બૅન્કનાં પૂર્વ જનરલ મેનેજર (સ્વ.) C.M. તારપરાની કથિત ઑડિયો ક્લિપમાં સ્ફોટક વિગતો: ક્લિપ જો સાચી હોય તો રાદડિયા પરિવાર માટે શરમજનક
RDC બૅન્કનાં ભડભડતાં વિવાદમાં પેટ્રોલ રેડાય એવી તારપરાની ક્લિપ : ઑડિયો મુજબ બૅન્કનું આખું તંત્ર જ સડેલું !
- Advertisement -
(સ્વ.) વિઠ્ઠલ રાદડિયાનાં વખતથી જ ચાલી આવે છે પરંપરા : RDC બૅન્કની ભરતી અંગે ઊંડી તપાસ થાય તો અનેકની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય !
ઓડિયો લિંક સાંભળવા માટે અહીં ક્લીક કરો
https://www.youtube.com/watch?v=fxy22_6lA0k&t=1s
- Advertisement -
RDC – રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક – રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં અંદાજે નવસો જેટલા કર્મચારીઓની ભરતીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનો આરોપો-પ્રત્યારોપોનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ખાસ-ખબરને એક એવી ઓડિયો ક્લિપ મળી આવી છે જેમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં આચરવામાં આવતા ભરતી કૌભાંડો વિશે તે બેંકના જ મેનેજર સી.એમ. તારપરા અને વકીલ સાથે ચર્ચા કરી સમગ્ર વિગત આપી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ એ વાત પુરવાર કરે છે કે, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. આ સહકારી બેંકને પરિવારવાદનું ગ્રહણ લાગ્યા બાદ અહીં એકપણ વ્યવહાર વહિવટ વગર થતા નથી.
ખાસ-ખબરને મળી આવેલી ઓડિયો ક્લિપ પરથી રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં વર્ષોથી પટ્ટાવાળાઓની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવે છે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. આ ભરતી કૌભાંડ દ્વારા રાદડિયા પરિવારે કરોડો રૂપિયા કમાયાનું પણ જાણવા મળે છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ભૂતપૂર્વ ચેરમેન વિઠ્ઠલ રાદડિયા હતા ત્યારે વર્ષ 2002માં જ બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને સોંપી દેવામા આવી હતી. જે નિયમથી એકદમ વિરૂદ્ધ હતું. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં ઘરની ધોરાજી જેવા નિયમ બનાવી જયેશ રાદડિયાએ પૈસા લઈ પટ્ટાવાળોઓનું ભરતી કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ ત્રણ માસના રોજમદાર તરીકે ઉમેદવારની પટ્ટાવાળા તરીકે ભરતી કરવામાં આવતી હતી અને એક વર્ષ બાદ તેને કાયમી કરીને પાંચ વર્ષ બાદ તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવામાં આવતા હતા.
રાદડિયાનાં બે નંબરના રૂપિયા જાય છે ક્યાં?
રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ જનરલ મેનેજર સી.એમ. તારપરાની કથિત ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે, જયેશ રાદડિયાના કાળા કારોબારના બે નંબરના રૂપિયા રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના એક લોકરમાં જમા થાય છે. જયેશ રાદડિયાનો તમામ કાળા કારોબારના જે બે નંબરના નાણા આવે છે તે નાણાનો વહિવટ મેનેજર સખીયા અને ડ્રાઈવર મગન કરે છે. માત્ર ભરતી કૌભાંડના જ નહીં, જમીનોથી લઈ નાના મોટા હવાલાનાં રૂપિયા જયેશ રાદડિયા ડિસ્ટ્રીક્ટ બેંકના એક અતિ ખાગની લોકરમાં જમા કરે છે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરે છે એવું ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે. આ ઓડિયો ક્લિપની વધુ તપાસ કરી સરકારી સંસ્થાઓએ ડિસ્ટ્રીક્ટ બેંકમાં હકિકતમાં આવું કોઈ લોકર છે કેમ તેની તપાસ હાથ ધરવી જોઈએ.
તારપરાની ઑડિયો ક્લિપ જૂની: પરંતુ તેનાંથી તથ્યો બદલાતાં નથી
સી. એમ. તારપરાનું કોરોનામાં અવસાન થઈ ચૂક્યું છે. બેશક, આ ઑડિયો ક્લિપ જૂની છે પરંતુ તેનાંથી તથ્યો બદલાઈ જતાં નથી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બન્કનો વહિવટ દસકાઓથી આવી જ રીતે ચાલે છે- તેવો ગણગણાટ હતો જ. જાણકારોને તમામ વાતનો ખ્યાલ જ હતો. પરંતુ હવે પુરાવારૂપે આવેલી ક્લિપ ભૂકંપ સર્જે તેવી શક્યતા છે.
સી.એમ. તારપરાની ક્લિપની ફોરેન્સિક તપાસ જરૂરી
છઉઈ બન્કનાં ભૂતપૂર્વ જનરલ મેનેજર સી. એમ. તારપરાની ઑડિયો ક્લિપમાં જે આક્ષેપો છે તે ખરેખર ગંભીર છે. તારપરાનાં જૂના ઑડિયો સેમ્પલ સાથે આ ક્લિપને મેચ કરી, તેની ફોરેન્સિક જાંચ થવી જોઈએ. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
રોજમદાર તરીકે ભરતી કરાઈ છે અને પછી ક્લાર્ક બનાવી દેવામાં આવે છે!
રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને વર્તમાન ચેરમેન દ્વારા પટ્ટાવાળાની નિયમથી વિરુદ્ધ ભરતી કરવામાં આવી હતી. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા કોઈ જાહેરખબર આપ્યા વગર રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા વગર કે કોઈ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર દરેક ઉમેદવારની 3 માસના રોજમદાર તરીકે પટ્ટાવાળા તરીકે ભરતી કરાઈ છે. એક વર્ષ બાદ તેને કાયમી કરાતા હતા અને પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવાતા હતા. આ સિવાય પોતાના માનીતા-જાણીતા લોકોને બેંકમાં લેવા માટે તે લોકો જેટલી લાયકાત ધરાવતા હતા તેનાથી ઓછી લાયકાતવાળાનાં જ ફોર્મ સ્વીકારવામાં આવતા હતા. જેથી કોઈ વિરોધ કરી કે વાંધો ઉઠાવી ન શકે.


