બેફામ જગ્યા રોકાણ, ભયંકર દબાણ અને અરાજકતા
દેવી મદ્રાસ કાફે, મનાલી ઢોસા, મહિકાના પૂડલાં વગેરેનો ભયાનક ત્રાસ
- Advertisement -
દબાણ બાબતે RMCની ઘોર બેદરકારી: કાર્યવાહી શૂન્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. એમાં પણ સાંજ પડેને રસ્તા પર જાણે માનવ મહેરામણ ઉમટી પડે એવા દૃશ્યો સર્જાય છે. કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળે છે. જોકે શહેરભરમાં સર્જાયેલી સમસ્યા પાછળ માત્ર વધતી જનસંખ્યા કે વાહનોની વધતી સંખ્યા જ નથી, ટ્રાફિક સમસ્યા પાછળનું એક મુખ્ય કારણ રસ્તા પર વધતું જતું ગેરકાયદે દબાણ પણ છે. હાલ શહેરના સાધુ વાસવાણી રોડ પર ગેરકાયદે દબાણે ટ્રાફિકની સમસ્યા વધારી દીધી છે એટલું જ નહીં, આ ગેરકાયદે દબાણને કારણે અહીંના રહીશો અને વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાધુ વાસવાણી રોડ પર મનાલી ઢોસા અને મહિકાના પુડલા, મા ઢોસા, દેવી ઢોસા સહિત કેટલાય ખાણીપીણીની દુકાન ધરાવનારએ રસ્તા પર પાર્કિંગની જગ્યામાં ખુરશી-ટેબલ પાથરી ભયંકર ન્યૂસન્સ સર્જ્યું છે. અહીં સવાલ એ છે કે, તંત્ર દ્વારા સાધુ વાસવાણી રોડ પર આવેલી શાક માર્કેટ બહાર ઉભી રહેતી લારીઓ ઉપડી જાય છે પણ ખાણી-પીણીની રેકડીઓ કે ટેબલ-ખુરશી કેમ ઉપડી જતા નથી?
- Advertisement -
ખાસ કરીને સાધુ વાસવાણી રોડ પર આવેલા મનાલી ઢોસા અને મહિકાના પુડલાવાળાએ તો રેડિસેન્સ બાંધકામમાં કોમર્શિયલ ખડકી દીધું છે અને રસ્તા પર ટેબલ-ખુરશી પાથરી ગેરકાયદે દબાણ કર્યું છે. આ સિવાય પણ ઘણાં ખાણીપીણીની દુકાન અને રેંકડી ધરાવનારાઓએ રસ્તા પર ટેબલ-ખુરશીની પાથરણા કરી ન્યૂસન્સ સર્જ્યું છે, જે આસપાસના રહીશો, વેપારીઓ તો ઠીક ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે માથાનો દુ:ખાવો બન્યો છે. આ સમગ્ર મામલે દબાણ હટાવ શાખા કેમ આંખ આડા કાન કરી રહ્યું છે એ સમજ બહાર છે.