અતુલ પંડિતનો કાર્યકાળ શિક્ષણ સમિતિનાં કાળા યુગ તરીકે ઓળખાશે
પંડિત અને પરમારનું સરકારી શાળાનું મકાન ખાનગી સંસ્થાને સોંપી દેવાનું વધુ એક કારસ્તાન
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે વધુ એક સરકારી શાળાના મકાનને ખાનગી સંસ્થાને સોંપી દેવાનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક ઠરાવ પસાર કરી 69 નંબરની પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલી નવી બિલ્ડીંગ રાજકોટ મનપા સંચાલિત શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલને તેમજ જૂના બિલ્ડીંગમાં ચાલતી શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલનું મકાન પ્રયાસ સંસ્થાને સોંપી દીધું છે. જે મકાનમાં પ્રયાસ સંસ્થા દ્વારા એક શાળા શરૂ કરી દેવામાં આવી છે! રાજકોટ શિક્ષણ સમિતિએ 19 જુલાઈ, 2022જ રોજ ઠરાવ પસાર કરી જૂના બિલ્ડીંગમાં ચાલતી શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલનું મકાન એક ખાનગી સંસ્થા પ્રયાસને સોંપી દીધું છે અને પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનએ પણ આ સરકારી માલિકીની બિલ્ડીંગનું સંચાલન સંભાળી ત્યાં પોતાની ઓફિસ ખોલી નાખી છે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મનપામાં આવતી શાળાનું મકાન પ્રયાસ સંસ્થાને દઈ દીધું!
કરોડોની જમીન પર કરોડોનાં ખર્ચે તૈયાર થયેલી શાળાઓની મહાપાલિકા દ્વારા છૂટ્ટાં હાથે લ્હાણી…
- Advertisement -
પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પૂજા પટેલ દ્વારા રાજકોટ મનપાની માલિકી હેઠળની માત્ર બિલ્ડીંગ જ હસ્તગત કરી લેવામાં આવી નથી પરંતુ ત્યાં નવી શાળા સહિતની ઘણીબધી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગૂગલમાં પણ પ્રયાસ એસોસિએશન રાજકોટ સર્ચ કરતા તેનું આખુ ઓફિશિયલ એડ્રેસ અંબાજીકડવા પ્લોટનું જ દર્શાવવામાં આવશે જ્યાં મનપાની શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલ અને રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નંબર 69 આવેલી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 69 જે રાજકોટ મહાનગર પાલિકાની શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલના મેદાનમાં આવેલી હતી તેના મકાનને કોઈ જ સત્તા કે સમજૂતી વિના ક્યાં આધારે રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનને ઠરાવ કરી સોંપી દેવામાં આવી છે એ સૌથી મોટો પ્રશ્ર્ન છે. રાજકોટ મનપાની માલિકીની શાળાને ક્યાં આધારે રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા કોઈ ખાનગી સંસ્થાને સોંપી શકાય? રાજકોટ શિક્ષણ સમિતિના આ ઠરાવ અંગે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ અજાણ છે ત્યારે રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને કિરીટ પરમારે સત્તાનો દુરુપયોગ કરી પુજા પટેલની પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનને મનપાની માલિકીની શાળાનું મકાન સોંપી દેતા સમગ્ર મામલે કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે.
ચેરમેન અતુલ પંડિતે કહ્યું, પ્રયાસને મકાન સોંપવાનો પાર્ટીમાંથી ઓર્ડર છે!
રાજકોટ મહાપાલિકા સંચાલિત શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલનૂ જૂનું બિલ્ડીંગ પ્રયાસ નામની ખાનગી સંસ્થાને સોંપવા અંગેના ઠરાવનો શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ શિક્ષણ સમિતિના કેટલાંક સભ્યોએ ચેરમેન અને શાસનાધિકારીને સત્તા બહારના કાર્યો ન કરવા તેમજ ખાનગી સંસ્થાને સરકારી મિલ્કત ન સોંપવા અંગે ધ્યાન દોર્યું હતું. એ સમયે રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે સભ્યોને જણાવ્યું હતું કે, સરકારી શાળાનું મકાન પ્રયાસ એસોસિએશનને સોંપવાનો પાર્ટીમાંથી ઓર્ડર છે. આપણે ફક્ત ઠરાવ પસાર કરવાનો છે, બીજી ચર્ચા કરવાની નથી. અને આમ અતુલ પંડિત અને કિરીટ પરમારે મનમાની કરી રાજકોટ મનપા સંચાલિત શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલનું જૂનું બિલ્ડીંગ પૂજા પટેલની પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનને બરોબર સોંપી દીધું હતું.
પંડિત અને પરમાર દ્વારા એક પછી એક સરકારી શાળાનું સંચાલન-મિલ્કતની ખાનગી સંસ્થાને લ્હાણી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી એક પછી એક સરકારી શાળાનું સંચાલન-મિલ્કત ખાનગી સંસ્થાઓને સોંપી રહ્યા છે. પહેલા શિક્ષણ સમિત હેઠળ આવેલી શાળા નંબર નંબર 93 અને હવે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી સરોજીની નાયડુ હાઈસ્કૂલનું જૂનું બિલ્ડીંગ પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનને સોંપી દેવાયું છે. સરકારી શાળા અને મિલ્કતના ખાનગીકરણ પાછળ અતુલ પંડિત અને કિરીટ પરમારના વ્યક્તિગત લાભ અમે આર્થિક હિત જવાબદાર હોવાનું શિક્ષણજગતના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
વિપક્ષ ચૂંટણીની તૈયારીમાં અને રાજકોટ શિક્ષણ સમિતિ ફંડ ભેગું કરવામાં વ્યસ્ત
2022 વિધાનસભા ચૂંટણીનો એક મુદ્દો શિક્ષણ અને સરકારી શાળાઓ છે. શિક્ષણના સ્તરને ઉંચુ લાવવાની અને સરકારી શાળાઓને અદ્યતન બનાવવાની વાતો ચાલી રહી છે. શિક્ષણના નામ પર મત માંગવા રાજકીય પક્ષ મેદાનમાં છે આમ છતાં વિપક્ષ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા કૌભાંડ મામલે મૌન છે. કોંગ્રેસ તો ઠીક આમ આદમી પાર્ટીને પણ શિક્ષણ ક્ષેત્રે નિવેદન આપવા સિવાય નક્કર કામગીરી કરવામાં રસ નથી. બીજી તરફ રાજકોટ શિક્ષણ સમિતિ આવનારી ચૂંટણીઓ માટે ફંડ ભેગું કરવામાં વ્યસ્ત છે. વિદ્યાર્થીઓની અને શૈક્ષણિક ગ્રાન્ટનો દુરુપયોગ કરવાથી લઈ સરકારી શાળાનું સંચાલન અને મિલ્કતો ખાનગી સંસ્થાને સોંપવા સુધી જ્યાં જૂઓ ત્યાં માત્રને માત્ર આર્થિક કૌભાંડો આચરી પોતાના અને પક્ષ માટે ફંડ ભેગું કરવામાં શિક્ષણ સમિતિના ચેરમેન વ્યસ્ત હોવાનું જણાય રહ્યું છે. આ બધા વચ્ચે રાજકોટની સરકારી શાળા, તેના આચાર્યો અને વિદ્યાર્થીઓની સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે એટલું જ નહીં, રાજકોટ આખાનું સરકારી શૈક્ષણિકજગત બદનામ પણ થયું છે અને તેની સ્થિતિ પહેલા કરતા પણ વધુ બત્તર બની છે.