રીના બ્રહ્મભટ્ટ
બેંક ટ્રેલ, ફેક બિલ અને ડોનેશન રિસીપ્ટના માધ્યમથી ચાલતી આ રમત પાછળ પોલિટિકલ ફંડિંગની પારદર્શિતા સામે ગંભીર સવાલો
- Advertisement -
કહેવાય છે કે, ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ, લગતા હૈ ઈલેક્શન આસપાસ હૈ..આ પંક્તિ ચૂંટણી સંદર્ભે આજેપણ જોવામાં આવે છે .કેમ કે, ચૂંટણી એટલે માત્ર લોકશાહીનો મોટો ઉત્સવ જ ક્યાંક નથી હોતો, લોકલાહણી નો સમય પણ હોય છે.જેમાંપણ સમાજના એક તબક્કામાં તો ચૂંટણી એટલે નાના નાના પ્રલોભનોમાં વહેંચાઈ જવું જેમાં ક્યાંક દારૂ કે નાણાં કે મિજબાનીઓ પણ તેમાં સામેલ હોય છે.ત્યારે લોકશાહીની ક્યાંક આ કાળી બાજુ છે કે જેમાં પ્રજા પોતે જ પોતાના નેતા તેના કરેલા કામોના એનાલિસિસ ના બદલે હજીપણ અનામત, જ્ઞાતિવાદ અને ફ્રી ચીજ વસ્તુની લ્હાણી સાથે હવે ફ્રિબીઝ તરફ નજર રાખી મતદાન કરે છે.વળી હવે તો આપણને આ ફ્રિબિઝની ટેવ પડી ગઈ છે.એટલે જ ચૂંટણીઓમાં અધધ નાણાંની રેલમછેલ થાય છે અને અધધ નાણા વગર કોઈ વ્યક્તિ કે સાચો સમાજ સેવક હોય તો પણ લોકનેતા નથી બની શકતો કે ચૂંટણી નથી લડી શકતો.પણ આ દોષનું ઠીકરું તમે રાજકીય પાર્ટીઓ કે નેતાઓને માથે જ ખાલી ન ફોડી શકો.આપણે પણ આ માટે એટલા જ જવાબદાર છીએ.તે ન ભુલીયે.આપણે પણ નાના નાના પ્રલોભનોમાં ક્યાંક ખરીદાઈ એ છીએ. નેતાઓનું મૂલ્યાંકન માત્રને માત્ર તેના લોકોની સુખાકારી અંગેના કામોને ધ્યાનમાં લઈને જયારે કરવામાં આવશે ત્યારે ખરા અર્થમાં ચૂંટણીઓ કે લોકનેતા ચૂંટવાનો આ અવસર સાકાર થશે.
બાય ધ વે, આમ તો પોલિટિકલ પાર્ટીઓને મળતું ડોનેશન લોકશાહી વ્યવસ્થાનો સામાન્ય અને કાયદેસર ભાગ છે. આપણે વિકસાવેલ પ્રણાલીઓ માટે જ ક્યાંક અને વળી ચૂંટણી યોજવાના અન્ય ખર્ચાઓને કારણે ઇલેક્શન લડવા માટે પોલિટિકલ પાર્ટીઓને ફંડની જરૂર પડે છે અને ડોનર્સ પાર્ટીઓને ડોનેશન પણ આપે છે. પરંતુ જ્યારે પોલિટિકલ ડોનેશનના નામે કરોડો રૂપિયાની લેવડદેવડ થાય, ડોનરને ટેક્સ બેનિફિટ મળે અને ત્યારબાદ એ જ નાણાંમાંથી મોટો હિસ્સો પાછો ફરતો હોવાના આરોપો ક્યાંક સામે આવે છે ત્યારે સવાલ માત્ર કોઈ એક પાર્ટી કે વ્યક્તિનો રહેતો નથી. સવાલ આખી પોલિટિકલ ફંડિંગ સિસ્ટમની ટ્રાન્સપરન્સી અને તેના પર થતી મોનિટરિંગનો અહીં બની જાય છે.
ત્યારે અહીં ચૂંટણીઓ વગર આ મુદ્દો ઉઠાવવાનો આશય તે છે કે, ગુજરાતમાં હાલ સામે આવેલા કેસમાં ગુજરાત પોલીસે કેટલાક રજિસ્ટર્ડ અનરિકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ એટલે કે આરયુપીપી સામે એફઆઈઆર નોંધી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદોના આધારે થયેલી આ કાર્યવાહી અંગે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ ત્રણ પોલિટિકલ પાર્ટીઓ દ્વારા કુલ આશરે ₹1,870 કરોડના કથિત બોગસ પોલિટિકલ ડોનેશનની ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ છે અને સરકારી તિજોરીને આશરે ₹560 કરોડનું કથિત નુકસાન થયું હોવાનો આરોપ છે. જોકે આ આંકડા એફઆઈઆર અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદોમાં કરવામાં આવેલા આરોપો પર આધારિત છે અને ઇન્વેસ્ટિગેશન હજુ ચાલુ છે.
- Advertisement -
આ કેસમાં ભારતીય નેશનલ જનતા દળ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટીનાં નામ સામે આવ્યા છે. પોલીસ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આરોપ મુજબ કેટલાક ડોનર્સે પોલિટિકલ પાર્ટીઓના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યાં, તેના બદલામાં ડોનેશન રિસીપ્ટ મેળવી અને ટેક્સમાં ડિડક્શનનો લાભ લીધો. ત્યારબાદ આ નાણાં વિવિધ કંપનીઓ અથવા સંકળાયેલી એન્ટિટીઝ મારફતે ફેરવવામાં આવ્યા અને કમિશન કાપ્યા પછી મોટાભાગની રકમ કેશમાં પાછી આપવામાં આવી હોવાનો આરોપ છે. કેટલાક કેસમાં ફેક બિલ અને ફેક ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થયો હોવાના પણ આક્ષેપ છે.
તેવામાં અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ પોલિટિકલ પાર્ટી ડોનેશન રિસીપ્ટ આપીને કોઈ વ્યક્તિને ટેક્સ બેનિફિટ અપાવે અને પછી એ જ પૈસાનો મોટો હિસ્સો કેશમાં પાછો ફરતો હોય, તો તેને ખરેખર પોલિટિકલ ડોનેશન કહી શકાય કે પછી ડોનેશન સિસ્ટમનો કથિત મિસયુઝ કહેવાય? તેનો ફાઇનલ જવાબ ઇન્વેસ્ટિગેશન અને કોર્ટ પ્રોસેસ બાદ જ મળી શકે. પરંતુ આ આરોપો એટલા ગંભીર છે કે પોલિટિકલ પાર્ટીઓને મળતા ડોનેશનની ટ્રાન્સપરન્સી અંગે ચર્ચા થવી સ્વાભાવિક છે.
તેવામાં અહીં વધુ રસપ્રદ બાબત એ છે કે આ પોલિટિકલ પાર્ટીઓ ઇલેક્શન પણ લડતી રહી છે.જેનો ઉદેશ્ય કદાચ આવા લાભ મેળવવાનો જ હોઈ શકે છે. જેના અહેવાલ અનુસાર તેમના કેન્ડિડેટ્સ ગુજરાતમાં 2017 પછીની વિવિધ ઇલેક્શનમાં મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ ઘણી બેઠકો પર પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા. એટલે સ્વાભાવિક સવાલ થાય છે કે જે પોલિટિકલ પાર્ટીની ઇલેક્ટોરલ પ્રેઝન્સ અત્યંત મર્યાદિત હોય, કોઈ નોંધ પણ આવી પાર્ટીઓની લેવાતી ન હોય તેમછતાં તેના એકાઉન્ટમાં આટલી મોટી રકમનું ડોનેશન કેમ અને શા માટે આવે? આ પ્રશ્નનો જવાબ ઇન્વેસ્ટિગેશનમાંથી જ બહાર આવવાનો છે.પણ શું આશય હશે તેવા સવાલો તો અહીં ઉઠે જ છે.
વિશેષમાં આ સમગ્ર મામલામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. કેટલાક સીએ દ્વારા પાર્ટીઓના એકાઉન્ટ્સ અને ઓડિટ રિપોર્ટ્સ સર્ટિફાઇ કરવામાં આવ્યા હોવાના આક્ષેપોની તપાસ થઈ રહી છે. ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની કડીઓ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બેંક ટ્રાન્ઝેક્શન, ડોનેશન રિસીપ્ટ, કેશ પરત કરવાના કથિત પુરાવા અને અન્ય ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ પણ તપાસના દાયરામાં છે.
તે સિવાય આ કેસમાં આંગડિયાઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી છે. આરોપ એવો છે કે પોલિટિકલ પાર્ટીઓના એકાઉન્ટમાં જમા થયેલા નાણાં કથિત બોગસ પરચેઝ અથવા એક્સપેન્સ બિલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા અને કમિશન બાદ બાકી રકમ કેશ મારફતે ડોનર્સ સુધી પાછી પહોંચાડવામાં આવી. અધિકારીઓ બેંક ટ્રેલ, ડોનેશન રિસીપ્ટ, આંગડિયા સ્લિપ અને પેમેન્ટ રેકોર્ડની તપાસ કરી રહ્યા હોવાના અહેવાલ છે.
પરંતુ અહીં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે એફઆઈઆરમાં નામ આવવું એટલે આરોપ સાબિત થઈ ગયો એવું અહીં કેહવામાં આવી રહ્યું નથી. આરોપ સાબિત થયા પછી જ કોઈ વ્યક્તિને ગુનેગાર ગણી શકાય.હાલ આ મામલો ઇન્વેસ્ટિગેશન હેઠળ છે. આરોપી પાર્ટીઓ અને વ્યક્તિઓને કાયદાકીય પ્રક્રિયામાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે અને ફાઇનલ સત્ય ઇન્વેસ્ટિગેશન તથા જ્યુડિશિયલ પ્રોસેસ પછી જ નક્કી થશે. એટલે આ કેસને કોઈ એક પાર્ટી કે સમગ્ર પોલિટિકલ સિસ્ટમને દોષિત ઠેરવવાના બદલે પોલિટિકલ ફંડિંગની ટ્રાન્સપરન્સી અંગે ગંભીર સવાલ ઊભો કરતી ઘટના તરીકે જોવો જરૂરી છે.
પરંતુ આ ઘટનાથી એક મોટો સવાલ ચોક્કસ ઊભો થાય છે કે પોલિટિકલ પાર્ટીઓને મળતા ડોનેશનની સિસ્ટમ કેટલી ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ? સામાન્ય નાગરિક પોતાની ઇન્કમમાંથી ટેક્સ ચૂકવે છે. જો કોઈ વ્યક્તિ પોલિટિકલ ડોનેશનના નામે ટેક્સ બેનિફિટ મેળવે અને ત્યારબાદ એ જ નાણાંનો મોટો હિસ્સો તેને પાછો મળી જાય તો તેની અસર અંતે ગવર્નમેન્ટ રેવન્યુ અને ટેક્સપેયર્સ પર પડી શકે છે. એટલે આવા આરોપો માત્ર પોલિટિકલ પાર્ટીઓ પૂરતા મર્યાદિત નથી રહેતા; તેનો સંબંધ પબ્લિક મની સાથે પણ ક્યાંક જોડાયેલ છે.
લોકશાહીમાં પોલિટિકલ પાર્ટીઓને ફંડિંગની જરૂરિયાત સ્વાભાવિક છે. પરંતુ પૈસા ક્યાંથી આવ્યા, કોને મળ્યા, કેટલા મળ્યા અને ક્યાં વપરાયા ? તેની માહિતી જેટલી ક્લિયર અને ટ્રાન્સપરન્ટ હશે, તેટલો પોલિટિકલ સિસ્ટમ પર પબ્લિક ટ્રસ્ટ મજબૂત થશે. રૂલિંગ પાર્ટી હોય કે ઓપોઝિશન પાર્ટી, નાની પાર્ટી હોય કે મોટી પાર્ટી ફાઇનાન્શિયલ રૂલ્સ અને ટ્રાન્સપરન્સીના ધોરણ દરેક માટે એકસરખા હોવા જોઈએ.
આખરમાં કદાચ આ કેસનો સૌથી મોટો સવાલ માત્ર ₹1,870 કરોડનો માત્ર નથી પરંતુ સવાલ એ છે કે પોલિટિક્સમાં આવતા દરેક રૂપિયાની જર્ની શું સામાન્ય નાગરિક સમજી શકે એટલી ટ્રાન્સપરન્ટ છે?લોકશાહીમાં વોટ જેટલો મહત્વનો છે, એટલું જ મહત્વનું એ જાણવું પણ છે કે ચૂંટણીઓ પાછળ થતી નાનાંની રેલમછેલ માટેનો પૈસો ક્યાંથી આવે છે અને આખરે ક્યાં જાય છે ?



