સરી પડ્યા છે. ડબલ ઋતુના આ મારના કારણે સમગ્ર પંથકના ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સોરઠ પંથકમાં તાપમાનનો પારો ગગન આંબી રહ્યો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથે સાથે તેજ ગતિએ ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આ ભીષણ ગરમી વચ્ચે અચાનક જ આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા હતા અને ગીર સોમનાથના ગીરગઢડા પંથકમાં ધૂળની ડમરીઓ ઉડાડતા તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઉનાળાના મધ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાતા એક ક્ષણ માટે પ્રકૃતિનો મિજાજ સમજાતો નહોતો. અચાનક ત્રાટકેલા આ માવઠાના લીધે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, જેને પગલે વાતાવરણમાં અસહ્ય બફારો અને અજંપો વ્યાપી ગયો છે. સોરઠના કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે વાતાવરણ વારંવાર પ્રતિકૂળ બની રહ્યું છે. અગાઉ પણ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતમાં થયેલા વાતાવરણના પલટા તથા માવઠાના લીધે ખેતી પાકને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું હતું. ખેડૂતો હજુ એ આર્થિક ફટકામાંથી માંડ બહાર આવ્યા છે ત્યાં ફરી એકવાર માવઠાની આફત આવીને ઊભી રહી છે. સતત બદલાતા હવામાનના કારણે પાકમાં રોગચાળો વધવાની ભીતિ તો રહે જ છે, પરંતુ હાથમાં આવેલો કોળિયો જૂંટવાઈ જવાની દહેશતથી ખેડૂતો માનસિક રીતે ભાંગી પડ્યા છે. હાલ સોરઠ અને ગીર પંથકમાં ઉનાળુ સીઝન અંતિમ ચરણમાં છે. આ સીઝનમાં મોટાભાગે કઠોળ અને તેલીબિયાં પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. સોરઠના ખેડૂતોએ ખરીફ અને રવિ સીઝનની નુકસાની સરભર કરવા માટે મોટા ખર્ચે ઉનાળુ અડદ, ઉનાળુ મગ, તલ અને ઉનાળુ મગફળીનું મોટા પાયે વાવેતર કર્યું છે. હાલ આ તમામ પાકો તૈયાર થવાના આરે છે અથવા તો લણણીની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. એવા સમયે જો જોરદાર પવન સાથે વરસાદ પડે, તો ખેતરોમાં ઊભો પાક આડો પડી જાય અને કઠોળના છોડ સડી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તલના પાકમાં જો પાણી ભરાય તો તલ કાળા પડી જાય છે, જેનાથી બજારમાં તેનો કોઈ ભાવ મળતો નથી. આથી, અચાનક સક્રિય થયેલી આ વરસાદી સિસ્ટમ ઉનાળુ પાકનો સંપૂર્ણ સોથ વાળી દેશે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ જ્યાં ઉનાળુ પાક સંકટમાં છે, ત્યાં બીજી તરફ વિશ્વપ્રસિદ્ધ ગીર પંથકની કેસર કેરીની મોસમ હાલ પૂરબહારમાં ચાલી રહી છે. ગીરના તાલાલા, ગીરગઢડા અને ઉના પંથકના આંબાવાડિયામાં કેસર કેરીઓ તૈયાર થઈ ગઈ છે અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનું શરૂ થઈ ગયું છે. જો કે, હજુ પણ મોટાભાગના આંબાવાડિયામાં કેસર કેરીનો મોટો ઉતારો (લણણી) બાકી છે. આવા નાજુક સમયે જો મિની વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાય અને સાથે કમોસમી વરસાદ પડે, તો આંબા પરથી તૈયાર થયેલી કેરીઓ નીચે ખરી પડે છે. નીચે પડેલી કેરીઓ બજારમાં કચરાના ભાવે વેચવી પડે છે અથવા ફેંકી દેવી પડે છે. વધુમાં, વરસાદના પાણીના ટીપાં કેરીની ત્વચા પર પડવાથી તેમાં પડાઘથ પડી જાય છે અને આંતરિક બગાડ (કેરી ખાટી થઈ જવી કે સડી જવી) શરૂ થાય છે. આના કારણે કેરીની ગુણવત્તા સાવ ઘટી જાય છે અને ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મળતા નથી. આંબાના બગીચા ધરાવતા ખેડૂતો કહી રહ્યા છે કે જો આ માવઠું લંબાયું તો આ વર્ષે કેસર કેરીના વ્યવસાય સાથે જોડાયેલા હજારો પરિવારો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. જૂનાગઢ જિલ્લાના વંથલી, માણાવદર, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ભેસાણ સહિતના તાલુકાઓમાં પણ ગઈકાલથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ગમે ત્યારે મેઘરાજા ખાબકશે તેવો ડર સતત સતાવી રહ્યો છે. વાતાવરણના આ પલટાથી જગતના તાતની મુશ્કેલીઓમાં એક નવો ઉમેરો થયો છે. સ્થાનિક કિસાન નેતાઓએ સરકાર અને વહીવટી તંત્રને અપીલ કરી છે કે, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ જો આ માવઠાના કારણે આગામી દિવસોમાં પાકને નુકસાન થાય, તો તંત્ર દ્વારા ત્વરિત સર્વે કરાવીને જગતના તાતને યોગ્ય વળતર અને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ અત્યારથી જ ઊઠવા પામી છે. હાલ તો, કુદરતના બદલાતા મિજાજ સામે લાચાર બનેલો સોરઠનો ખેડૂત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે અને પ્રાર્થના કરી રહ્યો છે કે આ કમોસમી આફત ટળી જાય, જેથી તેની વર્ષભરની કાળી મજૂરી એળે ન જાય.
- Advertisement -
સૌરાષ્ટ્રના અનેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો



