મોટા ભાગનાં ડેમોમાં પીવાનું પાણી અનામત રાખ્યા બાદ હવે સિંચાઈનું પાણી આપવા પ્લાનિંગ
માર્ચ મહિનો હજુ પુરો થયો નથી ત્યાં સૌરાષ્ટ્રમાં મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એપ્રિલ – મે માં આકરો ઉનાળો શરૂ થાય તે પૂર્વે સૌરાષ્ટ્રનાં અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ખાલી થઈ રહયો છે હાલ સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 52 ટકા જેટલો જ પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ભાદર સહિતનાં મોટાભાગનાં ડેમોમાંથી શિયાળુ પાક માટે અપાતુ સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે.
આ વર્ષે સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં પાણીનું ચિત્ર એક સંતોષજનક નથી. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર અને મોરબી જિલ્લામાં આકરો ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ રહી છે. દેવભૂમી દ્વારકા જિલ્લાનાં ડેમોનાં તળીયા દેખાવા લાગ્યા છે માત્ર 29 ટકા જ પાણીનો જથ્થો રહયો છે. પોરબંદર જિલ્લાનાં ડેમોમાં માત્ર 33 ટકા અને બોટાદમાં માત્ર 25 ટકા જ પાણીનો જીવંત જથ્થો હાલ છે. રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ સંતોષજનક સ્થિતિ નથી માત્ર 55 ટકા જ પાણી બચ્યુ છે. સૌરાષ્ટ્રનાં મોટા ડેમોમાં મળીને 49732 એમસીએફટી પાણીનો જથ્થો હાલ છે. આ વર્ષે ચોમાસામાં ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હોવાથી પાણીનું ચિત્ર સારૂ ઉપસ્યુ હતું પરંતુ અન્ય જિલ્લાઓમાં ડેમો 60 થી 70 ટકા જ ભરાયા હતા. શિયાળુ પાક માટે રાજકોટ જિલ્લામાં ભાદર સહિતનાં 15 જેટલા ડેમોમાંથી પાણ છોડવામાં આવતુ હતુ તે હવે મોટાભાગનાં ડેમોમાંથી બંધ કરવામાં આવ્યુ છે. સિંચાઈ માટે પાંચ થી છ પાણ આપવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં હવે ઉનાળુ પાક માટે જો ખેડૂતોની ડિમાન્ડ આવશે તો સિંચાઈ વિભાગ વિચારશે. 50 ટકા ખેડૂતોની પાણી માટે માગણી આવશે તો ડેમોમાંથી પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતું કે મોટા ભાગનાં ડેમોમાં પીવાનું પાણી અનામત રાખ્યા બાદ હવે સિંચાઈનું પાણી આપવા પ્લાનીંગ કરવામાં આવ્યુ છે.


