શહેર કૉગ્રેંસ પ્રમુખ ડૉ.રાજદીપસિંહ જાડેજાની જિલ્લા કલેક્ટર અને DDOને રજૂઆત
અનેક જિલ્લામાં રજા જાહેર થયા બાદ રાજકોટમાં પણ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા રજૂઆત
- Advertisement -
સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરવાની માંગ ઉઠી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે (શનિવારે) રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્પષ્ટ આગાહી હોવા છતાં હજુ સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીના મુદ્દે આ બાબત ગંભીર હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
અરજદારોનું કહેવું છે કે અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સમયસર નિર્ણય લેવો જરૂરી છે જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં.
- Advertisement -
રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું છે કે ભારે વરસાદ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા તેમજ અકસ્માત જેવી સંભવિત પરિસ્થિતિઓ વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ બની શકે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવી જોઈએ.
આ સાથે જિલ્લા કલેક્ટર અને સંબંધિત વહીવટી તંત્રને વિદ્યાર્થીઓના હિત અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે. રજૂઆતમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સમયસર નિર્ણય લઈ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરશે.




