સોની પરિવારનો માળો વિંખાયો
11 પાનાંની સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરનાર સોની વેપારીના પત્ની અને બે બાળકો નોંધારા બન્યા
રૂા. 75 લાખ સંબંધના દાવે અને રૂા. 37 લાખ સોના ઉપર બે ટકા લેખે વ્યાજે આપેલ હતા જેમાં લેનાર પાર્ટીએ વ્યાજવટાવના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકીથી સોની વેપારીનું સ્યુસાઈડ
મુન્નો સાંઢવાયા નામના શખ્સે આજી ડેમ પોલીસમાં ખોટી અરજીના આધારે વેપારી પાસે 11 લાખ રૂપિયા પડાવ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં સોની કામ સાથે સંકળાયેલા વેપારીઓ રૂા. 75 લાખ સંબંધના દાવે અને રૂા. 37 લાખ સોના ઉપર બે ટકા લેખે 8 લોકોને વ્યાજે આપેલ હતા, જેમાં લેનાર પાર્ટીએ ષડયંત્ર રચી વ્યાજવટાવના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂા. 37 લાખનું સોનુ પૈસા આપ્યા વિના પરત આપી દેવાના દબાણથી સોની વેપારીએ ઝેરી દવા પી સ્યુસાઈડ કરતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હતું અને મૃતક સોની વેપારી પાસેથી 11 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવતાં પોલીસે આ ગુનામાં ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે ઉપરાંત આ બનાવમાં નાણા લેનાર મુન્નો સાંઢવાયા નામના શખ્સે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી કરી વેપારી પાસે રૂા. 11 લાખ પડાવી લીધા હતા.
શહેરના હુડકો પોલીસ ચોકીની બાજુમાં રહેતાં અને સોની બજારમાં મારૂતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં રમેશભાઈ મોરારજીભાઈ લોધીયા (ઉ.વ.47) નામના સોનીએ આજથી 12થી 13 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા ત્યારે તેમનો પરિચય શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા અને કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા સાથે થયો હતો.
- Advertisement -

આ બંનેએ સોની વેપારી રમેશભાઈની પત્ની વૈરાગીનું ક્ધયાદાન કર્યું હતું જેથી સમય જતાં સંબંધ વધુ ગાઢ બનતાં સોની વેપારી રમેશભાઈએ કટકે-કટકે સંબંધના દાવે કૃષ્ણસિંહ અને શોભનાબાને 75 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં આ ક્ષત્રિય દંપતિને વધુ નાણાની જરૂર હોવાથી તેને સોની વેપારી રમેશભાઈને જણાવ્યું હતું ત્યારે રમેશભાઈએ કહ્યું કે હાલમાં મારા પાસે રૂપિયા નથી, ત્યારે ક્ષત્રિય દંપતિએ સોના ઉપર પૈસા લેવાનું જણાવ્યું હતું જેની બજાર કિંમત 37 લાખ રૂપિયા જેટલી થતી હોવાથી સોની વેપારીએ ક્ષત્રિય દંપતિ પાસેથી લીધેલા સોના ઉપર 21 લાખ રૂપિયાની લોન કરાવી અને 16 લાખ રૂપિયા સગા-સંબંધીઓ પાસેથી સંબંધના દાવે લઈ ક્ષત્રિય દંપતિને 37 લાખ રૂપિયા બે ટકા લેખે વ્યાજે આપ્યા હતા. બાદમાં આ ઘટનામાં શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિવ્યાબા દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા, મુનાભાઈ સાંઢવાયા વારા, જગુભાઈ કાળમડી, ભુપતભાઈ ઉર્ફે (ભોપભાઈ) સહિત 8 વ્યક્તિઓ સાથે મળી સોની વેપારી પાસે મૂકેલ સોનુ 37 લાખ રૂપિયા ચૂકવ્યા વિના પરત આપી દેવાનું દબાણ શરૂ કર્યું હતું.
- Advertisement -

આ સમય ગાળા દરમિયાન ક્ષત્રિય દંપતિએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં સોની વેપારી વ્યાજવટાવનો ધંધો કરતા હોવાની અરજી કરી હતી ત્યારે મુન્નાભાઈ સાંઢવાયાએ સોની વેપારીને ધમકાવી 11 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં નાણાં આપ્યા વિના સોનુ પરત આપવાનું દબાણ સોની વેપારી પર કરતાં હતા અને આ બનાવ અંગેની પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી ફીટ કરી દેવામાં આવશે તેવું સોની વેપારીએ લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું. વેપારીને મળી રહેલી સતત ધમકી અને દબાણને લીધે પોતાના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમય ગાળા દરમિયાન તેણે લખેલી 11 પાનાની સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. સારવાર દરમિયાન સોમવારના રોજ સોની વેપારીનું મૃત્યુ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



