મોરબીમાં જૂન મહિનાથી ચોમાસુ સિઝન શરૂ થયા બાદ સમયાંતરે હળવાથી લઈ ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો હતો જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચકાતા તાવ શરદી ઉપરાંત દૂષિત પાણીથી થતા રોગે પણ માથું ઉંચક્યું હતું. મોરબી જીલ્લાના વિવિધ પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ સિવિલ હોસ્પિટલ મળી કુલ 1,58,576 દર્દીઓ અલગ અલગ બીમારીની સારવાર માટે આવ્યા હતા જેમાં મહદ અંશે તાવ શરદી જેવી સીઝનલ બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળ્યું હતું. મોરબીની વિવિધ સરકારી હોસ્પિટલ, પીએચસી, સીએચસી વગેરેમાં બે મહીના દરમિયાન 5337 જેટલા દર્દી સતાવાર રીતે નોંધાયા હતા તો ખાનગી ક્લિનિકમાં પણ મોટા પાયે દર્દીઓ જોવા મળ્યા હતા. વાયરલ ઈન્ફેક્શન સાથે સાથે મોરબીમાં દૂષિત પાણી પીવાથી ઝાળા ઉલટી અને ટાઈફોઈડ જેવી બીમારીએ પણ માથું ઉંચક્યું હતું.
મોરબી જીલ્લામાં ઝાડા ઉલટીના જુલાઈ મહિનામાં 1500 અને ઓગસ્ટમાં 1469 કેસ મળી કુલ 2969 કેસ નોંધાયા હતા જયારે ટાઈફોઈડના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો જેમાં જુલાઈ મહીનામાં 29 અને ઓગસ્ટમાં 29 એમ કુલ 58 કેસ નોંધાયા હતા. મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જૂન અને ઓગસ્ટ મહિના દરમિયાન ફોગીંગ દવા છંટકાવ અને સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવતા હાલ મચ્છરનો ઉપદ્રવ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યો હતો જેની અસર મચ્છરજન્ય બીમારીમાં જોવા મળી છે. આ વર્ષે મેલેરીયા અને ડેંગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો છે. મોરબીમાં ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કુલ 45 મેલેરિયાના કેસ આવ્યા હતા જોકે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટમાં 128 કેસ નોંધાયા હતા. આમ ચાલુ વર્ષે 83 કેસનો ઘટાડો આવ્યો છે.



