RMC અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વચ્ચે ઐતિહાસિક MoU થયાઃ નાગરિકને પોતાના ઘરથી ૧૫ મિનિટના અંતરે યોગ કેન્દ્ર મળી રહે તેવું આયોજન કરાયું
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીને માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા, નગરજનોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. યોગને નાગરિકોના દૈનિક જીવનનો ભાગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ હવે સમગ્ર ભારત દેશનું સર્વપ્રથમ “૧૫ મિનિટ યોગ સિટી” બનવાનું બહુમાન મેળવી ચૂક્યું છે. આ નવતર પહેલ અંતર્ગત શહેરના અલગ-અલગ ૪૧૯ સ્થળોએ નિયમિત યોગ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં આજે સવારે મોટી સંખ્યામાં નાગરિકોએ નિઃશુલ્ક યોગ સેવાનો લાભ લીધો હતો. આ મહત્વાકાંક્ષી યોજનાના અમલીકરણ માટે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જાહેર બગીચાઓ, પાર્ક, કોમ્યુનિટી હોલ, વોર્ડ કક્ષાના કેન્દ્રો, ઓપન સ્પેસ તથા અન્ય જાહેર ઉપયોગના સ્થળોની વ્યાપક ઓળખ અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત કુલ ૪૨૬ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી હાલના તબક્કે ૪૧૯ સ્થળોએ નિયમિત યોગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. બાકીના સ્થળોએ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થયેથી ટૂંક સમયમાં યોગ પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવશે.




