ખેડૂતથી યુવા અને મોંઘવારીથી ડ્રગ્સ સુધીના મુદ્દે ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ
ગુજરાતનું ભવિષ્ય યુવાનો સાથે જોડાયેલું છે અને શિક્ષણ ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી સ્થિતિ ચિંતાજનક : ડૉ. રાજદીપસિંહ જાડેજા
- Advertisement -
શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં રાજકોટ શહેરમાંથી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસ પરિવાર ગાંધીનગર પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો, યુવાનોમાં બેરોજગારી, પેપર લીક, મોંઘવારી, મહિલાઓની સુરક્ષા, ડ્રગ્સના વધતા
દૂષણ સહિતના વિવિધ મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ ઇન્ચાર્જ, વિવિધ સેલ અને ફ્રન્ટલના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં
ગાંધીનગર ખાતે જન આક્રોશ સભામાં જોડાયા હતા.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ખેડૂતો આજે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે તેની સામે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. કૃષિ ક્ષેત્ર
સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો વચ્ચે ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા પેપર લીકના પ્રશ્નને પણ
કોંગ્રેસે ગંભીર ગણાવ્યો હતો. વર્ષોની મહેનત, સમય અને ભવિષ્યની આશાઓ પર અસર કરતી આવી ઘટનાઓને રોકવા માટે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાય તેવા જવાબદાર અને અસરકારક પગલાં
ભરવાની કોંગ્રેસે માંગ કરી હતી.
- Advertisement -
મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળે તેમજ તેમની ફરિયાદો અને પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ થાય તે સરકારની જવાબદારી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું. બીજી તરફ મોંઘવારીના સતત વધતા ભારથી
સામાન્ય પરિવારના જીવન પર અસર પડી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. ઘરખર્ચ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મધ્યમવર્ગ અને ગરીબ પરિવાર માટે મુશ્કેલ બની રહી હોવાનો આક્ષેપ
કરવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકની આવક અને જીવનખર્ચ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું હોવાનું પણ જણાવાયું હતું. ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણ સામે પણ કોંગ્રેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું ભવિષ્ય યુવાનો સાથે જોડાયેલું છે અને શિક્ષણ ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી સ્થિતિ ચિંતાજનક છે. વિદ્યાર્થીઓ મહેનત કરીને શિક્ષણ મેળવે છે, પરંતુ
શિક્ષણની ગુણવત્તા, પરીક્ષાઓની વ્યવસ્થા અને ભવિષ્યની તકો અંગે તેમના મનમાં અનેક પ્રશ્નો છે. સરકારની પ્રથમ જવાબદારી યુવાનોને સારું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાની હોવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
આજની Gen-Z પેઢી અગાઉની પેઢીઓ કરતાં અલગ રીતે વિચારે છે. આ પેઢી પોતાના અધિકારો અંગે જાગૃત છે, પ્રશ્નો પૂછે છે અને પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટતા માંગે છે. તેમના અવાજને દબાવવાને બદલે તેમને
સાંભળવાની જરૂર હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, યુવાનોને યોગ્ય તક મળશે તો તેઓ ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આજે ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનો બેરોજગારીથી
પરેશાન છે અને અમૂલ્ય યુવા ધન ડ્રગ્સના વધતા દૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. માતા-પિતાને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા છે. સરકારની જવાબદારી યુવાનોને રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ
આપવાની હોવાનું જણાવતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, જનતાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવાને બદલે સરકાર અન્ય બાબતોમાં વ્યસ્ત હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે સામાન્ય નાગરિક જીવનને સરળ બનાવવા માટે નહીં
પરંતુ જીવન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરિવારનું ભરણપોષણ, બાળકોનું ભવિષ્ય, શિક્ષણ અને રોજગાર જેવી બાબતોને લઈને દરેક વર્ગ ચિંતિત છે. સરકાર સુધી જનતાનો અવાજ પહોંચાડવો અને લોકશાહી ઢબે
તેમના પ્રશ્નો માટે લડવું એ કોંગ્રેસની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. જન આક્રોશ સભા દ્વારા અમે કોઈ એક વર્ગનો નહીં પરંતુ ગુજરાતના દરેક નાગરિકનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ. મોંઘવારી
હોય, બેરોજગારી હોય, ડ્રગ્સનું વધતું દૂષણ હોય, મહિલાઓ અને વંચિત વર્ગો સાથેનો અન્યાય હોય કે યુવાનોના અધિકારોનો પ્રશ્ન હોય—કોંગ્રેસ દરેક મુદ્દે જનતાની સાથે મજબૂતીથી ઊભી રહેશે. રાજકોટ શહેરમાંથી મોટી સંખ્યામાં
કોંગ્રેસ પરિવાર આ લડતમાં જોડાઈને સ્પષ્ટ સંદેશ આપશે કે જનતાના હક અને અધિકારો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સ્વીકારવામાં આવશે નહીં.
આ જન આક્રોશ સભામાં રાજકોટ શહેરમાંથી ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, દીપ્તીબેન સોલંકી, નીતિનભાઈ ભંડેરી, મેહુલ પટેલ, અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઈ સોરા, સુનિલભાઈ
ચાવડીયા, હેમલભાઈ પેસીવાડીયા, સિકંદરભાઈ ડાકોરા, રામદેવસિંહ વાઘેલા, હરેશભાઈ ભારાઈ, કપિલભાઈ ગોસ્વામી, રાજેન્દ્રસિંહ વાઘેલા, મહેસૂરસિંહ ઝાલા, મનસુખભાઈ જાદવ, દીપુબેન રવિયા, ચંદ્રિકાબેન વરાણીયા,
અફઝલભાઈ મેતર, મનસુખભાઈ ગોહિલ, શરીફભાઈ સોઢા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે જોડાયા હતા.




