કચરા જેવું ગટરનું કામ
હાઈટેક બોક્સ કન્વર્ટમાં નિમ્ન કક્ષાની રેતી, સિમેન્ટ, સ્ટીલ સાથે ધૂળ ભેળવી થતું હલકી કક્ષાની ગટરનું નિર્માણ
4 કિલોમીટર લાંબી અને 550 કરોડની હાઈટેક બોક્સ કન્વર્ટ ગટરના કામમાં મોટી ગોલમાલ
રાજકોટ શહેરનાં રૈયા રોડ ઉપર નવું રેષકોર્સ અને સ્માર્ટ સીટી બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સ્માર્ટસીટીના અનેક પ્રોજેક્ટ સાકાર લઈ રહ્યા છે ત્યારે આ વિવિધ પ્રોજેક્ટમાં થયેલી ગોલમાલ અંગે ખાસ-ખબર દ્વારા ચોંકવનારો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના રૈયાગામથી લઈ બીજા રિંગ રોડ સુધી 4 કિલોમીટર જેટલા વિસ્તારમાં આશરે 550 કરોડ રૂપિયાના ખર્ચે બોક્સ કન્વર્ટ ગટર નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. 550 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટની કામગીરી એલ એન્ડ ટી કંપની પાસે છે. એલ એન્ડ ટી કંપની દ્વારા આ બોક્સ કન્વર્ટ ગટર નાખવાની કામગીરીમાં ગોલમાલ આંચરવામાં આવી રહી છે. ખાસ-ખબરના રિયાલિટી ચેકમાં એલ એન્ડ ટીનું ગટર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
ધૂળ-કચરાવાળી અને ચાળ્યા વગરની રેતીથી બનવવામાં આવી રહેલા, હલકા સિમેન્ટ, ચૂના તેમજ સ્ટીલ વગરના ગટરના બોક્સ બનાવી તેને હાઈટેક બોક્સ કન્વર્ટ ગટરમાં ખપાવી દેવાનું એલ એન્ડ ટીનું ગટર કૌભાંડ સ્માર્ટ સિટીનાં સમગ્ર પ્રોજેક્ટને નિષ્ફળ બનાવી શકે તેમ છે. એલ એન્ડ ટી પાસે સ્માર્ટ સિટીનાં રસ્તે ગટર નાખવાની જે કામગીરી છે તેમાં મોટાપાયે ઘાલમેલ કરવામાં આવી રહી છે. ‘ખાસ-ખબર’ દ્વારા આ અંગે વધુ પુરાવા સાથેનો વિસ્તૃત અહેવાલ હવે પછી પ્રસ્તુત કરવામાં આવશે.
- Advertisement -
સ્માર્ટ સિટીમાં પણ ગટર ઉભરાતી અને ગંધાતી હશે!
રાજકોટનાં રૈયારોડ ઉપર વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં અનેક કામો શરૂ કરવામાં આવ્યા છે. જે કામો પૈકીનું એક કામ બોક્સ કન્વર્ટ ગટરનું છે અને આ કામનું ટેન્ડર એલ એન્ડ ટી નામની કંપની પાસે છે. એલ એન્ડ ટી નામની કંપની હાઈટેક ગટરનાં જે બોક્સ કન્વર્ટ છે તેમાં નિયમ મુજબ માલ-મટીરિયલનો ઉપયોગ કરી રહી નથી તેથી જ્યારે ભવિષ્યમાં સ્માર્ટ સિટીમાં અને તેના રસ્તે પણ ગટર ગંધાતી અને ઉભરાતી જોવા મળે તો નવાઈ નહીં.
એલ એન્ડ ટી દ્વારા રૈયારોડ પર ગટર બનાવવામાં અતિ નિમ્ન કક્ષાની ગુણવત્તાનાં માલ-મટીરીયલનું ઉત્પાદન થઈ રહ્યાનો રિયાલિટી ચેકનો વીડિયો જોવા અહીં ક્લિક કરો..


