ગ્રીન એનર્જીમાં ગુજરાતની ઐતિહાસિક સિધ્ધિ
પાંચ વર્ષમાં 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો
- Advertisement -
2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના લક્ષ્ય સાથે ગુજરાત દેશ માટે ગ્રીન ડેવલપમેન્ટનું મોડેલ બન્યું
ઇન્ટિગ્રેટેડ RE પોલિસી-2026, ગ્રીન હાઇડ્રોજન પોલિસી અને પંપ સ્ટોરેજ પોલિસીથી ગ્રીન એનર્જીને મળ્યો વેગ
કેન્દ્ર સરકારના ‘ક્લીન એન્ડ ગ્રીન ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિત ઊર્જાના ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. આર્થિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણને સમાન મહત્વ આપતી રાજ્ય સરકારની નીતિઓના પરિણામે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતે માત્ર એક વર્ષમાં જ 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઈપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. આ સિદ્ધિ સાથે ગુજરાતે વર્ષ 2025-26 દરમિયાન 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન કરીને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પણ નવી ઊંચાઈ હાંસલ કરી છે. રાજ્યમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને અન્ય સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોના ઝડપી વિકાસને કારણે આ સિદ્ધિ શક્ય બની હોવાનું સરકારનું માનવું છે.
- Advertisement -
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સફળતા મેળવી છે. દર વર્ષે રાજ્યમાં અંદાજે 442 મિલિયન ટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. તે સામે પાંચ વર્ષમાં નોંધાયેલો આ ઘટાડો કુલ વાર્ષિક ઉત્સર્જનના આશરે 40 ટકા જેટલો હોવાનું દર્શાવે છે. નિષ્ણાતોના મતે આ આંકડા એ વાતનો પુરાવો છે કે ગુજરાતે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધતું ટકાઉ વિકાસનું સફળ મોડેલ ઊભું કર્યું છે. પર્યાવરણવિદોના જણાવ્યા પ્રમાણે ગ્રીન એનર્જીનો વ્યાપક ઉપયોગ કોલસા અને અન્ય અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડે છે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં સીધો ઘટાડો થાય છે. વિશ્વભરમાં પણ ક્લાઇમેટ ચેન્જ સામેની લડતમાં સૌર અને પવન ઊર્જા જેવા નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોને સૌથી અસરકારક વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે કાર્બન ઉત્સર્જન માત્ર પર્યાવરણ પૂરતો મર્યાદિત મુદ્દો નથી, પરંતુ તે લોકોના આરોગ્ય, હવામાન અને જીવનશૈલી સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. વધતું કાર્બન ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગ, અતિશય ગરમી, અનિયમિત વરસાદ, પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓને જન્મ આપે છે. જ્યારે ગ્રીન એનર્જીનો વધતો ઉપયોગ હવાની ગુણવત્તામાં સુધારો લાવી આરોગ્ય સંબંધિત જોખમો ઘટાડવામાં મદદરૂપ બને છે. રાજ્ય સરકારે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ‘ઇન્ટિગ્રેટેડ RE પોલિસી-2026’, ‘ગ્રીન હાઇડ્રોજન પોલિસી’ અને ‘ગુજરાત પંપ સ્ટોરેજ પોલિસી’ જેવી મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી છે. આ નીતિઓના કારણે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે અને રાજ્યના વીજ ઉત્પાદન મિશ્રણમાં ગ્રીન એનર્જીનો હિસ્સો સતત વધી રહ્યો છે. ઊર્જા વિભાગની દેખરેખ હેઠળ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, GEDA અને GPCL જેવી સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી રાજ્યમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે. પરિણામે હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે અને પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળી છે.
ભારતને વર્ષ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન ધરાવતો દેશ બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્યમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ દિશામાં રાજ્ય સરકારે 2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે.




