મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીની મુદ્દત આપી, અમેરિકન નાગરિક છેઃ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનમાં જોડાયો હતો
એક્ટર ઇમરાન ખાનને મુંબઈ પોલીસે નોટિસ જારી કરીને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાના નિર્દેશ આપ્યા છે. ઈમરાન ૧૦ ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને યોજાયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. અભિનેતા ઈમરાન ખાન આમિર ખાનના ભાણેજ છે. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને ૧૦ ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા. તેઓ રર-૨૩ જુલાઈએ નીટ પેપર લીકના વિરોધમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઈમરાન ભારતીય નાગરિક નથી અને તેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ મામલે તેમની વિરુદ્ધ ઈમિગ્રેશન એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઈમરાનનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિનમાં થયો હતો. જન્મથી જ તેમની પાસે અમેરિકાની નાગરિકતા અને અમેરિકન પાસપોર્ટ છે. તેઓ કાયદેસર રીતે ભારતના નાગરિક નથી. ભારતમાં રહેવા અને કામ કરવા માટે તેઓ ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતમાં વિદેશી નાગરિકોના પ્રવેશ, રહેઠાણ અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, ૨૦૨૫ લાગુ છે. આ કાયદા હેઠળ સરકાર વિદેશી નાગરિકોના ભારતમાં રહેવા અને તેમની પ્રવૃત્તિઓ પર શરતો મૂકી શકે છે. જો કોઈ વિદેશી નાગરિક લાગુ નિયમો અથવા વિઝાની શરતોનું ઉલ્લંઘન કરે તે તેની સામે કાર્યવાહી કરી શકાય છે.




