શાસ્ત્રી મેદાન પાસે રૂા. 2.5 કરોડના ખર્ચે મધ્યાહન ભોજનના ઉપયોગ માટે મધ્યવર્તી આધુનિક રસોડુ કાર્યરત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાળા નં. 9 સુચક શાળા, શાસ્ત્રી મેદાન પાસે રૂા. 2.5 કરોડના ખર્ચે મધ્યાહન ભોજનના ઉપયોગ માટે મધ્યવર્તી આધુનિક રસોડુ કાર્યરત છે. વિશેષમાં કોરોના કાળ પૂર્વે આ રસોડાથી રાજકોટ મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ અને પોષણયુક્ત ખોરાક પુરો પાડવામાં આવતો હતો. કોરોના કાળમાં બંધ રહેલી શાળાઓ હવે ખુલી ચૂકી છે અને આજથી બાળકોને ખોરાક પહોંચાડવાનું શરૂ કરવામાં આવેલ છે. આ સેન્ટ્રલાઈઝ્ડ રસોડાની સ્ટીમ કુકીંગ સિસ્ટમ દ્વારા 35000થી 40000 વિદ્યાર્થીઓ માટે હાઈજેનિક પદ્ધતિથી ઓછા સમયમાં શુદ્ધ અને સાત્ત્વિક રસોઈ બની શકે છે. આ આધુનિક રસોડામાં કટીંગ મશીન, લોટ દળવાનું મશીન, દાળ, ચોખા, ઘઉં સફાઈ કરવાનું મશીન, ઈડલી-ઢોકળા બનાવવાનું મશીન તથા વોટર સ્ટીમ ટેન્ક, રોટલી શેકવા માટે હોટ પ્લેટ વગેરે સુવિધા સામેલ છે.
સરકારની સૂચના અનુસાર આજથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કુલ 89 પ્રાથમિક શાળાઓ (ધોરણ 1થી 8)ના બાળકોને ભોજન પહોંચાડવાનું શરૂ કરવામાં આવેલ છે. આમ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના 18000થી વધુ બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાનું શરૂ કરેલ છે તેમ મેયર ડો. પ્રદિપ ડવએ અંતમાં જણાવ્યું હતું.


