કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રાવણ શિવને પ્રિય છે અને શિવ તો આદિદેવ.. સહુથી પ્રાચીન દેવ. અસુર હોય કે ભૂતપ્રેત બધા શિવ માટે સરખા. એટલે શ્રાવણ પણ જેમ શિવને પ્રિય એમ સર્વને પ્રિય છે.
- Advertisement -
સામાન્ય રીતે હિન્દૂ નીતિરીતિથી દૂર રહેતા અને એનો પરોક્ષ અને સૂક્ષ્મ વિરોધ કરતા રહેતા બોલીવુડે પણ શ્રાવણને બહુ લાડ લડાવ્યા છે. સાવનને લગતા ગીતો અને ફિલ્મોના નામની ભરમાર જોવા મળે છે. સાવનના ઝૂલા અને સાવનના મેલા ગીતોના પ્રિય વિષય રહયા છે.
રીમઝીમ વરસતો વરસાદ શ્રાવણની આગવી લાક્ષણિકતા… “શ્રાવણે સરવરીયા” એવી દેશી ઉક્તિ પણ જણાવે છે કે શ્રાવણે તડામાર વરસાદ નહિ વરસે , બસ રીમઝીમ ઝરમર વરસતો રહેશે, આકાશ ઘનશ્યામ રંગનું રહેશે, હવામાં ભેજ માપસર રહેશે. ના સૂર્ય દેખાશે, ના ચન્દ્ર કે ના તારાઓ. બાસુ ચેટર્જી નિર્મિત મંઝિલ ફિલ્મનું રીમઝીમ ગીરે સાવન એક આઇકોનિક ગીત ગણાય છે, જેમાં શ્રાવણના ઝરમર વરસાદમાં અમિતાભ અને મૌશમી ચેટર્જી કોઈ છત્રી કે રેઇનકોટ વિના બસ ભ્રમણ કરતા રહે છે અને પલળ્યા કરે છે, ગીતમાં કોઈ નૃત્ય નથી, નખરા નથી, કોઈ આડંબર નથી, બસ ફરતા ફરતા પલળવાનું છે પણ એમાંય પ્રેમી પ્રેમિકા વચ્ચેનો નિર્દોષ નિર્વિકાર સહજ પ્રેમ દેખાઈ જાય છે.
આ ગીતમાં બીજા વરસાદી ગીતોની જેવો કોઈ વિકાર નહિ દેખાય, કોઈ માદકતા પણ નહિ દેખાય.. દેખાશે કેવળ પ્રેમી અને પ્રેમિકાનો રોમાન્સ, નિર્વિકાર પ્રેમ. કેમકે ગીત શ્રાવણનું છે અને નિર્દેશક બાસુ ચેટર્જી અને સીનેમેટોગ્રાફર કે કે મહાજન જેવું શ્રાવણનું ફિલ્માંકન કદાચ કોઈ કદી કરી શકશે નહિ. કેમકે આવું અદભુત ફિલ્માંકન કરવા માટે બાસુદા જેવી દ્રષ્ટિ અને શ્રાવણની સમજણ જોઈએ.
- Advertisement -
શ્રાવણ શિવ જેવો સ્થિર છે. નથી એમાં ઠંડી, નથી ગરમી, નથી બફારો, નથી વરસાદનો આડંબર. શ્રાવણ પણ ધરતી સાથે રોમાન્સ કરતો હોય એમ એને પ્રેમથી સીંચે છે. એને લીલી ચૂંદડી ઓઢાડી દે છે. અમિતાભ મૌશુમીનો રોમાંસ ગીતમાં સહજ છે તે બાસુ દા અને મહાજન સાથે સાથે શ્રાવણની પોતાની પણ કમાલ છે.
શ્રાવણમાં નથી ચન્દ્ર દેખાતો નથી સૂર્ય. વાદળો વચ્ચે બેય છુપાયેલા રહે છે. તંત્ર શાસ્ત્ર કહે છે કે જ્યારે સૂર્ય કે ચન્દ્ર બેમાંથી એકેય સ્વર (શ્વાસ) ના ચાલતો હોય ત્યારે, અર્થાત ડાબું ને જમણું બેય નાકના ફોયણા એકસાથે ચાલતા હોય, બેમાંથી એકેય સ્પષ્ટ રીતે ના ચાલતું હોય ત્યારે સુષુમ્ણા નાડીમાં સ્વર વહે છે. સુષુમ્ણાનો સ્વર દેવાધિદેવ મહાદેવનો સ્વર કહેવાય છે. સુષુમ્ણા ને કર્મ વિનાશિની કહી છે. સુષુમ્ણા નાડીમાં શ્વાસ ચાલે ત્યારે આરામ, ઈશ્વર ઉપાસના, વ્રતો, મંત્ર જાપ, બંદગી કરવાની હોય છે. શ્રાવણમાં સૂર્ય અને ચન્દ્ર બેય દેખાતા નથી તેથી ત્યારે શારીરિક કે બૌદ્ધિક બેમાંથી એકેય કામ કરવાનો નિષેધ હોય છે. આ કારણે શ્રાવણ તહેવારો, મેળાઓ, વ્રતો, ઉપાસના અને ઉપવાસનો મહિનો ગણાય છે. ભારતમાં એકેય તહેવાર ભોગ વિલાસ માટેનો નથી. તહેવારોમાં ભોગ વિલાસ ઘુસાડવાનું કામ પાંચસો વર્ષ પહેલા શરૂ થયું છે અને હવે તો આપણા સૂર્ય અને ચન્દ્રની કલાઓ ઉપર આધારિત તહેવારો ભોગવિલાસના તહેવારો બની ગયા છે. પણ સદ્ભાગ્યે શ્રાવણના તહેવારો આધુનિકતાથી અભડાયા નથી. શ્રાવણના દરેક તહેવાર ઉપર ગ્રંથ તૈયાર થાય એટલું લખાય એમ છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, નાગ પાંચમી આ બધા માત્ર તહેવારો નથી, આ બધા જીવંત ઇતિહાસ છે. આપણા પૂર્વજોએ બહુ જતનથી ડિઝાઇન કરેલી જીવનશૈલી છે. આપણા તહેવારો અમેરિકનો કે યુરોપિયનોની જેમ દારૂ પીવા માટેના કે છાકટા થવા માટેના ઉપાયો નથી.
શ્રાવણમાં શાંત થવાનું હોય એનું જ્ઞાન પ્રાણીઓને પશુપતિનાથ શિવે ઓલરેડી આપેલું છે. આથી શ્રાવણ આવતા સુધીમાં તેઓ મેટિંગ (પ્રજોત્પતિ) કાર્ય બંધ કરી છે. પુરુષોના શુક્રકોષોની ગુણવતા શ્રાવણમાં નબળી હોય છે તે એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે. વૈશાખની ભારે ગરમી બાદ જેઠ અને અષાઢ એમ બેય મહિના અસહ્ય બફારો અને રોગચાળાના મહિના હોય છે. પણ શ્રાવણ આવતા સુધીમાં રોગચાળા અને બફારો જતા રહે છે. એક્ધદરે સમ વૃત્તિ વાળી શાંત, નીરવ, નિવૃત, પ્રવૃત્તિરહિત સૃષ્ટિના દર્શન આપણને થાય છે. જાણે આખી સૃષ્ટિ પોરો ખાય છે, પોઝ લે છે. ભાદરવે વળી તાપ અને વરસાદ ભેગા થઈને રોગચાળા જન્માવે છે.
ગરમીના વેકેશન તો અંગ્રેજોએ પાડયા. શ્રાવણ અસલ ભારતનું વેકેશન છે. શ્રાવણ મેળામાં મહાલવાનો, ઝૂલા ઝૂલવાનો, ફળો ખાવાનો, ઘર સાથે વિતાવવાનો સમય છે. સાવન કે ઝૂલો ને મુઝકો બુલાયા ગાઈને પરદેશ કમાવા ગયેલો માણસ વેકેશન ગાળવા તો પોતાના દેશ પાછો આવે છે.
તહેવારોમાં ખર્ચાતા નાણાં થકી બજાર અને સહુના ખિસ્સા ગરમ રહે તે તહેવારોનો ઉદ્દેશ્ય નથી. તે માત્ર એક ઝીણો એવો આડલાભ છે. તહેવારોનો ઉદ્દેશ્ય બ્રહ્માંડના લય સાથે આપણો લય સેટ થાય તે છે. શ્રાવણના તહેવારો આ બ્ર્હ્માંડી સ્વર સાથે આપણો સ્વર મેળવવા માટેના અવસર છે. એક આગમ શાસ્ત્રમાં શિવ પાર્વતીને કહે છે કે જે સ્વરનું જ્ઞાન મેળવે છે એને અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી રહેતી અને જેને સ્વરનું જ્ઞાન નથી તેનું બાકીનું સઘળું જ્ઞાન વ્યર્થ છે.શ્રાવણ અને દર મહિને આવતી પ્રતિપદા ની આગલી રાત્રે આવતી શિવરાત્રી બેય સ્વર સાધવાના સમય છે. શ્રાવણ ભારતનું સાચું પ્રાચીન રાષ્ટ્રીય વેકેશન છે અને અમાસ ભારતની સાચી પ્રાચીન રાષ્ટ્રીય રજા છે.