‘સમર ટ્રાવેલ રિસર્ચ 2026’ રિપોર્ટઃ 58% લોકો માત્ર મન થતાં ફરવા નીકળી પડ્યા
બ્રેકઅપ, પાડોશીનો ઘોંઘાટ અને સામાજિક જવાબદારીઓ બની ટ્રાવેલિંગનું બહાનું
- Advertisement -
35% લોકો સંબંધોમાં તણાવ બાદ જ્યારે 46% લોકો ઘરના અવાજ-રિપેરિંગથી કંટાળીને શાંતિ મેળવવા રવાના થયા!
ભારતીયો હવે રજાઓ, મેરેજ એનિવર્સરી કે જીવનની કોઈ મોટી સિદ્ધિની રાહ જોયા વિના જ ફરવા નીકળી રહ્યાં છે. રોજિંદો મૂડ, નાની-નાની ઘટનાઓ, સફળતાઓ અને થોડા સમય માટે બ્રેક લેવાની જરૂરિયાત હવે મુસાફરીના નવા કારણો બની રહ્યાં છે. ‘સમર ટ્રાવેલ રિસર્ચ ૨૦૨૬’ નામે આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દેશના ૧૦ શહેરોમાંથી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૧,૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમની સાથેની વાતચીતના આધારે તેને જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૫૮ ટકા ભારતીય મુસાફરોએ માત્ર એટલા માટે મુસાફરી કરી કારણ કે તેમનું મન હતું. જ્યારે, ૫૭ ટકા લોકોએ છેલ્લા એક વર્ષમાં બે થી ત્રણ વાર એવી રજાઓ ગાળી, જેનો કોઈ મોટી ઘટના, ઉજવણી કે જીવનની મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે કોઈ સંબંધ નહોતો. લગભગ ૩૫ ટકા લોકો પોતાનાં પાર્ટનર સાથે ઝઘડા કે બ્રેકઅપ પછી ફરવા જતાં રહ્યાં, જ્યારે ૪૬ ટકા લોકો ઘરમાં ડ્રિલિંગનો અવાજ, રિપેરિંગનું કામ કે ઘોંઘાટ કરતાં પાડોશીઓથી બચવા માટે બહાર નીકળી ગયા. ૫૦ ટકા લોકોએ કહ્યું કે તેમણે સામાજિક જવાબદારીઓથી બચવા માટે યાત્રા બુક કરી હતી.
સંશોધકોએ કહ્યું કે નાની-નાની વ્યક્તિગત સિદ્ધિઓની ઉજવણી કરવાથી લઈને રોજિંદી જિંદગીમાંથી થોડો સમય દૂર જવા સુધી, આજનાં મુસાફરો વગર કોઈ ખાસ કારણે અચાનક ફરવા જવાને સામાન્ય માની રહ્યાં છે. જ્યારે ફરવાનું મન કરે ત્યારે કોઈ ઔપચારિક કારણની જરૂર નથી, કારણ કે ‘ફક્ત મન હોવું’ એ જ મુસાફરી કરવાનું સૌથી મોટું કારણ છે. ૩૫ ટકા લોકોએ ફરવાનું મન થયાના એક સપ્તાહની અંદર યાત્રા બુક કરી લીધી, જ્યારે ૨૦ ટકા લોકોએ તે જ દિવસે બુકિંગ કરી દીધું હતું.
- Advertisement -
લોકોએ અચાનક ફરવા જવા માટે ઘણાં પ્રકારના કારણો પણ બતાવ્યા. ૫૧ ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેમને કે તેમનાં પરિવારને બસ એક બ્રેકની જરૂર હતી. વળી, ૩૨ ટકા લોકોએ અચાનક કરેલી યાત્રાને થેરાપીથી સસ્તી ગણાવી. ૨૪ ટકા લોકોએ ડોક્ટર તરફથી વિટામિન-ડી લેવાની સલાહને સમુદ્ર કિનારે રજાઓ મનાવવાનું કારણ માન્યું. સંશોધકોએ કહ્યું કે રોજિંદી જિંદગીની એવી ઘણી પરિસ્થિતિઓ પણ સામે આવી, જે લોકોનાં ફરવાના અનોખા કારણો બની રહી છે. ર૮ ટકા લોકોએ એટલા માટે યાત્રા બુક કરી કારણ કે તેમના સાસરિયાંવાળા લાંબા સમય માટે તેમના ઘરે આવી ગયા હતા! વળી, ૩૦ ટકા લોકોએ ઘરકામ કરવા વાળી મહિલા કે ડ્રાઈવરના રજા પર ગયા પછી પોતાનું બેગ પેક કરી લીધું. લક્ઝરી ચીજોનો આનંદ લેવા માટે ૫૫ ટકા લોકોએ યાત્રા કરી. ૫૭ ટકા લોકો ત્યારે ફરવા નીકળી ગયા જ્યારે તેમના શહેરનું હવામાન ખરાબ થઈ ગયું અને તેઓ સારા માહોલનો અનુભવ કરવા માંગતા હતા. આ સિવાય, ૪૮ ટકા લોકોએ સારા ફોટો અને વીડિયો માટે સારી જગ્યાની શોધમાં યાત્રા કરી હતી.




