ભરૂચથી ઉમરગામ સુધી કારખાના-ફેક્ટરીઓમાં સન્નાટો
ગુજરાતમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચતા ઉદ્યોગકારો રાજ્ય સરકારથી ભારોભાર નારાજ છે. તેનું કારણ એછેકે, એક તરફ ઉદ્યોગકારો અઠવાડિયામાં એક વાર ૮ કલાકના વીજ કાપની ફરિયાદ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉર્જા મંત્રીએ આ વાતને નકારી કાઢી છે. એટલું જ નહીં, ગુજરાતમાં વીજળીની સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે, વીજસંકટને પગલે ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો મરો થયો છે. ઉર્જા વિભાગનો દાવો છેકે, રાજ્યમાં વીજળીની સ્થિતિ સામાન્ય છે પણ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત છે કે ભરૂચથી ઉમરગામ સુધીના ઓદ્યોગિક પટ્ટામાં સાંજે ૪થી રાતના ૧૨ વાગ્યા સુધી સત્તાવાર રીતે વીજ કાપ લાદવાનું નક્કી કરાયું છે. ટેક્સટાઇલ, ડાયમંડ, એમ્બ્રોઈડરી અને હીરા ઉદ્યોગ જેવા લાખો લોકોને રોજગારી આપતા સેક્ટર્સ વીજકાપને લીધે પાયમાલ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ જોતાં વીજકાપના સમયમાં ફેરફાર કરવામાં આવે. બીજી તરફ ઉત્પાદન ઠપ્પ થવાના કારણે કેટલાક એકમોએ તો કામદારોની છૂટછાટ પણ શરૂ કરી દીધી છે.
ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘રાજ્યમાં વીજ પુરવઠો સંપૂર્ણ નિયંત્રણમાં છે. ઉદ્યોગ જ નહીં, કૃષિક્ષેત્રે પણ નિયમિતપણે વીજળી મળી રહી છે. સૂર્યાસ્ત પછીના પિક અવર્સ દરમિયાન સોલાર પાવર ઉપલબ્ધ ન હોવાથી ખેંચ ઊભી થાય છે. સરકારે ઉદ્યોગોને માત્ર સ્વેચ્છાએ પાવર ઓછો વાપરવા અપીલ કરી છે, કોઈ બળજબરી કરી નથી.’ ઉર્જા મંત્રી ભલે પરિસ્થિતિ સામાન્ય ગણાવતા હોય, પરંતુ પડદા પાછળ સરકારનો સળવળાટ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યો છે. વીજમાંગ ૨૯૦૦૦ મેગાવોટ પાર થઈ જતાં સરકારે તાબડતોબ કેન્દ્ર સરકાર પાસે ૧૦૦૦ મેગાવોટ વધારાની વીજળી માંગી છે. એટલું જ નહીં, રાજ્યના બંધ પડેલા ૩૧ પાવર પ્લાન્ટ્સને આગામી ચાલુ કરવા કડક આદેશો છૂટ્યા છે. કોલસાનો જથ્થો પણ મેળવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી આ બંધ પાવર પ્લાન્ટ્સ ધમધમતા નહીં થાય, ત્યાં સુધી ઉદ્યોગો પર પાવર કટનું આ સંકટ યથાવત રહેશે તે નક્કી છે. જોકે, દિવાળી સુધી પણ ગુજરાતમાં વીજસંકટ દૂર થાય તેમ લાગતું નથી.
- Advertisement -
માંડવી મામલતદાર કચેરીની વીજળી ગુલ થતાં અરજદારો રઝળ્યા
માંડવી મામલતદાર કચેરીમાં આજે આવકના દાખલા કઢાવવા માટે આવતા અરજદારોને લાઈટના અભાવે કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. સવારે પોણા બાર વાગ્યાના અરસામાં મામલતદાર કચેરીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાતા કોમ્પ્યુટર સર્વર અને મશીનો બંધ પડી ગયા હતા. જો કે, બપોરે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો પુનઃ શરૂ ન થતા આવકના દાખલા કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ રહી હતી. દૂર દૂરથી આવેલા અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને ગાંધીનગરનું તેડું
એક તરફ, સરકાર ગુજરાતમાં વીજળીની સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે, બીજી તરફ, સચિવાલયમાં વીજળીની સ્થિતિને પગલે સમીક્ષા બેઠકોનો દોર જામ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીઓના અધિકારીઓને પણ પાટનગરનું તેડું મોકલવામાં આવ્યું હતું. કચ્છ, સૌરાષ્ટ્રમાં વીજ સપ્લાયને લઈને શું સ્થિતિ છે તે અંગે ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.




