ખાસ-ખબર સંવાદદાતા
ઔદ્યોગિક નગરી મોરબી હવે નશાની નાગચૂડમાં ફસાઈ રહી હોય તેવા અનેક કિસ્સા ઘણાં સમયથી પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોરબી માળીયા નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીકથી 10 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે.
રાજયમાં નશીલા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ બંધ કરવા તેમજ ગેરકાયદે હેરાફેરી પર પણ અંકુશ લાવવા એનડીપીએસના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અન્વયે એસપી ત્રિપાઠીની સૂચનાથી આવા કેસો શોધી કાઢવા મોરબી એસઓજી ટીમ તપાસ કરી રહી હતી તે દરમિયાન એસઓજીને બાતમીને મળી હતી કે, એક શખ્સ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે આવનાર છે. તેને શરીરે કાળી ચેકસ ડીઝાઇનવાળો શર્ટ તથા આછું કાળુ જીન્સનું પેન્ટ પહેરેલ છે અને તેની ડાબી આંખમાં ખોટ છે જેની પાસે માદક પદાર્થ એમ.ડી. પાવડરનો જથ્થો છે જેથી મોરબી એસઓજી ટીમ મોરબી-માળીયા નેશનલ હાઈવે ઉપર માળીયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે બાતમીવાળા ઇસમની વોચમાં હતી તે દરમિયાન બાતમીવાળો શખ્સ આવતા તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ દેવીલાલ મગારામ સેવર રહે. ખારા મહેયાનમ, તા. સેણદ્રી જી. બાડમેર, રાજસ્થાનવાળો હોવાનું જણાવ્યું હતું બાદમાં તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો 100 ગ્રામ (કીં.રૂ. 10 લાખ) જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી દેવીલાલની ધરપકડ કરી 10 લાખના ડ્રગ્સ સહીત એક મોબાઈલ અને રોકડા રૂપિયા 4580 મળી કુલ રૂપિયા 10,09,580 નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ માળીયા મિંયાણા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ અન્વયે ગુન્હો નોંધીને આરોપી મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો ? કોને-કોને વેચ્યો ? સહિતની કડક પૂછપરછ હાથ ધરી છે.