સંજયનગર હોકર્સઝોનના 250થી વધુ વેપારીઓનો આક્ષેપ
હોકર્સઝોન તોડાયા બાદ વેપારીઓ રોજગાર વિહોણા, મનપા પાસે ન્યાયની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સંતકબીર રોડ પર આવેલા સંજયનગર હોકર્સઝોનના વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા 20થી 25 વર્ષથી સરકારના નિયત નિયમો અને ધારાધોરણો મુજબ ધંધો કરતા વેપારીઓને માર્કેટના રીનોવેશનના નામે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. વેપારીઓએ મનપાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સંજયનગર વિસ્તારમાં આવેલા ચારેય હોકર્સઝોન ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા નવા થડા બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી, જેના આધારે વેપારીઓએ સહકાર આપી જગ્યા ખાલી કરી હતી. જોકે, બાદમાં સમગ્ર હોકર્સઝોન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું અને વેપારીઓને રોજગાર માટે કોઈ અન્ય સ્થળ ફાળવવામાં આવ્યું નથી.
વેપારીઓના જણાવ્યા મુજબ, આ હોકર્સઝોન સાથે અંદાજિત 250થી વધુ નાના ધંધાર્થીઓ અને તેમના પરિવારની રોજીરોટી જોડાયેલી છે. મોટા ભાગના વેપારીઓ માત્ર આ જ વ્યવસાય પર નિર્ભર હોવાથી તેઓ અન્ય કોઈ વ્યવસાય કે રોજગાર કરી શકતા નથી. પરિણામે છેલ્લા દોઢ માસથી અનેક વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
હાલની પરિસ્થિતિમાં ઘણા વેપારીઓ રસ્તા પર અથવા અન્ય અસ્થાયી જગ્યાઓ પર ધંધો કરવા મજબૂર બન્યા હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. વેપારીઓએ મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે તેમને તાત્કાલિક વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેમજ હોકર્સઝોનની યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે. વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી નિયમિત રીતે વેપાર કરતા આવ્યા છીએ અને મનપાના વિકાસકાર્યોમાં સહકાર પણ આપ્યો છે. હવે અમારી રોજીરોટી બચાવવા માટે મનપા યોગ્ય નિર્ણય લે તેવી આશા છે.
હોકર્સઝોન વેપારીઓની આ રજૂઆત બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર વેપારીઓની નજર ટકેલી છે.



